શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી

Rahul Gandhi on Gujarat: છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં દબદબો ધરાવતી ભાજપને શું કોંગ્રેસ ગુજરાતમાં હરાવી શકે છે. રાહુલ ગાંધીના લોકસભામાં નિવેદન બાદ દેશભરમાં આ જ ચર્ચા છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ પણ સક્રિય થઈ ગઈ છે. એ હકિકત છે કે દિલ્હી હાઈકમાન્ડે ગુજરાતમાં ઓછો રસ દાખવ્યો હતો. હવે રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ હાઈકમાન ગુજરાતમાં રસ લઈ શકે છે. 

શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી

Rahul Gandhi on Gujarat: રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં આક્રમક મૂડમાં છે. 18મી લોકસભામાં વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધીએ એવું કહીને રાજકારણ ગરમાવી દીધું છે કે ઈન્ડિયા એલાયન્સ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવી દેશે. ગુજરાતમાં આગામી ચૂંટણી 2027માં યોજાવાની છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસ ખરેખર એવું કામ કરી શકે છે કે તે પીએમ મોદી અને અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાત ભાજપને હરાવી શકે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દાવા પાછળનો આધાર ગમે તે હોય, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. 

કોંગ્રેસ પાર્ટી લોકસભાની 2024ની ચૂંટણીમાં માંડ એક સીટ જીતી છે. છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ શૂન્ય પર રહી હતી. 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભવિષ્યમાં વધુ કોઈ ધારાસભ્યો પાર્ટી નહીં છોડે એ માટે  કોઈ ગેરંટી આપી શકે તેમ નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપ્યું છે કે લેખિતમાં લખીને લઈ લો ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ આ મામલો ટ્રેન્ડમાં છે. 

સોશિયલ મીડિયા પર સવાલ ઉઠ્યો હતો કે શું ગુજરાત કોંગ્રેસમાં કોઈ બાકી છે? 2002થી અત્યાર સુધીમાં 200થી વધુ મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આમાંના ઘણા નેતાઓ વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે આટલું મોટું નિવેદન કેમ આપ્યું? રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીના આ નિવેદનને તેમના મિશન ગુજરાતની શરૂઆત માની રહ્યા છે. તેમનું માનવું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મુદ્દે કોંગ્રેસના સફળ બંધથી રાહુલ ગાંધી ખુશ છે. તેથી જ તેમણે ઉત્સાહમાં આટલું મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં 2027ને હજુ ઘણી વાર છે. કોંગ્રેસ અહીં મજબૂત સંગઠન બનાવી શકે તો ભાજપને નુક્સાન કરાવી શકે એમ સૌ કોઈ જાણે છે. ભાજપ સતત 3 દાયકાથી સત્તામાં હોવાની સાથે ભાજપમાં આંતરિક ખેંચતાણ જબરદસ્ત હોવાનું કોંગ્રેસના નેતાઓ સારી રીતે જાણે છે.

આ સંજોગોમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી મિશન ગુજરાત પર કામ કરી રહ્યા હશે, કદાચ તેથી જ તેમણે આવું નિવેદન આપ્યું છે. જો આપણે કોંગ્રેસની વર્તમાન સ્થિતિને એક નજરમાં જોઈએ તો, પાર્ટી પાસે રાજ્યમાં 13 ધારાસભ્યો, 1 રાજ્યસભા અને 1 લોકસભા બેઠક છે. ગુજરાતના તમામ મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનું નિયંત્રણ છે. એટલું જ નહીં સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ પણ તૂટી ગયું છે.

13 માર્ચ, 1995ના રોજ ગુજરાતમાં કોંગ્રેસે તેની સત્તા ગુમાવી હતી. છબીલદાસ મહેતા ગુજરાતમાં કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી હતા. આ પછી રાજ્યમાં ભાજપનો ઉદય થયો. બાદમાં શંકરસિંહ વાઘેલા ઓક્ટોબર 1996 થી 27 ઓક્ટોબર 1997 સુધી કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસ લાંબા સમયથી રાજ્યની બહાર છે. 

આખી પેઢીએ કોંગ્રેસનું શાસન જોયું પણ નથી. હિન્દુત્વના ગઢ અને હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાતમાં કોંગ્રેસનો માર્ગ સરળ નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપને 61.86 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 31.24 ટકા વોટ મળ્યા. જો આમ આદમી પાર્ટીના 2.69 ટકા વોટ ઉમેરવામાં આવે તો પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મોટું અંતર છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાતમાં જીત માત્ર દૂર નહીં પરંતુ માઈલો દૂર છે. કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ છે કે તેની પાસે સંગઠન નથી. જ્યારે તેની સ્પર્ધા એવી પાર્ટી સામે છે જેનું સંગઠન ખૂબ જ મજબૂત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news