કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ (Kutch) ની દરિયાઈ સીમા પર 5 ફિશિંગ બોટ પકડાઈ છે. બીએસએફ (BSF) દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ (Pakistani boat) ઝડપાઈ છે. તપાસ કરતા આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. ત્યારે એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાન (Pakistan) ના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત (Gujarat) તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક (Sir Creek) વિસ્તારમાં 'હરામી નાળા' (Harami Nala) દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે.
5 ઓક્ટોબરે મળી હતી બોટ
આ પહેલા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન 5 ઓક્ટોબરના કચ્છમાં સરક્રીક નજીક પાકિસ્તાનની બિનવારસુ બે બોટ મળી આવી હતી. આ બોટમાંથી પણ માછીમારીનો સામાન મળ્યો હતો. સરહદ સુરક્ષા દળ (બીએસએફ)એ કચ્છના દરિયાકાંઠે સરક્રીક નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં બે બોટ પકડાઈ હતી.
જાણો હરામી નાળાનો વિવાદ
હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી 22 કિમી લાંબી સમુદ્રી ચેનલ છે. તે બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિમી વિવાદિત સરહદનો ભાગ પણ છે. 22 કિમીનો એરિયા ધરાવતું 'હરામી નાળા' આમ જુઓ તો ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન કહેવાય છે. આ જ કારણે તેનું નામ 'હરામી નાળા' પડ્યું છે. અહીં પાણીનું સ્તર હવામાનના કારણે સતત બદલાતુ રહે છે. આથી પણ તે અત્યંત ખતરનાક પણ મનાય છે.
હરામીનાળામાં માછલી પકડવા પર રોક
એવું કહેવાય છે કે વર્ષ 2008માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછીમારની બોટ કુબેરને સરક્રીક વિસ્તારથી પકડી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યાં અને મુંબઈ પહોંચી ત્યાં હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી નાવડીઓ મળી આવે છે. હરામી નાળાની અંદર માછલી પકડવા પર રોક છે. પરંતુ ત્યાં ઝીંગા માછલી અને રેડ સેમેન માછલી મળી આવી છે જેની ખુબ માંગ છે. આ જ કારણે આ નાળું ભારત અને પાકિસ્તાન બંનેના માછીમારો માટે પસંદગીની જગ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે