ઉડતા અમદાવાદનો વધુ એક કિસ્સો! યુવાધનની બરબાદીમાં કોને છે આટલો રસ? મકાનમાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ
અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. શહેર S.O.G ક્રાઇમે બાપુનગરમાંથી MD ડ્રગ્સ સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે. મનુ સાહેબ ની ચાલીમાં ઘરમાંથી 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD જપ્ત કરવામાં આવ્યું છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. શહેર એસઓજીએ બાપુનગરમાં મકાનમાંથી 19 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી છે. જ્યારે દાણીલીમડા વિસ્તારમાં સંતોષીનગર આવાસ યોજનામાં ઘરમાંથી ગેરકાયદે કફ સીરપનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ની ડ્રગ્સ સામેની ઝુંબેશથી આ બંને જગ્યાઓ પરથી માદક પદાર્થ પકડાયા છે. હાલ તો પોલીસે બંને કેસમાં 3 આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.
19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD જપ્ત
અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. શહેર S.O.G ક્રાઇમે બાપુનગરમાંથી MD ડ્રગ્સ સાથે પતિ પત્નીની ધરપકડ કરી છે. મનુ સાહેબ ની ચાલીમાં ઘરમાંથી 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે એસઓજીએ સાદિક ઉર્ફે બાબુ અંસારી અને તેની પત્ની રુકસાના બાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને પોતે પણ બંધાણી હતા. આ મામલે એસઓજીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે આ કેસમાં મુંબઈનો આરોપી પકડવાનો બાકી હોય તેની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં આવી છે.
પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક યુવકની ધરપકડ
બીજા કેસની વાત કરીએ તો શહેર એસઓજીએ દાણીલીમડા વિસ્તારમાંથી પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. એસઓજીએ સંતોષીનગર ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ઇરફાન સલીમભાઈ શેખ નામના 28 વર્ષીય યુવકને પકડી ઘરમાં તપાસ કરતા 250 જેટલી ગેરકાયદેસર કફ સીરપની બોટલો મળી આવી હતી. જે મામલે 48 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ગુનો દાખલ કરી એસઓજીએ તપાસ હાથ ધરી છે. આરોપીના ઘરમાં આ કફ સીરપનો જથ્થો મુકનાર આરોપી પકડવાનો બાકી હોય તેને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.
ડ્રગ્સની બદીને દુર કરવા એડીચોટીનું જોર
મહત્વનું છે કે અમદાવાદ શહેર SOG તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક એજન્સીઓએ ડ્રગ્સની બદીને દુર કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં SOGના ધ્યાને ડ્રગ્સની હેરાફેરી અને વ્યસન માટેના શહેરના અલગ અલગ સ્પોટ ધ્યાને આવ્યા છે. જેમાં બહારથી શહેરમાં આવતું ડ્રગ્સ CTM, તેમજ ST સ્ટેન્ડ નજીક અને લે વેચ તેમજ વ્યસનીઓને એકઠા થવાના સ્પોટ તરીકે રિવરફ્રન્ટ, સીજી રોડ અને સિંધુભવન તેમજ એસ જી હાઈવે વિસ્તાર ધ્યાને આવતાં આ વિસ્તારમાં સતત બાતમીદારો નું નેટવર્ક અને પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓ પર કેટલી હદે અંકુશ લગાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે