ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ

લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ

બ્રિજેશ દોશી, ગાંધીનગર: લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે. ભાજપના ચાર નવા ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ અંગ્રેજીમાં જ્યારે અન્ય ત્રણ ધારાસભ્યોએ ગુજરાતીમાં શપથ લીધા હતા. ત્યારે ભાજપના 4 ધારાસભ્યોની શપથવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

આ ચારેય સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણી લડ્યા હતા. પેટાચૂંટણીમાં ભવ્ય જીત થતાં ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બીજા એવા મંત્રી બનશે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને સીધા મંત્રી બન્યા અને જીત્યા પણ ખરા. રાધવજી પટેલ વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. વલ્લભ ધારવીયા ભાજપમાં જોડાયા પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ભાજપે રાધવજી પટેલને ટિકિટ આપી હતી અને તેઓ જીતીને ધારાસભ્ય બન્યા. સૌથી વધુ વિવાદ જે બેઠકને લઇને રહ્યો તે છે ઉંઝા બેઠક. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યું અને ભાજપના દિગ્ગજ નારાયણ પટેલની નારાજગી છતાં આશાબેને ટીકીટ પણ મેળવી અને 23 હજાર કરતા વધુ મતોથી જીત્યા.

નવા ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્ય તરીકેની શપથ લેવાના હોય છે અને તે જ દિવસથી તેઓ પ્રજાના ચૂંટાયેલા સેવક બને છે. પાંચ વર્ષ માટે ધારાસભ્ય તરીકને તમામ હક્ક અને લાભ મળે છે તો સાથે જ પ્રજાના કામો પણ કરવાના રહે છે. મંગળવારે સવારે આ ચારેય નવા સભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં શપથ લીધા અને તેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યાં હતા. જોકે, શપથવિધિ બાદ ચારેય ધારાસભ્યોની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત થશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news