આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસનું મુહૂર્ત ન ફળ્યું, વરસાદ ન આવતા પાક મુરઝાયો

Gujarat Farmers : આગાહીકારોએ આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરતા ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વરસાદ ન આવતા હવે બિયારણ બળી જવાના, પાક મુરઝાવાના કિસ્સા બની રહ્યાં છે 

આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસનું મુહૂર્ત ન ફળ્યું, વરસાદ ન આવતા પાક મુરઝાયો

Agriculture New : હાલ વરસાદ ખેંચાતા ગુજરાતભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શરૂઆતમાં અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થતાં ખેડૂતોને આ વખતે વરસાદ વહેલો થશે તેવી આશા હતી. તેને લઈને ખેડૂતોએ અગાઉ વાવેતર કરી દીધું હતું. પરંતુ વરસાદ ન આવતા કપાસ, મગફળી અને અન્ય ખેત જાણસો મુરજાવા લાગી છે. ખેડૂતો હવે મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

હવામાનની આગાહી જોઈ વાવણી કરી, પણ વરસાદ ન આવ્યો
હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આશાએ અને ભીમ અગિયારસનું શુકનવતું મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે. અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસ છે ત્યારે ખેડૂતોએ આગતર વાવેતર કરી દીધું હતું, ત્યારે હવે ખેડૂત મૂંઝાયો છે આકાશમાં દેખાતા કાળા ડિબાંગ વાદળાઓ સામે જોઈ અને વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખેતરમાં નાનકડા કુમળા છોડ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો વરસાદ થઈ જાય તો મગફળીનો પાક બચાવી શકાય અન્યથા ખેડૂતને શું કરવું તે હાલ અવઢવમાં છે. 

કપાસના છોડ મુરઝાવા લાગ્યા 
મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોનું કહેવું છે કે, ભીમ અગિયારસ પહેલા વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ કપાસિયાનું વાવેતર અને ચોપણી કરી દીધી હતી. ત્યારે હાલ વરસાદ ખેંચાયો છે. મોંઘા ભાવના કપાસિયા, દવા, ખાતર, બિયારણ આ બધોજ ખર્ચ ખેડૂતોને હાલ માથે પડ્યો છે. ખેતરમાં ક્યાંક ક્યાંક કપાસિયા છે, બાકીના તમામ કપાસિયાઓ ફાટી ગયા છે. એટલે કે કપાસનો વાવેલો પાક નિષ્ફળ ગયેલો દેખાય છે અને ખેડૂતો આકાશ સામે જોઈને વરસાદની આશા સેવી રહ્યો છે ત્યારે ખેતરમાં એકલદોકલ કપાસિયાનો છોડ પણ હવે મુર્જાવાની તૈયારીમાં છે.

 

અમરેલી જિલ્લામાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં હોવાને કારણે અને હાલ વરસાદ ખેંચાયો હોવાને કારણે આ પાક નિષ્ફળતાને આરે પહોંચવા આવ્યો છે. ત્યારે મૂંઝાયેલા ખેડૂતની વહારે મેઘરાજા ક્યારે મહેર કરશે તે જોવાનું રહ્યું. 

જેતપુરમાં બિયારણ બળી ગયું 
તો બીજી તરફ, ચાલુ વર્ષે સારા અને વેલા વરસાદની હવામાન વિભાગ તેમજ અન્ય આગાહીકારોની આગાહીને કારણે જેતપુર પંથકના ખેડૂતોએ વેલું વાવેતર કરી દીધું હતું. પરંતુ વરસાદ ખેંચતા મોટા ભાગના ખેતરોમાં પહેલું વાવેતર કરેલ બિયારણ બળી ગયું છે જેથી ઘણા ખેડૂતોએ બીજીવાર વાવેતર કરી નાંખ્યું છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન વર્ષ બની રહેશે તેવી ભીતિ છે.

ચાલુ વર્ષે જુદાજુદા વરતારામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે જ હવામાન ખાતાએ પણ સારા અને વહેલા વરસાદની આગાહી કરતા ખેડૂતોએ બમણી આશાએ પેલી જુનની આજુબાજુ વાવેતર કરી દીધું. જેમાં રાજકોટ જિલ્લાની ૫૩૨૧૪૩ હેક્ટર જમીનમાંથી ખેડૂતોએ ૨૧૬૩૯ હેક્ટરમાં વહેલું વાવેતર કરી નાખ્યું હતુ. જેમાં ૧૨૩૩૧ હેક્ટરમાં મગફળી, ૮૧૮૩ હેક્ટરમાં કપાસ, ૪૯૪ હેકટરમાં શાકભાજી અને ૬૨૯ હેક્ટરમાં પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદનું ક્યાંય નામોનિશાન નથી. ખેડૂતો દરરોજ ખેતરે આવે કાળા વાદળો જુએ છે, વરસાદની આશા બંધાય છે, પરંતું વરસાદનું એક ટીપુંય ન વરસતા ખેડૂતોમાં હતાશા ફેલાઈ ગઈ છે. વહેલું વાવેતર અને તેમાં વરસાદને બદલે અસહ્ય તાપ અને ગરમીભર્યું વતાવતરણ રહેતા બોર અને કુવાના પાણી પણ ડુકી ગયા છે. હવે ખેતરે કામ કરતા ખેડૂત અને મજૂરોને અને ઢોર માટે પીવાનું પાણી પણ ઘરેથી ભરીને આવવું પડે છે. આકરા તાપને કારણે વાવેલ બિયારણ પણ બળી ગયું. આગાહીકારોએ આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરતા જેતપુર પંથકના મોટાભાગના ખેડૂતોએ બીજીવાર પણ વાવણી કરી નાંખી છે. અને હવે ફરીથી વરસાદની આશ લગાવી ખેડૂત બેઠો છે. જો હવે પણ સમયસર વરસાદ નહિ થાય તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થશે.

(રિપોર્ટ - કેતન બગડા, અમરેલી અને નરેશ ભાલિયા, જેતપુર) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news