મોરબીના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા આજે ભરશે ઉમેદવારી પત્ર
રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ આજે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા હર હંમેશની જેમ ધારેશ્વર મહાદેવના મંદિરે પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેના ટેકેદારો સાથે રાજકોટ તરફ જવા રવાના થયા હતા.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી: રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ આજે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા હર હંમેશની જેમ ધારેશ્વર મહાદેવના મંદિરે પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેના ટેકેદારો સાથે રાજકોટ તરફ જવા રવાના થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે દેશમાં અને તેઓએ રાજકોટમાં કરેલા વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો જંગી બહુમતી સાથે તેમને ચૂંટી કાઢશે તેવો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ધીમે ધીમે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે રાજકોટ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ અને હાલમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જોકે, ત્યાર પહેલા તેઓ તેમના માટે હર હંમેશ આસ્થાનું કેન્દ્ર એવા નીચી માંડલ ગામ પાસે આવેલા ધારેશ્વર મહાદેવના મંદિરે આજે વહેલી સવારમાં પહોંચ્યા હતા અને ત્યાં શિવજીના આશિર્વાદ મેળવી તેઓ મોરબી વિસ્તારના તેમના ટેકેદારોના જંગી કાફલા સાથે રાજકોટ ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા.
મોહનભાઇ કુંડારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં લોકોની સુખાકારી માટે છેલ્લા 70 વર્ષોમાં જે કામો કરવામાં આવ્યા ન હતા. તેટલા કામોને નરેન્દ્રભાઇ મોદીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કરી બતાવ્યા છે. જેથી વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો ભાજપ તરફી મતદાન કરશે તે નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1980થી મોહનભાઇ કુંડારીયા રાજકારણમાં સક્રિય છે અને 84-85માં મોરબી પાલિકાના સભ્ય બન્યા હતા. 1995થી સતત પાંચ ટર્મ સુધી ટંકારા પડધરીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2014માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં 2.46 લાખની લીડ સાથે તેઓ વિજયી બન્યા હતા. આ ચૂંટણીમાં તેઓ તેમના ગત ચૂંટણીનો રકોર્ડ તોડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે