હાર્દિક પટેલે પડતા મૂકેલ પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરાયું, મળી મીટિંગ
Trending Photos
તેજસ દવે/મહેસાણા :મહેસાણા અનામત આંદોલનની નવી ઈનિંગ ફરીવાર શરૂ થવા જઈ રહી છે. પાટીદાર સમાજની સંસ્થા એસ.પી.જી દ્વારા રવિવારે ચૂંટણીના પરિણામ પહેલા એક બેઠક કરીને સરકાર સામે બાંયો ચઢાવવા માટેની તજવીજ કરવામાં આવી છે. એસપીજીની બેઠકમાં સમગ્ર ગુજરાતના એસપીજી સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં મહેસાણામાં બેઠક મળી હતી. જેમાં 4 મુદ્દા સાથે લાલજી પટેલ દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે અને હજુ આંદોલન ચાલુ છે. જ્યાં સુધી અમારી માંગ નહિ સંતોષાય તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.
ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા
મહેસાણા અનામત આંદોલનના હબ એવા મહેસાણામાં એસપીજીની બેઠક આયોજિત કરાઈ હતી. ત્યારે ફરીવાર અનામત આંદોલનના અણસાર મહેસાણામાં જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અને ખાસ કરીને અનામત આંદોલનમાં જોડાયેલા અને એસપીજી સંસ્થા સાથે સંકળાયેલા તમામ હોદેદારોની એક બેઠક મહેસાણામાં મળી હતી. અનામત આંદોલન બાદ એસપીજી દ્વારા બેઠક મહેસાણાના જીઆઈડીસી ફેઝ-2માં કરવામાં આવી હતી. ‘જય સરદાર જય પાટીદાર, જય માં ઉમા ખોળલ’ના નારા સાથે મહેસાણામાં ફરી અનામત અંદોલન જોવા મળ્યું હતું. SPGનું મહેસાણામાં ચૂંટણીના પરિણામ પહેલા આ કાર્યકર્તા સ્નેહ મિલનના નામે શક્તિ પ્રદર્શન આજે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો દેખાયા હતા. SPG અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના 4 ઝોનના કાર્યકર્તાઓ સાથે સંગઠન મજબૂત કરવા સહિત સરકાર પર દબાણ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં મહત્વના 4 મુદ્દા અંગે ચર્ચા અને એજન્ડા મૂકવામાં આવ્યા આવ્યા હતા અને સરકાર પર દબાણ લાવવા પ્રયાસ સહિત સોગંધ પણ લેવામાં આવ્યા હતા.
બેઠકમાં ચાર મુદ્દાના એજન્ડામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ યુવકોના પરિવારને નોકરી આપવી, પોલીસ દમનમાં યોગ્ય કાર્યવાહી કરવી, પાટીદારો વિરુદ્ધ થયેલ ફરિયાદો પરત લેવા સહિત, જેલમાં બંધ પાટીદાર યુવકોને મુક્ત કરવા તજવીજ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી. જેમાં ચૂંટણીના પરિણામ બાદ ટૂંક સમયમાં આંદોલનના કાર્યક્રમો પણ થશે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પાટીદાર યૂથ ફાઉન્ડેશનના ગુજરાતના પ્રમુખ જગદીશ પટેલે પણ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે આ સભામાં સરકાર પર દબાણ કઈ રીતે લાવી શકાય. જેવા મુદ્દા સહિત અનામાતની માંગ વધુ તેજ કરવા અને સરકાર જે પણ આવે તેમાં કઈ રીતે રજૂઆત કરવી અને આવનારા સમયમાં કોઈના કહેવા પર નહિ, પરંતુ સમાજના ઉત્થાન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કાયદાની આટીઘૂંટી સમજવા માટે સમાજના નિષ્ણાતો દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, એક તરફ હાર્દિક અનામત આંદોન સમાપ્ત થયું છે તેમ કહીને પોતાની વાત મૂકે છે. જ્યારે એસપીજી આંદોલન શરૂ કરવા તજવીજ કરી છે, જે જોતા પાટીદાર સમાજની વિચારસરણીમાં હવે રાજકારણ પણ આવી ગયું છે. જેથી પાટીદાર સમાજમાં બે ફાટીયા જોતા આવનારા સમયમાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવશે તેવા એંધાણ હાલમાં જોવાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે