વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?

Vadodara Flood : વડોદરામાં પહેલીવાર પૂર નથી આવ્યું, વડોદરા વર્ષોથી ડૂબતુ આવ્યું છે, આ શહેરના ડૂબવા પાછળ તંત્ર કારણભૂત છે... શું તંત્ર પાસે પૂર રોકવાનો કોઈ માસ્ટરપ્લાન નથી, શું લોકો ટેક્સ એટલા માટે ભરે છે કે, તેમના ઘર-ગાડી પૂરમાં ડુબી જાય...

વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?

Gujarat Flood : 3 દિવસ ક્યાં હતાં... અમે ભૂખથી ટળવળ્યા... પાણી વિના ટળવળ્યા... અમારા બાળકોને ભૂખથી ટળવળતા જોઈને અમારી આંતરડી કકળી પણ કોઈ મદદ માટે નહોતું... આ શબ્દો તમારા હ્રદય સોંસરવા નીકળી જશે કારણ કે આ શબ્દો હતા વડોદરાના પૂરમાં ફસાયેલા વડોદરા વાસીઓના.. લોકોનાં ઘર ડૂબ્યાં, કરોડોની ગાડીઓ ડૂબી છે. ભલે ગરીબ હોય કે અમીર પણ મહેનત કરીને કમાયેલા રૂપિયા વડોદરાના પૂરના પાણીમાં વહી ગયા છે. 50 લાખની 4-4 બંગડી વાળાએ પણ નુક્સાન જોઈને કહ્યું હવે જીવીને શું કરવાનું...તો કલ્પના કરો કે બે ટંકનું માંડ પૂરું કરતા વડોદરા વાસીઓની હાલત કેવી હશે... 1500 કરોડનું વડોદરા વાસીઓને નુક્સાન ગયું છે. આ પૂરે ન સહેવાય અને ન ભૂલાય એવું દર્દ આપ્યું છે. કહેવાય છે કે સમય બધું ભૂલાવી દેશે પણ જેને લાખોનું નુક્સાન ગયું છે એ આજીવન આ નુક્સાનને ભોગવતો રહેશે...લોકો 3 દિવસ રડ્યા છે, ભૂખ્યા રહ્યાં છે, કોઈ ઉંઘ્યું નથી અને કમરસમા પાણીમાં એ સંતાપમાં રહ્યાં છે કે પાણી વધુ ન વધે તો સારું... 

  • આજવા ડેમ ભરાવવા લાગ્યો અને અહીંથી શરૂ થયો બેદરકારીનો ખરો ખેલ
  • ક્યાં પાણી ભરાશે, કેટલા લેવલે ભરાશે, કઈ રીતે પાણીનો નિકાલ કરાશે તેનો વડોદરાના સત્તાધિશો પાસે બેક અપ પ્લાન નહોતો
  • કરોડોની હોડીઓ મ્યુઝિયમમાં મૂકાય એવી ફાયર ઓફિસમાં સેફ પડી રહી
  • ભાજપના નેતાઓ સોમવારનો આખો દિવસ ફાયર ચીફ ઓફિસરને ફોન કરતા રહ્યાં પણ ના કોઈ મદદ ના મળી
  • વડોદરાના ફાયર વિભાગ પાસે હોડીઓ તો હતી પણ શોભાના ગાંઠિયા જેવી કારણ કે કામની નહોતી
  • શું મનપા કમિશ્નર આયોજનમાં કાચા પડ્યા કે ફાયર ચીફ ઓફિસર ડૂબતા વડોદરાને છોડીને ગાયબ થઈ જતાં વડોદરા ડૂબ્યું
  • કેટલાક અધિકારીઓના પાપે વડોદરા ભોગવી રહ્યું છે હવે એમને ભોગવવું પડશે એ દિવસો દૂર નથી
  • સીએમખુદ પહોંચ્યા છે એ સાબિત કરે છે કે સરકાર એક્શન લેવાના મૂડમાં છે 
  • આ કુદરતનો કહેર નહીં પણ તંત્રની લાપરવાહીનું પૂર હતું

વડોદરાવાસીઓના આ દર્દનો જવાબ આપવો પડશે. સરકાર અને તંત્ર ભલે દોડાદોડી કરે અને લોકોને આશ્વાસન આપે પણ વડોદરાવાસીઓમાં કેટલો રોષ છે એનો પરચો કેટલાક નેતાઓને કાલે મળી ગયો છે. કારણ કે આ કુદરતનો કહેર નહીં પણ તંત્રની લાપરવાહીનું પૂર હતું. તંત્રની ખામીઓ હતી, તંત્રની બેદરકારીઓ હતી જેનો ભોગ વડોદરાની 30 લાખ જનતા બની છે. સાહેબ.. કુદરત વેરી બની હોય તો સંતાપ નહોતો પણ કેટલાક સત્તાધિશોની બેદરકારીને કારણે 3 દિવસ વડોદરા પાણીમાં રહ્યું છે. આનો વડોદરા વાસીઓ જવાબ માગશે ત્યારે સરકાર પાસે જવાબ નહીં હોય...આ પૂર સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાત પાડતું ગયું છે. 

નેતાઓ પણ સમજી ગયા છે કે હવે જવાબ આપવાનો સમય છે. અમે સવાલ ઉઠાવી રહ્યાં છીએ કે તંત્રના કહેવાતા બાહોશ અધિકારીઓ કેમ થાપ ખાઈ ગયા, કેમ વડોદરાને ડૂબાડ્યું એ અમારી સાથે હવે તમારી પાસે વડોદરાની જનતા જવાબ માગશે. અમે તો ફક્ત સવાલો કરી શકીએ પણ વડોદરા આ દર્દને નહીં ભૂલાવે શકે..... અમે આજે સવાલ કરી રહ્યાં છીએ કે વડોદરા કઈ રીતે ડૂબ્યું, એવી કઈ ભૂલ થઈ કે શહેર ડૂબી ગયું, કોણ છે જવાબદાર અને શું દોષીઓ સામે કાર્યવાહી થશે?.

કહેવાય છે કે સરકારમાં એક દાયકા અગાઉનું પ્લાનિંગ થતું હોય છે પણ વડોદરાના મેડ મેન( બેદરકારી ભર્યા) ડિઝાસ્ટરમાં IAS અધિકારીઓ કેમ થાપ ખાઈ ગયા, વડોદરાની આખી સિસ્ટમ કેમ ફેલ ગઈ.. આજવા ડેમ એ વડોદરાના હાર્દ સમાન છે. 1980માં બનેલો આ ડેમ 132 વર્ષ જૂનો છે. અર્ધન ડેમ તરીકે ઓળખાતો અને માટીના પાળાવાળો આ ડેમ એ વડોદરાની જીવાદોરી સમાન છે. ગુજરાતમાં અને વડોદરામાં વરસાદ પડે ત્યારે આજવામાં 15મી ઓગસ્ટ સુધીમાં 211 ફૂટનું પાણીનું લેવલ જાળવવામાં આવે છે. 31મી ઓગસ્ટ સુધી વધુમાં વધુ 212 ફૂટ સુધી આ ડેમને ભરી શકાય છે કારણ કે આ ડેમની કેપેસેટી 214 ફૂટની જ છે. જો 213 ફૂટ સુધી પાણી ભરાય તો ડેમ તૂટી જવાની અને વડોદરા ડૂબી જવાનો ખતરો રહેતો હોય છે એ સત્તાધિશો સારી રીતે જાણે છે.
 
સ્થાનિક તંત્રને પણ અંદાજ હતો કે 10 ઈંચ સુધી વરસાદ વરસશે પણ એક સાથે ત્રણ સિસ્ટમ અને આજવાના કેચમેન્ટ એરિયામાં વરસાદને પગલે તંત્રના તમામ અંદાજો ખોટા ઠેરવી દીધા હતા. આજવા ડેમ ભરાવવા લાગ્યો અને અહીંથી શરૂ થયો બેદરકારીનો ખરો ખેલ....આ બાબતે ગાંધીનગર સુદ્ધાને અજાણ રખાયું... મોટી તોપ સમજતા સરકારી બાબુઓએ એવી ભૂલો કરી કે વડોદરાની 30 લાખ પ્રજા ભોગ બની...

આજવામાં પાણી વધતાં ડેમ સત્તાવાળાઓએ તો રિડ્યૂસ લેવલ એટલે RL જાળવવાનું શરૂ કરી પાણી છોડવાનું શરૂ કરી દીધું , બીજી તરફ વડોદરાનું તંત્ર ઉંઘતું ઝડપાયું... આનન ફાનનમાં મ્યુન્સિપલ કમિશ્નરે વીડિયો જાહેર કર્યો કે શહેરમાં પાણી ભરાશે અને પોતાની જવાબદારી ખંખેરી લીધી...પણ છેક સુધી ક્યાં પાણી ભરાશે, કેટલા લેવલે ભરાશે, કઈ રીતે પાણીનો નિકાલ કરાશે તેનો કોઈ વડોદરાના સત્તાધિશો પાસે બેક અપ પ્લાન નહોતો...વરસાદ વધતો રહ્યો અને પાણી છૂટતું રહ્યું અને કેટલાક ઠેકાણે 10-10 ફૂટ પાણી ભરાયા... વડોદરામાં એવી જગ્યાએ પણ પાણી ભરાયા જ્યાં આજ દીન સુધી પાણી ભરાયા નહોતો...શરૂઆતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની કોઈ ટીમ નહોતી...આ સમયે જવાબદારી સ્થાનિક મનપાની અને ફાયર ચીફ ઓફિસરની હતી પણ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવાની જેમ વડોદરાના ફાયર વિભાગ પાસે હોડીઓ તો હતી પણ શોભાના ગાંઠિયા જેવી... 

આજે પણ વણ વપરાયેલી કરોડોની હોડીઓ મ્યુઝિયમમાં મૂકાય એવી ફાયર ઓફિસમાં સેફ પડી છે. એવું કહેવાય છે કે આ હોડીઓ ખરાબ થઈ ગઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ છે. ફાયર વિભાગ દ્વારા પ્રજાના પૈસે ખરીદાયેલી આ હોડીઓ ખરાબ થઈ તો નવી કેમ ના લેવાઈ.. કેમ સજાવી ધજાવીને ફાયર ઓફિસમાં પડી રહી... કોની બેદરકારીથી આ હોડીઓ ખરાબ થઈ.....લોકો મદદ માગતા રહ્યાં અને મદદ ન પહોંચી... અરે ભાજપના નેતાઓ સોમવારનો આખો દિવસ ફાયર ચીફ ઓફિસરને ફોન કરતા રહ્યાં પણ ના કોઈ મદદ ના મળી...

આજે આ નેતાઓ વડોદરામાં મદદ માટે જઈ શકે એવી સ્થિતિમાં નથી કાલે 3 નેતાઓને કડવો અનુભવ થઈ ગયો છે. તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું એ આજે વડોદરામાં સૌથી ચર્ચાતો સવાલ છે, શું મનપા કમિશ્નર આયોજનમાં કાચા પડ્યા કે ફાયર ચીફ ઓફિસર ડૂબતા વડોદરાને છોડીને ગાયબ થઈ જતાં વડોદરા ડૂબ્યું...આજે કરોડોના નુક્સાન વચ્ચે વડોદરા વાસીઓ ડૂસકાં લઈ રહ્યાં છે અને પોતાના સવાલોનો જવાબ માગી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે એમને પણ આ સવાલોનો જવાબ વડોદરાવાસીઓને આપવો પડશે કે અમારી કઈ ભૂલ હતી કે અમારે ભોગવવું પડ્યું.... સરકાર પણ એક્શનના મોડમાં છે. સીએમ ખુદ પહોંચ્યા છે. કેટલાક અધિકારીઓના પાપે વડોદરા ભોગવી રહ્યું છે હવે એમને ભોગવવું પડશે એ દિવસો દૂર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news