કેરલ-કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ આગળ વધ્યું તૌકતે, 260 KM દૂર
સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. અત્યારે તૌકતે વાવાઝોડું 260 કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.
Trending Photos
ઝી ન્યૂઝ બ્યૂરો, અમદાવાદ: કેરલ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં રવિવારે તબાહી મચાવ્યા બાદ તૌક્તે વાવાઝોડું (Cyclone Tauktae) ઉત્તરમાં ગુજરાત તરફ આગળ વધ્યું છે. ચક્રવાતના લીધે તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે જ વરસાદ પડ્યો હતો સમુદ્રમાં કરંટ જોવા મળતા ઉંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડા (Cyclone) ની અસરના લીધે ઘણી જગ્યાએ લાઇટો જતી રહેતા અંધારપટ છવાયો હતો. તો બીજી તરફ ઘણા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તૌક્તે વાવાઝોડું (Cyclone Tauktae) સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. અત્યારે તૌકતે વાવાઝોડું 260 કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે તૌક્તે ગુજરાત (Gujarat) ના દરિયા સાથે ટકરાવવાની સંભાવના છે. જેથી ગુજરાતના નીચાણવાળા તટીય વિસ્તારમાંથી લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે એનડીઆર અને એસડીઆરની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
તૌક્તે (Cyclone Tauktae) ગુજરાતના દરિયા કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી ભારતીય તટરક્ષક બળ (ICG) એ કહ્યું હતું કે ગુજરાતમાં (Gujarat) માં માછલી (Fish) પકડનાર હોડીઓ નજીકના પોર્ટ પર પહોંચી ગઇ છે. ગુજરાતની 2258 બોટ સુરક્ષિત રીતે પોર્ટ પર પહોંચી ગઇ છે.
ભરૂચના દહેજ અને મોરબીના નવલખી, પોરબંદર અને જામનગર બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, રાત્રે પવન ફૂંકાતા ઘણી જગ્યાએ કાચા મકાનો તૂટી પડ્યા હતા તો ઘણી જગ્યાએ છાપરા ઉડ્યા હતા. તો આ તરફ રાજકોટમાં પણ અસર જોવા મળતાં 80 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
17 મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 17 અને 18 મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70થી 175 કિલોમીટર સુધીનો પવન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 17 જિલ્લામાં 15 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વેક્સીનેશનની કામગીરી રહેશે બંધ
તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) ની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ વાવાઝોડા (Cyclone) ની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
ભૂજ, પોરબંદર કે પછી ગુજરાતના આ સ્થળે જઇ રહ્યા હોવ તો વાંચી આ સમાચાર, વાવાઝોડાના લીધે 56 ટ્રેનો થઇ રદ
સૌરાષ્ટ્રની 391 હોસ્પિટલોને બેકઅપ અપાયું
વાવાઝોડાને કારણે વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટમાં આવી ચૂક્યા છે અને અહીંથી જ PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે. અહીં કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે