લાંબા વિવાદ પછી કોંગ્રેસના નારણ રાઠવાનું ફોર્મ મંજૂર, શક્તિસિંહે કહ્યું સત્યમેવ જયતે

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નારણ રાઠવાનું ફોર્મ આખરે માન્ય રાખવામાં આવ્યું છે

લાંબા વિવાદ પછી કોંગ્રેસના નારણ રાઠવાનું ફોર્મ મંજૂર, શક્તિસિંહે કહ્યું સત્યમેવ જયતે

ગાંધીનગર : કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નારણ રાઠવાનું ફોર્મ આખરે માન્ય રાખવામાં આવ્યું છે. નારણ રાઠવાની ઉમેદવારીનો મામલો ફોર્મ ભરાયા ત્યારથી જ ચર્ચામાં હતો. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી છે. બંને ઉમેદવારોએ ગાંધીનગર વિધાનસભા સચિવ સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આની સામે કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકનાં નામ જાહેર કર્યાં હતા. આ સિવાય ભાજપ તરફથી બે ડમી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી તેમજ બે અપક્ષોએ પણ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.

સામસામે વાંધા અરજી
કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાની ઉમેદવારી પહેલાંથી ચર્ચામાં હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. આ સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે ઉમેદવારો સામે વાંધા અરજી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા નારણ રાઠવા અને કોગ્રેસ દ્વારા પરસોત્તમ રૂપાલા સામે વાંધા અરજી કરવામાં આવી હતી. જોકે હવે નારણ રાઠવાનું ફોર્મ મંજૂર થઈ જતા ચૂંટણીના મેદાનમાં માત્ર મુખ્ય ઉમેદવારો કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક તેમજ ભાજપના પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા રહેશે. આ સિવાયના તમામ ડમી અને અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ખસી જશે જેના પગલે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ સાબિત થશે. 

નો ડ્યુ સર્ટિફિકેટનો મુદ્દો
કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર નારણ રાઠવાએ આજે નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કર્યુ છે. સોમવારે નારણ રાઠવાએ માત્ર નો ડ્યુ સર્ટિફિકેટનો મેઈલ અને નોટીફાઈડ કોપી જ રજૂ કરી હતી. આજે નારણ રાઠવાએ દિલ્હીથી મંગાવવામાં આવેલ નો ડ્યુ સર્ટિફિકેટ નિર્વાચન અધિકારી સમક્ષ રજૂ કર્યુ છે. નિયમ પ્રમાણે ફોર્મ ચકાસણી પહેલા તમામ ઉમેદવારોએ ખુટતા અને ઓરિજીલન દસ્તાવેજ રજૂ કરવા જરૂરી હોય છે ત્યારે ફોર્મ ચકાસણી થવાની હોવાથી નારણ રાઠવાએ પોતાનું ઓરીજીનલ નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરી દીધું છે. જોકે ભાજપે આ સર્ટિફિકેટ નકલી ગણાવીને આ ઉમેદવારી સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે આખરે નારણ રાઠવાની ઉમેદવારી મંજૂર થઈ ગઈ છે.

સત્યમેવ  જયતે
નારણ રાઠવાના ઉમેદવારી પત્રને મંજૂરી મળ્યા પછી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે નારણભાઈ રાઠવા સામે કોઈ મુદ્દો નહોતો પણ વિરોધીઓએ ગઈ કાલથી અફવાનું બજાર ચલાવ્યું. તેમણે આજે છેલ્લી ઘડી સુધી મુદ્દો સળગતો રાખ્યો. વિવાદ પછી પણ આખરે સત્યમેવ જયતે એટલે કે સત્યનો વિજય થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news