બનાસ ડેરીએ આપ્યો છે જેને નંબર-1 ભેંસનો એવોર્ડ, આ ભેંસ દર મહિને માલિકને કરાવે છે 60000ની કમાણી
Animal Husbandry Business: માલિક એક ભેંસ પાછળ મહિને 15 હજાર જેટલો ખર્ચ કરે છે. તેની સામે આ ભેંસ તેમને પાંચ ઘણું વળતર આપે છે. આટલું રિટર્ન તો કોઈ બેંકમાં, કોઈ મ્યુચ્યલ ફંડમાં કે કોઈ કંપનીના શેરમાં નથી મળતું. આવી ચાર ભેંસ મળી જાય તો આખી જિંદગી સુધરી જાય જિંદગી. આ છે નંબર વન ભેંસ....
Trending Photos
Agriculture News: બનાસકાંઠાના એક પશુ પાલક પાસે એવી ભેંસ છે જેણે દૂધ આપવાના મામલામાં અનેક રેકોર્ડ તોડી કાઢ્યાં છે. માલિક તેની પાછળ જેટલો ખર્ચો કરે છે તેની સામે આ ભેંસ તેના માલિકને પાંચ ઘણી કમાણી કરાવી આપે છે. લોકો કહે છેકે, આ આ ભેંસ છે કે દૂધ આપવાનું મશીન? દિવસનું સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ આ ભેંસના નામે છે. હાલ આ ભેંસ રોજનું 28 લીટર દૂધ આપે છે. જે અન્ય ભેંસોની સરખામણીએ લગભગ ત્રણ ઘણું છે. એટલું જ નહીં આ ભેંસના દૂધનો ભાવ પણ અન્ય ભેંસોની સરખામણીએ વધારે છે. તેથી આ ભેંસના લીધે તેના માલિકને સારી એવી કમાણી થાય છે.
ઉલ્લેખનીય છેકે, સરહદને અડીને આવેલો ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો મહદઅંશે ખેતીવાડી અને પશુપાલન પર નભે છે. આ જિલ્લાના અનેક પશુપાલકો પશુઓના દૂધથી વર્ષે લાખો કરોડોની કમાણી કરે છે. જેમાં ગામના એક ખેડૂત પાસે એક એવી ભેંસ છે, જેણે દૂધ આપવાના મામલામાં અનેક રેકોર્ડ તોડી કાઢ્યા છે. આ ખેડૂત પાસે એક એવી ભેંસ છે જે એકલી રોજ ત્રણ ભેંસો જેટલું દૂધ આપે છે. પ્રતિદિન આખા બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ આપી આ ભેંસે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ખુદ બનાસ ડેરી દ્વારા આ ભેંસને આખા જિલ્લાની નંબર વન ભેંસ તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
અમે વાત કરી રહ્યાં છીએ બનાસકાંઠાના પશુપાલક નાનજીભાઈ ચૌધરીની. નાનજીભાઈ ચૌધરીની ઉંમર 50 વર્ષ છે. પાલનપુરના ટાકરવાડાના મૂળ વતની અને અત્યારે પાલનપુર ખાતે પશુપાલન સાથે જોડાયેલા નાનજીભાઈએ બી.એ સુધી અભ્યાસ કરેલો છે. તેમનો પરિવાર વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલો છે.
નાનજીભાઈ ચૌધરી જણાવે છેકે, શરૂઆતમાં મેં પશુ પાલનનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારી પાસે માત્ર એક જ પશુ હતું. પછી ધીરે ધીરે પશુઓના દૂધની આવક વધતા પશુઓની સંખ્યા વધારી. હાલ નાનજીભાઈ પાસે કુલ 12 પશુઓ છે. જોકે તેમાં એક ભેંસ એવી છે જે એકલી જ ચાર બરાબર છે. જીહાં, નાનજીભાઈના પશુઓમાં એક મહેસાણી ભેંસ છે. નાનજીભાઈની બીજીના બીજા પશુઓ જ્યાં 10 થી 12 લીટર દૂધ આપે છે, ત્યારે તેમની મહેસાણી ભેંસ રોજનું 28 થી 30 લીટર દૂધ આપે છે. આ ભેંસને કોઈની નજર ના લાગે એના માટે માલિક પણ રાખે છે તેનું ખાસ ધ્યાન. આ ભેંસ સામાન્ય ભેંસ કરતા અલગ છે. તેનો દેખાવ પણ અલગ છે અને હાઈટ-બોડીમાં પણ આ ભેંસ બીજા કરતા જુદી તરી આવે છે.
પશુપાલક નાનજીભાઈ ઘાસ ચારો તેમજ દાણ ખવડાવવા માટે આ એક ભેંસ પાછળ મહિને 15 હજાર જેટલો ખર્ચ કરે છે. તેની સામે આ ભેંસ તેમને પાંચ ઘણું વળતર આપે છે. આટલું રિટર્ન તો કોઈ બેંકમાં, કોઈ મ્યુચ્યલ ફંડમાં કે કોઈ કંપનીના શેરમાં નથી. આ એક જ ભેંસ નાનજીભાઈને દર મહિને અંદાજે 60 થી 65 હજાર રૂપિયા કમાઈ આપે છે. આખા બનાસકાંઠા જિલ્લામાં આ ભેંસ સૌથી વધુ દૂધ આપતી ભેંસ હોવાથી બનાસ ડેરી દ્વારા તેને બનાસકાંઠાની નંબર વન ભેંસ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ સાથે તેના પશુપાલકને બનાસ ડેરી દ્વારા 30 હજારનું ઈનામ પણ આપવામાં આવ્યું.
નાનજીભાઈના કુલ આવક અને ખર્ચ વિશે વાત કરીએ તો, તેઓ દર વર્ષે 12 પશુઓના દૂધમાંથી 22 લાખની આવક મેળવે છે. વર્ષે આ પશુઓ પાછળ તેઓ કુલ 10 લાખનો ખર્ચ કરે છે. જેની સામે તેમને 12 લાખની આવક થાય છે. આમ, આ રીતે માસિક આવકની વાત કરીએ તો... 12 પશુઓના દૂધમાંથી મહિને સરેરાશ નાનજીભાઈ ચૌધરી 2 લાખથી વધુની આવક મેળવે છે. મહત્ત્વનું છેકે, હાલની તારીખમાં સારા સારા ડોક્ટરો, સીએ, ઈજનેર સહિતના વાઈટ કોલર પ્રોફેશનમાં પણ લોકો મહિને 2 અઢી લાખ રૂપિયા નથી કમાઈ શકતા. જ્યારે ગુજરાતનો એક પશુ પાલક સાવ રમતા રમતા આટલી કમાણી કરી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે