ગાંધીનગર કરતા આ શહેરમાં વધ્યાં નેતાઓના આટાંફેરા, લોકસભામાં અહીં રહેશે ગુજરાત ભાજપનું એપી સેન્ટર!

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પણ તમામ 26 બેઠકો કબજે કરવા કવાયત હાથ ધરાઈ છે. અત્યાર સુધી ગાંધીનગરની કમલમાં ભાજપના નેતાઓની ભીડ જામતી હતી. જોકે, હવે ગુજરાતના આ શહેર બન્યુ છે ભાજપના નેતાઓ માટે નું કેન્દ્રબિંદુ! કમલમ કરતા પણ આલિશાન છે ઓફિસ...

ગાંધીનગર કરતા આ શહેરમાં વધ્યાં નેતાઓના આટાંફેરા, લોકસભામાં અહીં રહેશે ગુજરાત ભાજપનું એપી સેન્ટર!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટેકનોલોજીમાં પીએમ મોદીની જેમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અત્યંત હાઈટેક છે. સીઆર પાટીલના પેજ પ્રમુખનો કોન્સેપ્ટ આજે ગુજરાત મોડેલ બની ગયો છે. ભાજપ ખુદ હવે આ મોડેલનો અન્ય રાજ્યોમાં ઉપયોગ કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં પાટીલે 26 બેઠક પર 5 લાખ વોટથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જે માટે પાટીલ હવે કમલમના ભરોસે રહ્યાં નથી. પાટીલે કમલમથી પણ હાઈટેક 5 માળની ઓફિસ સુરતમાં બનાવી છે. જ્યાં કમલમ કરતાં પણ વધારે સ્ટાફ છે. સુરતમાં આ નવસારી લોકસભા વિસ્તારની ઓફિસ ગણાય છે પણ કમલમથી પણ વધારે હાઈટેક અને ટેકનોલોજીથી સજજ્ છે.

ઉલ્લેખનીય છેકે, કમલમમાં 34 લોકોના સ્ટાફ વચ્ચે અહીં 45થી વધારે સ્ટાફ બેસશે. સીઆર પાટીલ ગાંધીનગર હોય કે સુરત બંને જગ્યાએથી તેઓ એક સાથે સંગઠન અને સરકાર સાથે જોડાયેલા રહેશે. એટલે એવું પણ કહી શકાય કે ગાંધીનગરના કમલમ સાથે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના સુરતમાં આવેલી આ હાઈટેક ઓફિસ ભાજપનું એપી સેન્ટર બની રહેશે. લોકસભાની ચૂંટણીના પ્લાનિંગ અને પ્લોટિંગ અહીંથી થશે. આમ પાટીલ ગાંધીનગર હોય કે ના હોય સુરત ઓફિસથી પણ લોકસભાની તૈયારીઓ તેજ થશે તેમાં કોઈ નવાઈ નથી. ચૂંટણી મેનેજમેન્ટમાં માહેર પાટીલની મુખ્યત્વે પક્ષ-પ્રમુખથી પેજ-પ્રમુખની ફોર્મ્યુલાએ સાબિત કરી દીધું છે કે આ સફળ રણનીતિ છે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા  માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી પોતાના કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે.

નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ દેશમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે મતથી વિજેતા થાય છે. એ માટે પાટીલે ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં 156 સીટોની રેકોર્ડબ્રેક જીત પાછળ પણ પાટીલનું ભેજું કામ કરે છે. લોકસભાની ચૂંટણીમાં પણ પાટીલે 5 લાખથી વધારે વોટથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. કહેવાય છે કે 26માંથી 20 સીટો પર ઉમેદવાર બદલાય તેવી સંભાવના વચ્ચે પણ પાટીલનું આયોજન ભાજપને જીતાડવમાં મદદરૂપ થશે. કમલમથી તો લોકસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ પાટીલ ગાંધીનગર ના હોય તો પણ લોકસભાની તૈયારીમાં તેજી આવી જશે. હવે એક નહીં 2 જગ્યાએથી લોકસભાની ચૂંટણી લડાય તો પણ નવાઈ નહીં. સીઆર પાટીલ હંમેશાં એડવાન્સ પ્લાનિંગ માટે જાણિતા છે. જેઓએ નવેમ્બર મહિનાના અંતમાં સુરતમાં એમની મમ્મીના હસ્તે નવી ઓફિસનું ઉદ્ધાટન કરી દીધું છે. પાંચ માળના ભવ્ય બિલ્ડીંગમાં ત્રીજા માળે મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગ CCTV અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 

આ ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન છે અને કર્મચારીઓ માટે કેબિનની સુવિધા છે, જ્યારે પહેલાં માળે ઓફિસના અન્ય કર્મચારીઓ માટે કેબિન અને રિસેપ્શન છે. પાંચમા માળે સી.આર.પાટીલની ઓફિસ બીજા માળે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ માટે ઓફિસ બનાવાઇ છે, ચોથા માળે જીજ્ઞેશ પાટીલ માટે ઓફિસ બનાવાઇ છે. તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઓફિસનું લોકાર્પણ પણ થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ તેમના સાંસદો - મંત્રીઓ ને ડિજિટલી એગ્રેસિવ રહેવા માટે વારંવાર સૂચન કરતા રહે છે. પાટીલ પણ સારી રીતે જાણે છે કે કાર્યકરોની અથાગ મહેનત અને સાથે સાથે ડિજિટલ હાઇટેક ટેકલોનોજી હશે તો જ રિઝલ્ટ મળશે. 

પેજ પ્રમુખથી લઈ મંડળ પ્રમુખ સુધીની ભાજપની વ્યવસ્થા:
- 30 પ્રાથમિક સભ્ય પર 1 સક્રિય સભ્ય
- 30 મતદારો પર 1 પેજ પ્રમુખ
- 35થી 40 પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ
- 4થી 5 બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ
- 15થી 20 શક્તિ કેન્દ્ર પર એક મંડળ પ્રમુખ
- પ્રદેશ ભાજપના જુદા જુદા સાત મોર્ચા
- એક વિધાનસભામાં 3થી 5 મંડલ પ્રમુખ હોય છે પણ પાટીલ કોઈ પણ જાતની કચાશ રાખવા માગતા નથી. એટલે જ તેમને સુરત અને ગાંધીનગર બંને જગ્યાએે થી લોકસભાની તૈયારીઓ પર નજર રખાય માટે હાઈટેક પ્લાનિંગ કર્યું છે. 

સીઆર પાટીલે સુરતમાં તેમની નવસારી લોકસભાનું સુપર હાઇટેક કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. આગામી લોકસભા ચૂંટણીની તમામ રણનિતીને ફાઇનલ ઓપ અહીંયા આપવામાં આવશે. ભાજપે બુથ અને પેઇજ લેવલે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં કેટલાક કરેક્શનો આવતાં એક ખાનગી એજન્સીને પણ પેજ પ્રમુખની કામગીરીની જવાબદારી સોંપાઈ છે. હાલમાં ભાજપનું સંગઠન લોકસભાની તૈયારીમાં વ્યસ્ત છે.  યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષી પંચ - અનુસૂચિત મોરચાઓ સાથે મીટિંગો બાદ કામગીરી સોંપાઈ છે જેનું સીધું મોનિટરીંગ કમલમ સિવાય આ ઓફિસથી પણ થશે તેવી ચર્ચા છે.

અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ આ કાર્યાલય ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમને પાછળ રાખે એવું અધ્યતન છે.  આખા કમલમનો મળીને 34 લોકો નો સ્ટાફ છે, જ્યારે પાટીલના કાર્યાલયમાં 55 લોકોનો સ્ટાફ કામ કરશે. આમ એમ જ સીઆર પાટીલને હાઈટેક નથી ગણાવાતા. સીઆર પાટીલની ISO એપ્રુવ આ અદ્યતન ઓફિસ છે. સુરતના અંબાનગર ખાતે આવેલી આ અદ્યતન ઓફીસનું  સીઆર પાટીલની માતાના હસ્તે ઓફિસનું ઉદ્ઘાટન કરાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news