રાજકોટમાં પકડાયો ઝેરી કેરીનો જબરદસ્ત ખેલ, ટેકનીક વાંચીને બહેર મારી જશે મગજ

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 10 દિવસથી શહેરના અલગઅલગ વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટ પર દરોડા પાડી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

રાજકોટમાં પકડાયો ઝેરી કેરીનો જબરદસ્ત ખેલ, ટેકનીક વાંચીને બહેર મારી જશે મગજ

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 10 દિવસથી શહેરના અલગઅલગ વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટ પર દરોડા પાડી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજ રોજ રાજકોટના મોચીબજાર વિસ્તારમાં વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી 2200 કિલો જેટલી કાર્બાઇડ પકાવેલી ઝેર કહી શકાય એવી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડા પછી કાર્બાઇડથી કેરી પકવતી વખતે  આરોગ્ય શાખાના હાથે ઝડપાઇ ન જાય તે માટે વેપારી દ્વારા અલગ પ્રકારનો નુસખો અપનાવવામાં આવે છે. આ નુસખો ગજબનો ચોંકાવનારો છે. 

આ ટેકનીકમાં ગોડાઉનના કોઇ એક રૂમને એરટાઇટ કરી દેવામાં આવે છે, બારી-બારણાં પર થર્મોકોલ ફીટ કરી આ રૂમમાં કેરી સહિતના ફ્રૂટનો જથ્થો રાખી દેવામાં આવે છે અને એક મોટા તગારામાં કેલ્શીયમ કાર્બાઇડ ભરી તેનો ધુમાડો કર્યા બાદ રૂમને બંધ કરી દેવામાં આવે છે. બે કે ત્રણ દિવસ બાદ આ રૂમને જ્યારે ખોલવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ કરાયેલી કેરીનો જથ્થો એકદમ પાકી ગયો હોય છે. જો તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તો અહીં કાર્બાઇડનો જથ્થો હાથ લાગતો નથી. આજે ચેકીંગ દરમ્યાન આવું જ કારસ્તાન પકડાયું હતું. જેમાં તમામ સ્થળોએ એરટાઇટ રૂમમાં કાર્બાઇડનો ધુમાડો કરી કેરી પકાવવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.

ચેકિંગ દરમ્યાન ચાઇનીઝ કેલ્શિયમ કાર્બાઇડની 100 પડીકી, 6 કિલો કાર્બાઇડ અને 2200થી વધુ કિલો કેરીના જથ્થાનો નાશ કરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ કાર્બાઇડથી કેરી સહિતના ફળ પકાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news