Loksabha Election 2024: મારા હાળા છેતરી ગયા! ગુજરાતમાં દમ પણ કોંગ્રેસીઓ 'બે દમ', ઉભી પૂંછડિયે ભાગ્યા
Loksabha Election 2024: જોઈએ છે... જોઈએ છે... ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં લડી શકે એવા ઉમેદવારો જોઈએ છે... જેમનામાં કહેવાતો દમ હતો એવા કોંગ્રેસી નેતાઓ તો ઉભી પૂંછડિયે ભાગ્યા છે કે અને જે છે એ 'બે દમ' નીકળ્યા છે. કોંગ્રેસે વર્ષો સુધી નેતાજી બનાવ્યા પણ હવે ચૂંટણી લડવા ના..ના.. ના.... કરી રહ્યાં છે. મોદી અને અમિત શાહના નામથી ફફડી રહ્યાં છે એટલે 7 લોકસભા સીટ પર કોંગ્રેસને ઉમેદવાર મળી રહ્યાં નથી.
Trending Photos
Loksabha Election 2024: મારા હારા છેતરી ગયા... આ સ્લોગન ચૂંટણી સમયે જબરદસ્ત લોકપ્રિય બન્યું હતું પણ હવે આ કોંગ્રેસીઓ માટે ફીટ બેસે છે કારણ કે ગુજરાતની 6 કરોડ જનતાને 300 નેતાઓ અને 60 હજાર કાર્યકરો છેતરી ગયા છે. જેઓને હવે ભાજપ વ્હાલી લાગવા લાગી છે. એટલે જ કહેવાય છે કે ગુજરાતમાં તો દમ છે પણ કોંગ્રેસીઓ બેદમ છે... ગુજરાતી પ્રજાએ 2014 સુધી કોંગ્રેસ અને ભાજપને 44થી 45 ટકા મત સરેરાશ આપ્યા છે. મોદી પીએમ બન્યા બાદ સ્થિતિમાં ફેરફાર થયો છે.
ભાજપનો વોટશેર વધ્યો છે પણ કોંગ્રેસનો એટલો પણ ઘટ્યો નથી કે એક સીટ ના આવે પણ કોંગ્રેસી નેતાઓની રણનીતિ ફેલ ગઈ છે. ગુજરાતમાં ભાજપ જીતતું નથી પણ કોંગ્રેસ જીતાડી રહી છે. 2019માં પણ 33 ટકા ગુજરાતીઓએ કોંગ્રેસને વોટ આપ્યા હતા પણ આ ગુજરાતીઓનો ભરોસો ખોટો પડ્યો છે. એક નેતા જીતી શક્યો નહોતો.
હાલમાં કોંગ્રેસી નેતાઓ કાં તો ઉભી પૂંછડિયે ભાગી રહ્યાં છે કે કેટલાક નેતાજી વર્ષો સુધી કોંગ્રેસનો ઉપયોગ કર્યા બાદ હાલમાં ચૂંટણી લડવાની ના પાડી રહ્યાં છે. આ નેતાઓની સંખ્યા એક કે બે નહીં પણ એક ડઝનથી વધારે છે. જેઓએ કોંગ્રેસમાં નેતાજી બનીને અત્યારસુધી લાભો લીધા હવે જ્યારે કોંગ્રેસને જરૂર છે ત્યારે નેતાઓએ પારોઠનાં પગલાં ભરી લીધા છે. આ નેતાઓમાં મોટા નામો છે.
ભાજપ સામે ચૂંટણી લડવી નથી
કોંગ્રેસે ગુજરાતમાં 17 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે બે બેઠક આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં આપી છે. પરંતું હજુ સુધી સૌરાષ્ટ્રની જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદ પૂર્વ, જ્યારે મધ્ય ગુજરાતની વડોદરા અને દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક બાકી છે. વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસમાથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયારે ના પાડી છે. તો આણંદમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, રાજકોટમાં પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ના પાડી છે. પ્રતાપ દૂધાત, રોહન ગુપ્તા, હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને કોંગ્રેસમાં મોટા ભા થવું છે પણ ભાજપ સામે ચૂંટણી લડવી નથી.
ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ
2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં... લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજો લડવા તૈયાર નથી. ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ વ્યાપ્યો હોય તેમ નેતાઓ પારોઠનાં પગલાં ભરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમના નેતાઓને 'ડરશો નહીં લડો' નો સંદેશ આપી રહ્યા છે.
મારી મજબૂરી છે..
રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વાતચીતમાં જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. એટલે હવે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે. પરંતુ, આનાથી ભાજપની વિચારધારા,શિસ્ત, પક્ષના કાર્યકરોની નારાજગીના પ્રશ્નો સર્જાયા તે મુદ્દે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસના નેતાઓના પ્રવેશથી પક્ષના સિનિયરોની અવગણના કરીશું નહીં અને દરેક પાસે શિસ્તની અપેક્ષા રખાશે.
છેલ્લી ચાર ચૂંટણીમાં બંને પક્ષોનો વોટ શેર
લોકસભા ચૂંટણી કોંગ્રેસ વોટ ટકાવારી ભાજપ વોટ ટકાવારી
2004 43.9 47.4
2009 43.4% 46.5
2014 32.9% 59.1%
2019 32.11% 62.21%
2014માં મોદી દિલ્હી ગયા બાદ ભાજપનો વોટશેર ગુજરાતમાં વધ્યો છે પણ આ માટે કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. કેટલાય વર્ષોથી એકની એક સીટ પર ચીટકીને બેઠી રહેલા નેતાઓએ એક હાર બાદ બીજી અને ત્રીજી ચૂંટણી લડી અને હારની હારમાળા સર્જી છે પણ પદ છોડ્યું નથી એથી કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતાઓએ ભાજપમાં જવાનો નિર્ણય લીધો છે. આજે પણ કોંગ્રેસ પાસે 32 ટકા વોટશેર છે પણ કોંગ્રેસમાં પ્લાનિંગનો અભાવ છે.
ધારાસભ્યોએ લડવાની દેખાડી તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. ડિસેમ્બર 2022માં ચૂંટણી પરિણામો પછી પાર્ટીના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આમાં સૌથી મોખરે નામ અર્જુન મોઢવાડિયાનું છે. પાર્ટી સામે બાકીના 13 ધારાસભ્યોને બચાવવાનો પડકાર છે ત્યારે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતવાનું દબાણ છે, પરંતુ આ પછી પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને કેટલીક સીટો પર ઉમેદવારો મળી રહ્યા નથી.
હકીકત તો એ છે કે કોંગ્રેસ પાસે ફંડ નથી
કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમના પીછેહઠનું એક ચોક્કસ કારણ છે. ભાજપ હાલ 26 બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે તમામ દાવપેચ અજમાવી રહ્યું છે. આ કારણે કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે. આ કારણે કેટલાય સારા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી છે. સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલાથી જ અનિચ્છા દર્શાવી દીધી છે. તેમજ કેટલાકના નામ જાહેર થયા તો તેમણે પાછળથી ના પાડી. આમ, આ પીછેહઠનું મુખ્ય કારણ ફંડ છે. પાર્ટી પાસે હાલ એટલું ફંડ નથી કે તે નેતાઓને ચૂંટણી લડાવી શકે. સૌ જાણે છે કે લોકસભાની સીટ લડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય આમ છતાં જીતવાની ગેરંટી નથી, આ સિવાય એકવાર હાર્યા બાદ હારનો થપ્પો લાગતાં ભવિષ્યમાં કોંગ્રેસના પદો પર પણ જોખમ આવે એટલે નેતાઓ ચૂંટણી લડવાથી પિછેહટ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે