પાલ આંબલિયાએ પુરાવા સાથે સરકારની પોલ ખોલી! કહ્યું; 'ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ'

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી

પાલ આંબલિયાએ પુરાવા સાથે સરકારની પોલ ખોલી! કહ્યું; 'ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ'

ઝી બ્યુરો/અમદાવાદ: સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. પાલ આંબલિયાએ સરકારને આડે હાથ લેતા તીખા પ્રહારો પણ કર્યા છે.

આંબલિયાની ડુંગળી મુદ્દે પ્રતિક્રિયા
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા, ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે. 

ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા
પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા, ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી હતી. જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા, ત્યારે મ્યાનમારથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા મળતા થયા, ત્યારે સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મુક્યા. વર્ષ 2021-22 માં કઠોળના ભાવ સારા મળતા થયા ત્યારે સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21 માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી, ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી.

આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.

અમિત ચાવડાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી છે. પીએમ મોદી ગુજરાતના અને ગુજરાતના ખેડૂતોનું નુકશાન અટકાવવા નિકાસની પ્રતિબંધ દૂર કરવા માંગ કરી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને નુકશાન થયું છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે જથ્થાબંધ ભાવો ઘટ્યા છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે  8 ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ આવતા વર્ષે 31 માર્ચ સુધી અમલમાં છે.  જેના કારણે હાલ ડુંગળીના ભાવ તળિયા જતાં ખેડૂતોને ગરીબોની કસ્તૂરી ડુંગળી રડાવી રહી છે. ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ઠેર ઠેર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news