બાપરે...ગુજરાતમાં રોજ સરેરાશ 4 બળાત્કારના કેસ, આ બે શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયા
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કેસો અંગે મહત્વનો પ્રશ્ન પૂછાયો અને તેના જે જવાબ મળ્યાં તેનાથી ચોંકાવનારો ખુલાસો થયો છે.
Trending Photos
ઝી મીડિયા બ્યુરો, ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કેસો અંગે મહત્વનો પ્રશ્ન પૂછાયો અને તેના જે જવાબ મળ્યાં તેનાથી ચોંકાવનારો ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલનો જવાબ ગૃહમંત્રીએ લેખીતમાં આપ્યો. જે મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા હતાં. હજુ અનેક આરોપીઓ પકડવાના બાકી છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના કેસો બીજા નંબરે સુરતમાં 452 કેસો નોંધાયા છે. સરકાર દ્વારા અપાયેલા લેખિત જવાબથી ફલિત થાય છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દરરોજ 3થી 4 દુષ્કર્મના બનાવો નોંધાયાં. છેલ્લા બે વર્ષમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કુલ 2723 બનાવો બન્યા. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 540 બનાવો બન્યાં જે ખુબ જ ચોંકાવનારા કહી શકાય.
સૌથી વધુ અમદાવાદમાં અને સૌથી ઓછા ડાંગ જિલ્લામાં
સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ અમદાવાદમાં 540, સુરતમાં 452, રાજકોટમાં 158, વડોદરામાં 139, બનાસકાંઠામાં 150, ભાવનગરમાં 77, જૂનાગઢમાં 65, જામનગરમાં 56, સાંબરકાંઠામાં 56, ગીર-સોમનાથ 50, પંચમહાલ 49, સુરેન્દ્રનગર 47, તાપી 39, મહેસાણા 39, વલસાડ 38, મહીસાગર 36, દેવભૂમિ-દ્વારકા 35, છોટાઉદેપુર 34, નર્મદા 34, મોરબી 34, ખેડા 34, આણંદ 32, ગાંધીનગર 27, નવસારી 25, પોરબંદર 24, અરવલ્લી 24, બોટાદ 22, ડાંગ 9 જેટલા બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કેસ નોંધાયા છે.
પરેશ ધાનાણીએ વ્યક્ત કરી ચિંતા
રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આ આંકડા જોઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હું પણ બે દિકરીઓનો બાપ છું. મને પણ ચિંતા થાય છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
અન્ય રાજ્યો કરતા ગુજરાત સેફ-પ્રદિપસિંહ જાડેજા
આ બાજુ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાત અન્ય રાજ્યો કરતા ઘણું સેફ છે. ઘણા કેસોમાં પ્રેમ પ્રકરણમાં પહેલા બંને જતા રહે છે અને પછી રેપના કેસ સામે આવે છે. આ બાજુ અધ્યક્ષશ્રીએ પણ કહ્યું કે આવું બધુ સમાજ માટે ચિંતાનો વિષય છે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે બે વયસ્ક યુવતી અને યુવક પ્રેમ પ્રકરણમા ભાગી જાય છે ત્યારે પરિવારજનો દ્રારા આ વખતે બળાત્કારનો ગુનો નોંધવામાં આવેં છે. જેથી જે આંકડાઓ આવેં છે વાસ્તવિક નથી હોતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે