ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું-કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે
Trending Photos
- ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા
- જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે
- કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા
આશ્કા જાની/અમદાવાદ :હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં 3-4 દિવસના લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.
કોરોના વિસ્ફોટને અટકાવવા નક્કર પગલા જરૂરી - હાઈકોર્ટ
ગુજરાતમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.
આ પણ વાંચો : લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ
લોકો પર અંકુશ લાવતા પહેલા સરકાર પોતે શિસ્ત શીખે
કોરોનાનો કહેર વધી રહ્યો છે તે બાબતને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. રાત્રિ કરફ્યૂનો સમય મર્યાદા વધારવાની વાત પણ હાઈકોર્ટે કરી છે. સાથે જ રાજકીય મેળાવડા, માસ્ક, ચૂંટણીઓ, જાહેર કાર્યક્રમોમાં નિયંત્રણો રાખવા બહુ જ જરૂરી છે. લોકો પણ જાગૃતિ દાખવ્યા વગર બેફામ ફરી રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજ્ય સરકારે પણ સ્વંય શિસ્ત રાખવાની જરૂર છે. રાજકીય મેળાવડા અને જાહેર કાર્યક્રમો પર સૌથી પહેલા સરકાર અંકુશ મેળવે. મેળાવડા કરતા નેતાઓ સામે પગલા લે. અગાઉ પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે, રાજકીય નેતાઓને કન્ટ્રોલમાં રાખો. તો જ લોકો શીખશે. ત્યારે આજે ફરીથી હાઈકોર્ટે આ અવલોકન કર્યું છે. અંકુશ મેળવવા લોકડાઉનનો ઉપાય સૂચવ્યો છે. પણ લોકડાઉન લગાવવું કે નહિ તે નિર્ણય ગુજરાત સરકારનો રહેશે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણી પંચ હરકતમાં આવ્યું
ગુજરાતમાં હાલ ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવા હડફની પેટાચૂંટણી આવી રહી છે. ત્યારે આ ચૂંટણી યોજવી કે ન યોજવી તે અંગે અનેક મતભેદો હતા. ત્યારે હવે હાઈકોર્ટના નિર્દેશ બાદ ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શક્યતા લાગી રહી છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર ચૂંટણી સંદર્ભે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયા પાછી ઠેલવવા રાજ્ય સરકારના નિર્ણય બાદ ચૂંટણી પંચ નિર્ણય લઈ શકે છે. જોકે રાજ્ય સરકારનું સ્ટેન્ડ જોયા બાદ જ ચૂંટણી પંચ નિર્ણય લઈ શકે છે. નિર્ણય પહેલા રાજ્ય ચૂંટણી પંચ આરોગ્ય વિભાગ સાથે પણ પરામર્શ કરશે. જોકે, સામાન્ય સંજોગોમા ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ અટકાવી શકાતી નથી.
સરકાર ચુકાદાનો અભ્યાસ કરશે
તો બીજી તરફ, રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વારા નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના ચુકાદા અંગે નિર્ણય કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે