અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના
અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે
Trending Photos
બ્રીજેશ દોશી, અમદાવાદ: અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે.
કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-૧૯ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે.
કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડ-૧૯ ના લક્ષણો, RT-PCR થી કોવિડ-૧૯નો પોઝેટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના ૨૮ દિવસ પછી અથવા ૧૪ દિવસ પછી ૨૪ કલાકના અંતરે કોવિડ-૧૯ના ૨ RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજાં થયેલાં દર્દીઓની ઉંમર ૧૮ થી ૬૫ વર્ષ, વજન ૫૦ કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન ૧૨.૦૫ ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.
રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, કોરોનાનાં મધ્યમ કક્ષાનાં લક્ષણો ધરાવતા હોય અને બાહ્ય ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીને પ્લાઝમા આપવાથી તેના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળે છે. દરેક દર્દીને ૨૦૦ મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝના બે ડોઝ ચડાવવામાં આવે છે. ૧૦૦ મીલી પ્લાઝમા સંશોધન પક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની સમગ્ર પક્રિયા બે કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે.
આ પણ વાંચો:- રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર..
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડૉ.જે.પી.મોદીએ કહ્યું કે, કોરોનાના દર્દીઓના સ્વાસ્થયમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબજ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે સિવિલ હોસ્પિટલના ૧૯ ડૉક્ટર્સ દ્વારા સ્વયંભૂ રીતે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે જેને પરિણામે ઘણાબધા દર્દીઓમાં બાહ્ય ઓક્સિજનની જરૂરિયાત પણ ઘટી છે. આમ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ વોર્ડમાં તો દર્દીઓની સાર-સંભાળ રાખી રહ્યા છે સાથો-સાથ પોતે પ્લાઝમા ડોનેટ કરીને દર્દીને સાજા કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) ના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિધી ભટનાગરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતેથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો સંપર્ક કરી પ્લાઝમા ડોનેટ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝમા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના બલ્ક ટ્રાન્સફર નિયમ મુજબ જરૂર જણાય તો ગુજરાત અને દેશમાં અન્ય સ્થળોએ પણ પ્લાઝમા ટ્રાન્સફર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે