કેસરિયો પહેરો, પાપ ધોઈ લો: ડ્રગ્સ વેચો, દારૂ વેચો કે પછી ગાડીઓ પડાવો, આબરૂની ધૂળધાણી
સુરતમાંથી 35 લાખના ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર વિકાસ આહિર ઝડપાયા બાદ રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂપિયા .9.85 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કેસરિયો પહેરો અને પાપ ધોઈ લો એમ ભાજપના નેતાઓ કે તેમના પુત્રો ડ્રગ્સ વેચવામાં, દારૂમાં કે પછી ગાડીઓ બળજબરીથી પડાવી લેવાના કેસમાં હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં 3 દાયકાથી ભાજપનું શાસન છે. એટલે હવે ભાજપના કેસરિયા હેઠળ હવે ખોટા ધંધાઓ શરૂ થયા છે. પોલીસે તમામ કેસમાં કાર્યવાહી કરી છે. કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય એ હર્ષ સંઘવીના વાક્ય મુજબ પોલીસે કાર્યવાહી તો કરી છે પણ ભાજપે આવા તત્વો સામે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. કેસરિયો પહેરાવતાં હવે બેકગ્રાઉન્ડ તપાસવું પડે તેવી ગુજરાતમાં સ્થિતિ છે. ભાજપ કાર્યકરો વધારવાની લ્હાયમાં હવે ગોરખધંધા કરતા તત્વોને પણ પાર્ટીમાં લઈ રહી છે. આવા તત્વોને પાર્ટીના નામે પોતાના પાપ ધોઈ લેવા છે. આ સપ્તાહમાં એક બે નહીં પણ 4 કેસ એવા બહાર આવ્યા છે જેમાં ભાજપીઓ સામેલ છે.
સુરતમાંથી 35 લાખના ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર વિકાસ આહિર ઝડપાયા બાદ રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂપિયા .9.85 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા હતા. બન્ને યુવાનો કોલેજિયન યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા હતા. હવે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના દિકરા સામે ફરિયાદ નોંધાયા બાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સેક્ટર ૧ સંયુક્ત પોલીસ કમીશનર સાથે બેઠક કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના દિકરાના કારસ્તાન
અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચના અધ્યક્ષના દિકરા સામે પગલાં ન ભરાતાં આજે જિજ્ઞેશ મેવાણી સેક્ટર ૧ સંયુક્ત પોલીસ કમીશનર પાસે પહોંચ્યા હતા. અમદાવાદ શહેર ભાજપના બક્ષીપંચ મોરચના અધ્યક્ષના દિકરા પ્રિન્સ મિસ્ત્રીએ લોકો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ છે. પ્રિન્સ મિસ્ત્રીએ લોકસભા ૨૦૨૪ની ચુંટણી દરમ્યાન મહિને ૩૫૦૦૦ રૂપિયા ભાડું આપવાની બાંહેધરી આપી અંદાજે 45 થી વધારે ગાડીઓ એકઠી કરી હોવાના આક્ષેપ છે. જેમાં સિવિલ હોસ્પીટલમાં એમબ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરોએ મદદ કરી હતી. આ ગાડીઓ એકઠી કરવાનાં ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલની પણ વિવાદાસ્પદ ભુમિકા હોવાનું બહાર આવ્યું છે.
છેલ્લા ત્રણ મહિના કરતાં વધારે સમયથી ગાડીઓ હાયર કરી હોવા છતાં હજું નથી તેનું ભાડું અપાયું ન હોવાની બુમરાણ છે. ભાડુ તો નથી આપ્યું પણ પ્રિન્સ મિસ્ત્રી ગાડીઓ પણ માલિક્ને પરત કરતો નથી. મોટા ભાગની ગાડીઓ વિસનગરના ભાલજ ગામે ઇમરાન નામના વ્યક્તિની કસ્ટડીમાં છે. જો ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ ડોડિયા નામનો વ્યક્તિ રજા આપે તો જ ગાડી છોડુંનો ઇમરાન દાવો કરી રહ્યો છે. ગાડીઓનો અનૈતિક કામમાં ઉપયોગ થતો હોવાનો જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. જો ૪૮ કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ક્રાઇમ બ્રાન્ચ સામે ઉપવાસ પર બેસવાની જિગ્નેશે ચિમકી ઉચ્ચારી છે.
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રીનો દીકરો ડ્રગ્સમાં પકડાયો
થોડા દિવસો પહેલાં એસઓજીએ જસદણ ભાજપ અગ્રણીના પુત્રના ઘરે દરોડો પડતા ત્યાંથી પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેકયુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ વગેરે મળી આવ્યું હતું. આ કેસમાં પણ વિગતો એવી છે કે, પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. સોમવારે જ બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યાના હતા જેની બાતમી મળતા એસઓજીએ ગણતરીના કલાકો બાદ દરોડો પાડ્યો હતો.
ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર ડ્રગ્સમાં પકડાયો, નેતાઓ સાથે છે ફોટોગ્રાફ
સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ એ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરની સુરત ભાજપના તમામ મોટા નેતાઓ સાથે તસવીરો વાયરલ થઈ હતી. ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. એટલું જ નહીં શહેરમાં છ પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, સલાબતપુરામાં મારા મારી, ઉમરામાં રાયોટીંગ, લિંબાયતમાં રાયોટીંગ, ઉધનામાં મારા મારી, અમરોલીમાં અપહરણ અને સરકારી કામગીરીમાં અડચણના ગુના નોંધાયા છે.
ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ દારૂ સાથે પકડાયા
ગુજરાતમાં પોલીસ અને ભાજપના આગેવાન દારૂની હેરાફેરીમાં પકડાયા છે. અસારવાના કલાપીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને હાલ અમદાવાદ શહેર ભાજપમાં નેતાગીરી કરતાં જયેશ ભાવસાર તથા અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર ચૌહાણને 25મી જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ, જયેશ ભરતભાઇ ભાવસાર, પ્રહલાદ ઓમપ્રકાશભાઇ સોનગરા તેમજ કિશોર કનૈયાલાલ વંજાની અને ભરત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે એ.એસ.આઇ. પ્રવીણ ચૌહાણ, ભાજપના કાર્યકર જયેશ ભાવસાર તેમ જ પ્રહલાદ સોનગરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે