‘વાયુ’ની આફત: રાજ્યના અનેક ગામોમાં વિજળી ડુલ, દ્વારકાના ગોમતી ઘાટે યાત્રિકોને પ્રવેશબંધી

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં.

‘વાયુ’ની આફત: રાજ્યના અનેક ગામોમાં વિજળી ડુલ, દ્વારકાના ગોમતી ઘાટે યાત્રિકોને પ્રવેશબંધી

અમદાવાદ: વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. પરંતુ ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. તો બીજી બાજુ દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા સુદામાં સેતુ પર યાત્રિકોની અવરજવર પર 3 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને દરિયાકાંઠે ન જવા તાકિદ આપવામાં આવી છે.

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2251 ગામોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી. જેની સામે 1924 ગામોમાં વિજ પુરવઠો પુન: પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા છે. 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી. જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના 9 જિલ્લા પ્રભાવિત થયા હતા. જેમાં વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ દ્વારકાના 129, ગીર સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે. વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના બંદરો પર દેખાઇ રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં તકેદારીના ભાગરૂપે હાલારમાં 233 ગામમાંથી 50,000 લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

દ્વારકા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, દ્વારકા ગોમતી ઘાટ પર આવેલ સુદામા સેતુ પર યાત્રિકોની અવરજવર પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દરિયા કાંઠે ન જવા તાકિદ કરવામાં આવી છે. દ્વારકામાં હાલ હાજર યાત્રિકોને હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં જ રહેવા તાકિદ કરવામાં આવી છે. સમગ્ર વહિવટી તંત્ર સંભવિત કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાના 194 ગામમાંથી 35123 લોકો અને જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાંથી અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી મળી કુલ 13152 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news