કૂવાનું પાણી લોહી જેવું થઈ ગયું લાલ... દેશની ટોચની સિમેન્ટ કંપની પર લાગ્યો મોટો આરોપ

કૂવાનું પાણી લોહી જેવું થઈ ગયું લાલ... દેશની ટોચની સિમેન્ટ કંપની પર લાગ્યો મોટો આરોપ
  •  

હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર સોમનાથમાં કોડીનારના ખેડૂતો અંબુજા સિમેન્ટ કંપનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોડીનારના વડનગર ગામ નજીક આવેલા અંબુજાના કેમિકલ યાર્ડમાં મોટા પ્રમાણમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ સંગ્રહ કરાયા છે. જે ધીમે-ધીમે જમીનમાં પ્રસરી રહ્યાં છે અને તેના કારણે ભૂગર્ભનું પાણી ઝેરી કેમિકલયુક્ત થઈ રહ્યું છે. આ કંપનીના પાપે ખેડૂતોના કૂવાનું પાણી લોહી જેવું લાલ થઈ ગયું છે. હાલ આ પાણી પીવાલાયક તો રહ્યું જ નથી. પણ પશુઓને કે પાકને આપવામાં આવે તો પાક નિષ્ફળ થઈ શકે છે તેવી ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. ખેતીની જમીને ફળદ્રુપતા ગુમાવી હોવાનો ખેડૂતોનો આરોપ છે. 

ગીર સોમનાથના વડનગર ગામ પાસે અંબુજા કંપની આવેલી છે, જેની આસપાસ અનેક વાડીઓ આવેલી છે. અહીંના ખેડૂતો હાલ અંબુજા કંપનીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ખેડૂતોનાં કહેવા મુજબ ખેડૂતોનાં કૂવાના પાણીનો ધીમે ધીમે કલર બદલાયો છે અને પાણી લાલ લોહી જેવું દેખાય રહ્યું છે. ખેડૂતોના મતે 100 મીટર દૂર અંબુજા કંપનીનું કેમિકલ યાર્ડ છે અને તે યાર્ડમાં જથ્થાબંધ રીતે કેમિકલનો સંગ્રહ કરવામાં આવે છે. જે કેમિકલ ધીમે ધીમે જમીનમાં ઉતરી રહ્યું છે. જેના કારણે પીવાનું પાણી કેમિકલયુક્ત પાણી બન્યું છે. આ કારણે આ પાણી પીવાલાયક રહ્યું નથી, તેમજ ખેતીલાયક પણ રહ્યું નથી. 

આ પણ વાંચો : અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ માટે તડપે છે કોરોના દર્દીઓ, મહિલાનો સણસણતો આરોપ

આ સમસ્યા વિશે ગામના ખેડૂત ભીખાભાઈ ભરગાએ જણાવ્યું કે, ગામના ખેડૂતોએ આ પાણીનું પશુ ચિકિત્સકોએ નિરીક્ષણ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે આ પાણી ઢોરના પીવાલાયક પણ નથી અને તે ઢોરને પણ નુકસાન પહોંચાડી શકે છે. અહીં ખેડૂતો માત્ર અંબુજા કંપનીના કેમિકલયુક્ત પાણીથી જ પરેશાન નથી એવુ નથી. પરંતુ, સિમેન્ટની કંપનીમાંથી ઉડતી ડસ્ટથી પણ ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ આ મામલે અનેકોવાર સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ, આજ દિન સુધી તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોની રજૂઆત છે કે, સરકારની વ્હાલા દવલાની નીતિના કારણે કોઈ પગલાં લેવામાં નથી આવતા. ખેડૂતોએ અનેકોવાર કંપની સામે લડત ચલાવવાની તૈયારી કરી હતી. પણ કંપની કેટલાક ખેડૂતોને પૈસા આપી ચૂપ કરાવી દેતી હોવાનો પણ અંબુજાની કંપની પર ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. જ્યારે, GPCBના અધિકારીઓ પણ રૂપિયા ખાઈને કંપની તરફી રિપોર્ટ આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આખરે ખેડૂતોએ ત્યાં સુધીને તૈયારી દર્શાવી છે કે જો અંબુજા કંપની તેમની જમીન રાખી લે તો ખેડૂતો સ્થળાંતર કરી લેશે. પરંતુ, આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોનો આત્મહત્યા કરવા મજબૂર થવું પડશે. 

આવામાં હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરતા પ્રદૂષણ માફિયાઓને કેમ જીપીસીબી છાવરી રહી છે. શું ખેડૂતોની ખેતી અને પશુપાલનનો સફાયો બોલાવવાનો જીપીસીબીએ અંબુજા સિમેન્ટને પરવાનો આપ્યો છે. શું પ્રકૃતિ સાથે ચેડાં કરીને પોતાની તિજોરી ભરવાની જીપીસીબીએ આ કંપનીને છૂટ આપી છે. કેમ સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતને પણ અંબુજા કંપની ઘોળીને પી જાય છે. આ તે કેવો વિકાસ છે, જ્યાં પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news