મોદી સરકારમાં ફેરફાર: ગુજરાતનો ઘટી શકે છે દબદબો, આ 4 મંત્રીઓના પદ પર ખતરો
મોદીના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં જે રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે એ રાજ્યોના મંત્રીઓનાં પત્તાં કપાશે. આમ ભાજપમાં ગુજરાતનું કદ ઘટે તેવી સંભાવના છે. તેમના સ્થાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર રાજ્યોના સાંસદોને મંત્રી બનાવાશે.
Trending Photos
ગાંધીનગર: દેશમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. મોદી કેબિનેટનું કમૂરતાં પતે પછી ઉત્તરાયણ બાદ વિસ્તરણ કરાશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મોદીના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં જે રાજ્યોમાં ચૂંટણી પતી ગઈ છે એ રાજ્યોના મંત્રીઓનાં પત્તાં કપાશે. આમ ભાજપમાં ગુજરાતનું કદ ઘટે તેવી સંભાવના છે. તેમના સ્થાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર રાજ્યોના સાંસદોને મંત્રી બનાવાશે.
આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક એ ચાર મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી પહેલાંની આ સેમીફાઈનલ છે. ભાજપ માટે અહીં જીત મેળવવી એ અતિ અગત્યની છે. આ રાજ્યો પૈકી મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે પણ ભાજપની હાલત ખરાબ છે. રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો છે પણ બંને કોંગ્રેસી મુખ્યમંત્રી મજબૂત હોવાથી આ ચાર રાજ્યોને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટનું વિસ્તરણ કરાશે. આમ ભાજપ આ રાજયોમાં જીત માટે મંત્રી પદની લ્હાણી કરી શકે છે.
જો એવું થયું તો રૂપાલા, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા અને દર્શનાબેન જરદૌશના મંત્રી પદ પર ખતરો આવી શકે છે. હાલમાં ગુજરાતમાંથી અમિત શાહ ગૃહમંત્રી અને મનસુખ માંડવિયા આરોગ્યમંત્રી છે. વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની સીટ પરથી મંત્રી હોવાથી નવા મંત્રીમંડળમાં ગુજરાતનું કદ ઘટી શકે છે.
આ ચાર રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સંગઠનમાં પણ ફેરફાર કરવા માગે છે. મોદીએ તમામ મંત્રીઓના રીપોર્ટ કાર્ડ મંગાવ્યાં છે કે જેથી કોના પત્તાં કાપવાં તેનો નિર્ણય લઈ શકાય. કર્ણાટકમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી હોવાથી સંસદનું બજેટ સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં ફેરફારો કરી દેવાશે.
આમ ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફાર કરશે તો ગુજરાતમાં પણ મોટા ફેરફારો થશે. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના 7 મંત્રીઓ છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને ભાજપ રેકોર્ડબ્રેક સીટથી વિજેતા બન્યું હોવાથી હવે આગામી સમયમાં ભાજપના ફેરફારોમાં ગુજરાતનું કદ ઘટશે એવી ચર્ચાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે