રાજકોટમાં મેળો માણવા ગયેલા 3 વર્ષના બાળકનો ગયો જીવ, ઘટનાક્રમ છે શોકિંગ

હાલમાં રાજકોટના ફેમસ શાસ્ત્રીમેદાનમાં આનંદમેળામાં ચોંકાવનારો બનાવ બન્યો છે

રાજકોટમાં મેળો માણવા ગયેલા 3 વર્ષના બાળકનો ગયો જીવ, ઘટનાક્રમ છે શોકિંગ

રાજકોટ : હાલમાં રાજકોટના ફેમસ શાસ્ત્રીમેદાનમાં આનંદમેળામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં મેળામાં શુક્રવારે રાત્રે 3 વર્ષનો જય ગુજરાતી નામનો બાળક અકસ્માતે ટ્રેન નીચે આવી ગયો હતો. આ અકસ્માતમાં જયનું મોત થઈ જતા પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. આ અકસ્માત પછી મેળામાં સુરક્ષાની વ્યવસ્થા વગર આયોજકોએ કરેલા આયોજન સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારની શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ગુજરાતીનો પરિવાર બે પુત્રી અને એક પુત્ર જયને લઈ પાડોશીઓ સાથે શુક્રવારે રાત્રે શાસ્ત્રીમેદાનમાં યોજાયેલા મેળામાં ગયા હતા. આ મેળામાં જય પણ જમ્પિંગમાં ઉછળકૂદ કરતો હતો. જમ્પિંગ કરીને જય વિંગમાંથી નીચે ઉતરી ગયો હતો અને બેબી ટ્રેન તરફ ગયો હતો અને ટ્રેન સાથે જોરથી અથડાયો હતો.

બેબી ટ્રેનની ઠોકરથી માસૂમ જય ફંગોળાયો હતો અને ટ્રેનની નીચે જ આવી જતાં તેનું માથું કચડાઇ ગયું હતું. આ અકસ્માત પછી બાળકને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ તેનું મૃત્યું થઈ ગયું હતું. આ અકસ્માત પછી મેળાની મંજૂરી આપનારા સત્તાધીશો સામે પણ સવાલ ઉભા થયા છે.

મેળામાં ત્રણ વર્ષનો બાળક ટ્રેન નીચે કચડાયાની ઘટનાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકને માથામાં ઇજા થઇ હતી, શરીરના અન્ય કોઇ ભાગમાં ઇજાના નિશાન નથી. આ મામલે તપાસ કરવા મેળામાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવશે અને જરૂર પડ્યે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news