AMC Result: અમદાવાદ શહેરમાં ધારાસભ્યોની આંતરિક લડાઈ કોંગ્રેસને ભારે પડી

અમદાવાદ કોર્પોરેશનમાં (AMC Eelction Result) કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસે પોતાનો ગઢ ગણાતો જમાલપુર વોર્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. 

AMC Result: અમદાવાદ શહેરમાં ધારાસભ્યોની આંતરિક લડાઈ કોંગ્રેસને ભારે પડી

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનું (Municipal corporation election result) પરિણામ જાહેર થઈ ચુક્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તો પોતાના ગઢ જાળવી રાખતા છ કોર્પોરેશન જીતીને સત્તા કબજે કરી લીધી છે. પરંતુ કોંગ્રેસ માટે આ પરિણામ આંચકાનજક છે. થોડા મહિના પહેલા યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. તો હવે તમામ મહાનગરોમાં પણ કોંગ્રેસે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. તો અમદાવાદમાં પણ કોંગ્રેસને પોતાની આંતરીક લડાઈએ ડુબાડી દીધા છે. કોંગ્રેસને અમદાવાદમાં માત્ર 16 સીટ મળી છે.  
 
અમદાવાદમાં કેમ હારી કોંગ્રેસ
અમદાવાદ કોર્પોરેશનમાં (AMC Eelction Result) કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસે પોતાનો ગઢ ગણાતો જમાલપુર વોર્ડ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્યોની આંતરીક લડાઈએ પાર્ટીને ડૂબાડી છે. કોંગ્રેસના નેતાઓને સારા નહીં પણ મારાનો મોહ ભારે પડી ગયો છે. 

નો રિપીટની થિયરી ભારે પડી
કોંગ્રેસે આ ચૂંટણી પહેલા વર્તમાન કોર્પોરેટરોને બદલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામો દર્શાવી રહ્યાં છે કે પાર્ટીને આ નિર્ણય ભારે પડ્યો છે. જૂના કોર્પોરેટરને બદલે નવા કોર્પોરેટરોને ટિકિટ આપીને કોંગ્રેસે પોતાના ગઢ પણ ગુમાવી દીધા છે. કોંગ્રેસે સરખેજ, મક્તમપુરા, જમાલવુર, ઈન્ડિયા કોલોની જેવા વોર્ડ ગુમાવવાનો વારો આપ્યો છે. 

ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો બદલાયા
કોંગ્રેસે જ્યારથી ટિકિટોની જાહેરાત કરી ત્યારથી પાર્ટીમાં બબાલ શરૂ થઈ ગઈ હતી. અનેક નેતાઓ નારાજ જોવા મળ્યા હતા. તો પાર્ટીએ છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોની સીટ બદલી અથવા અન્ય ઉમેદવારને મેન્ડેટ આપ્યો હતો. શહેરમાં દિનેશ શર્મા, શાહનવાઝ શેખ અને એક મહિલા કોર્પોરેટરની બેઠક બદલી દેવામાં આવી હતી. 

AIMIM કોંગ્રેસને ભારે પડી
કોંગ્રેસે કેટલાક નેતાઓના પુત્રને પણ ટિકિટ આપવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પરિણામ દર્શાવે છે કે પાર્ટીને આ નિર્ણય ભારે પડ્યો છે. કોંગ્રેસ નેતા લાખાભાઈ ભરવાડના પુત્રની લાંભા વોર્ડમાં હાર થઈ છે. તો હિમ્મતસિંહ પટેલે પોતાના વિસ્તારમાં ઉપરવટ થઈને પેનલ બનાવી હતી. અહીં પણ પાર્ટીએ પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

તો અમદાવાદમાં કેટલાક મુસ્લિમ વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાતા હતા. પરંતુ આ વર્ષે અહીં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં હતા. જમાલપુર, મક્તમપુરા જેવા વોર્ડ જે કોંગ્રેસના ગઢ ગણાતા હતા. ત્યાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસ પાસેથી છીનવી લીધા છે. આવા અનેક કારણો છે જેના કારણે પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news