ડાંગરની ખેતી કરતાં ગુજરાતના ખેડૂતોની એકાએક વધી ચિંતા? કારણ છે ચોંકાવનારું, સરકારને અપીલ

નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડી મુખ્ય પાક છે. એમાં પણ ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર પડે છે. જિલ્લામાં અંદાજે 50,000 હેક્ટર જમીનમાં ચોમાસુ ડાંગર થાય છે. ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતીમાં પાણી ભરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.

ડાંગરની ખેતી કરતાં ગુજરાતના ખેડૂતોની એકાએક વધી ચિંતા? કારણ છે ચોંકાવનારું, સરકારને અપીલ

ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લામાં ડાંગર મુખ્ય ખેતી પાક છે. ડાંગરમાં પાણીની વધુ જરૂર પડે છે. ત્યારે ચોમાસુ હોવા છતાં ખેડૂતો ડાંગરમાં સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે. થોડા દિવસોથી પૂરતો વરસાદ નથી, સાથે જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. 90 દિવસોમાં સિંચાઈ વિભાગ એ ફક્ત દસ દિવસ પાણી આપ્યું છે. બદલાતા વાતાવરણમાં ડાંગરને મોટું નુકસાન થાય એવી ભીતિ ઉભી થતા ખેડૂતો નહેર વિભાગ સિંચાઈનું પાણી આપે એવી આશા સેવી બેઠા છે.

નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડી મુખ્ય પાક છે. એમાં પણ ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર પડે છે. જિલ્લામાં અંદાજે 50,000 હેક્ટર જમીનમાં ચોમાસુ ડાંગર થાય છે. ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતીમાં પાણી ભરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. ઘણા ખેતરોમાં રોપેલું ડાંગર ખરાબ થતા, ખેડૂતોએ ધરૂની વ્યવસ્થા કરી ફેર રોપણી કરી છે. પરંતુ ફરી વાતાવરણમાં બદલાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. અઠવાડિયા ઉપરથી ફક્ત વરસાદી ઝાપટા પડે છે. સાથે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધીને 32 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ત્યારે ડાંગરમાં પાણીની જરૂર છે.

ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં 90 દિવસમાં ફક્ત 10 થી 12 દિવસ જ ખેડૂતોને પાણી મળ્યું છે. ત્યારે ડાંગરમાં નિંદામણ કરવા સાથે ખાતર નાંખવાનો સમય છે અને પાણી નથી, તેથી ખેતરોમાં તિરાડો પડવા માંડી છે. અઠવાડિયામાં ડાંગરમાં જીવ આવશે ત્યારે પાણી ન હોય તો ખેડૂતોને 40% થી વધુ નુકસાન થવાની ભીતી પણ છે. ગણદેવી તાલુકાના વેગામ પિંજરા ગામમાં અંદાજે 90 વીઘા જમીનમાં ડાંગર થાય છે. પરંતુ પાણી ન હોવાને કારણે ખેડૂતોને મોટા નુકસાનનો ડર સતાવી રહ્યો છે. જેથી સિંચાઈ વિભાગ તાપીમાં પાણી છોડી તેનો બગાડ ન કરે અને ખેડૂતોને પાણી આપે એવી લાગણી ખેડૂતો સેવી રહ્યા છે. 

ચોમાસુ ચાલી રહ્યું હોવા છતાં નવસારીના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ પણ ખેડૂતોની ફરિયાદ સાંભળી એક્શનમાં આવી ગયુ છે. નવસારી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા વડી કચેરીમાં ખેડૂતોની સમસ્યા વર્ણવી, વહેલી તકે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એની વ્યવસ્થા કરી રહ્યા છે. વડી કચેરીમાંથી ડાબા કાંઠા નહેરમાં પાણી છોડવાની મંજૂરી પણ આપવામાં આવી હોવાની માહિતી છે. જેથી થોડા દિવસોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને ડાંગરની ખેતીને જીવનદાન મળે એવી સંભાવના જોવાઈ રહી છે. નવસારીમાં મેઘરાજા મહેરબાન છે. અત્યાર સુધીમાં સિઝનનો 70 થી 85 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તેમ છતાં નવસારીના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ઉકાઈ ડેમ ભરાયો છે. તો એનો ફાયદો ખેડૂતોને મળે એ જ સમયની માંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news