રાજકોટથી બિઝનેસ ટુર માટે આફ્રિકા ગયેલા યુવાનનું અપહરણ: અહીં બેઠા બેઠા પોલીસે છોડાવ્‍યો!

રાજકોટના વાવડી વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન આજથી અંદાજે દસેક દિવસ પહેલા બિઝનેસ માટે આફ્રિકા ગયો હતો. રાજકોટ શહેરના કેયુર નામના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું હતું.

રાજકોટથી બિઝનેસ ટુર માટે આફ્રિકા ગયેલા યુવાનનું અપહરણ: અહીં બેઠા બેઠા પોલીસે છોડાવ્‍યો!

દિવ્યેશ જોશી/રાજકોટ: સમગ્ર ગુજરાત સહિત દેશમાં વિદેશમાં જઇ નોકરી કે વેપાર કરવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. જેના કારણે વિદેશમાં ગયા બાદ ઘણીવાર ફસાવવાની નોબત પણ આવતી હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટના યુવાનનો આવ્યો છે. સાઉથ આફ્રિકાના જ્‍હોનીસબર્ગ ખાતે ધંધાર્થે ગયેલા રાજકોટના યુવાનનું ખંડણી માટે અપહરણ થયું હતું. જેને પંદર દિવસની જહેમતના અંતે રાજકોટ પોલીસે વિદેશ ખાતા અને જ્‍હોનીસબર્ગ પોલીસ સાથે મળીને હેમખેમ છોડાવી લીધો છે. અપહરણમાં સંડોવાયેલી પાકિસ્તાની ગેંગને જ્‍હોનીસબર્ગ પોલીસે ઝડપી લઇ ખંડણી પેટે વસુલાયેલા નાણા પણ રીકવર કર્યાનું જાણવા મળે છે.

રાજકોટના વાવડી વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન આજથી અંદાજે દસેક દિવસ પહેલા બિઝનેસ માટે આફ્રિકા ગયો હતો. રાજકોટ શહેરના કેયુર નામના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું હતું. ત્યારબાદ આફ્રિકન કીડનેપર્સનો યુવાનના પિતાને ખંડણી માટે ફોન આવ્યો હતો. કીડનેપર્સે રૂપિયા દોઢ કરોડની માંગ કરતા યુવાનના પિતાએ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના દ્વારા ખખડાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેર પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવ્યો હતો.

આફ્રિકામાં કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂપિયા 30 લાખના સેટલમેન્ટ સાથે યુવાનને છોડવા તૈયાર થયા હતા. પરંતુ લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂપિયા 30 લાખ સાથે દબોચી ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારબાદ રાજકોટથી આફ્રિકા ગયેલ યુવાન હેમખેમ વતન પરત ફર્યો. 

રાજકોટના કેયુર પ્રફુલભાઇ મલ્લી દસ દિવસ પહેલા આફ્રિકા બિઝનેસ ટુર માટે ગયા હતા. પુત્ર પહોંચ્યા બાદ તેનો ફોન નહીં આવતા પિતા ચિંતિત બન્યા હતા અને તેનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ જવાબ નહીં મળતા ચિંતા વધુ ઘેરી બની હતી. આ પછી અચાનક આફ્રિકાથી કોઇ અજાણ્યા વ્યકિતનો પ્રફુલભાઇ મલ્લી ઉપર ફોન આવ્યો હતો અને તેણે પ્રફુલભાઇને કહ્યું હતું કે પુત્ર હેમખેમ પરત જોઇતો હોય તો દોઢ કરોડ રૂપિયાની ખંડણી આપવી પડશે.

આ ઘટના બાદ પ્રફુલભાઇએ તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધતા ક્રાઇમ બ્રાન્ચે આફ્રિકા પોલીસ સાથે સંકલન સાધ્યું હતું. કિડનેપર્સને રંગેહાથ પકડવા પોલીસે કિમીયો અજમાવી દોઢ કરોડના બદલે 30 લાખ રૂપિયાની ખંડણી ચુકવવા તૈયારી દર્શાવતા કિડનેપર્સ માની ગયો હતો. આ પછી આફ્રિકા પોલીસે લોકેશનના આધારે કિડનેપર્સનું પગેરૂ દબાવ્યું હતું. જોકે તે પહેલા કિડનેપર્સને 30 લાખ રૂપિયા રોકડા ચૂકવી દેવાયા હતા. જેનો તે સ્વીકાર કર્યો કે તુરંત જ પોલીસે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો. 

આમ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે વિદેશમાં અપહરણ થયેલા યુવાનનો જીવ બચી ગયો છે અને તે હેમખેમ દેશ પરત ફરતા પોલીસની સાથે પરિવારજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news