તૌક્તે સાયક્લોનના જોખમને ટાળવા ખેડુતોને રાખવી આટલી કાળજી

તૌક્તે સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.

તૌક્તે સાયક્લોનના જોખમને ટાળવા ખેડુતોને રાખવી આટલી કાળજી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન તૌક્તે સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. હાલમા ખેતરમા ઉભા પાક જેવા કે, ઉનાળુ બાજરી, જુવાર ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

ભારે વાવાઝોડા તથા વરસાદ થવાની ચેતવણીને ધ્યાને લઈ ખેડૂતોએ હાલ ઉનાળુ બાજરી પાકમાં પિયત ટાળવુ તથા કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જુવાર ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં ઊભા પાકોમા પિયત ટાળવુ. ખેતરમાઉભા પાકમાં પાણીના નિતારની  વ્યવસ્થા આગોતરી કરવી. ખાસ કરીને બીટી કપાસનું નવુ વાવેતર હમણા ટાળવુ. શાકભાજી વગેરેના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ના રહે તે માટે આગોતરી કાળજી લેવી. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. 

હાલમા કોઇ પાકમા જંતુનાશક દવાનો છંટકાવ નહીં કરવા ભલામણ છે. જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ હાથવગી રાખવી. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમા વરસાદ પહેલાં જ પહોંચાડી દેવા. બાગાયતી ફળ પાકોમાં વાવાઝોડા સામે રક્ષણ માટે ટેકા મુકવા તથા મોટા ઝાડ હોય અને જોખમી હોય તો તેનુ કટિંગ કરાવી લેવું. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવુ.

એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાકીને રાખવા. એ.પી.એમ.સી.માં કે અન્ય જગ્યાએ વેચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકી ને જ લઇ જવી.વાવાઝોડા, ભારે પવન તથા વરસાદના સંજોગોમાં પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓના શેડ ઉપરના  પતરા વિગેરે ઉડી ના જાય તે મુજબ ફિટિંગ કરવા અને ઉપર વજન મુકવુ તથા આવા શેડ ઉપર જોખમી ચીજવસ્તુઓ હોય તો ઉતારી લેવી. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. 

વધુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાણવણી માટે તાડપત્રીનો ઉપયોગ કરવો તથા પશુઓના નિભાવ માટે વૈકલ્પિક આહાર યોજના, પશુઓને પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલે જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news