સુરત આગકાંડ મામલે મનપા અધિકારી સસ્પેન્ડ, ભાર્ગવ બુટાણીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ. આ આગકાંડના માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આખો દેશ હચમચી ગયો છે.

સુરત આગકાંડ મામલે મનપા અધિકારી સસ્પેન્ડ, ભાર્ગવ બુટાણીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

તેજશ મોદી, સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ. આ આગકાંડના માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આખો દેશ હચમચી ગયો છે. જવાબદાર લોકોને સજા આપવાની ચારેકોર માંગણીઓ થઈ રહી છે. આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીને પણ સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો. તેના 10 દિવસના રિમાન્ડની માગણી થઈ હતી પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં. 

મળતી માહિતી મુજબ સુરત આગકાંડ મામલે વધુ એક વ્યક્તિને સસ્પેન્ડ કરાઈ છે. મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરાયા છે. સીઓ.આર અને ઈમ્પેક્ટ ફીની વિસંગતતા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિનુ પરમાર હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવી રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણીના પોલીસ રિમાન્ડ મંજૂર
આ 22 નિર્દોષ લોકોના મોતના જવાબદાર એવા સુરતના સરથાણા વિસ્તારની તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા કલાસીસનાં સંચાલક ભાર્ગવ બુટાણીને સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી અને સરકારી વકીલ દ્વારા આરોપીને 10 દિવસના રિમાન્ડ પર આપવાની માંગણી કરી હતી, અને તે માટેના અલગ અલગ કારણો રજુ કર્યા હતાં. તો બીજી તરફ બચાવ પક્ષે પણ પોતાના મુદ્દાઓ રજુ કર્યા હતાં. તમામ તથ્યો તપસ્યા બાદ કોર્ટે બે દિવસના ભાર્ગવના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતાં. જો કે આ તબક્કે કોર્ટે એ તાકીદ પણ કરી હતી કે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય તપાસ કરવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news