આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં હિંસા ભડકી, ગૃહ મંત્રાલયે તાબડતોબ બોલાવી બેઠક
Trending Photos
આઈઝોલ/ગુવાહાટી: આસામ અને મિઝોરમના લોકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા બાદ બંને રાજ્યોની સરહદો પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે મિઝોરમના કોલાસિબ અને આસામના કછાર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
મિઝોરના ગૃહમંત્રી લલચામલિયાનાએ કહ્યું કે હાલાતની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા આજે બંને રાજ્યો સાથે થનારી બેઠકની અધ્યક્ષતા કરશે. તેમણે કહ્યું કે બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવ હાજર રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ હિંસા પ્રભાવિત વિસ્તાર મિઝોરમના વેરેંગતે ગામ પાસે અને આસામના લૈલાપુરમાં સીઆરપીએફ સહિત સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે.
કલમ 144 લાગુ
મિઝોરમના કોલાસિબ જિલ્લાનું વેરંગતે ગામ રાજ્યનો ઉત્તર ભાગ છે જ્યાંથી પસાર થતો રાષ્ટ્રીય રાજમાર્ગ 306 આસામને આ રાજ્ય સાથે જોડે છે. આ બાજુ આસામના કછાર જિલ્લાનું લૈલાપુર તેનું સૌથી નીકટનું ગામ છે. કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એચ લલ્થલંગલિયાનાએ કહ્યું કે શનિવારે સાંજે લાકડી-ડંડા લઈ આસામના કેટલાક લોકોએ સરહદી ગામના બહારના વિસ્તારમાં આવેલા ઓટોરિક્ષા સ્ટેન્ડની પાસે કથિત રીતે એક સમૂહ પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ વેરેંગતે ગામના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. તેમણે કહ્યું કે વિસ્તારમાં કલમ 144 લાગુ હોવા છતાં વેરેંગતે ગામની ગુસ્સે ભરાયેલી ભીડે નેશનલ હાઈવે પર લગભગ 20 અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનોને આગ લગાવી દીધી. જે લૈલાપુર ગામના લોકોની હતી.
ડીસીપીએ કહ્યું કે કલાકો સુધી ચાલેલા આ ઘર્ષણમાં મિઝોરમના ચાર લોકો સહિત અનેક લોકો ઘાયલ થયા. ઘર્ષણમાં ઘાયલ એક વ્યક્તિને કોલાસિબ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના ગળામાં ઊંડો ઘા હોવાના કારણે તેની સ્થિતિ નાજૂક છે. જ્યારે ત્રણ લોકોની સારવાર વેરેંગતા ગામના જનસ્વાસ્થ્ય કેન્દ્રમાં કરાઈ છે. પોલીસના જણાવ્યાં મુજબ એક ઘાયલને આસામના સિલચર મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હાલાત કાબૂમાં
આ બધા વચ્ચે આસામ સરકારે કહ્યું કે હાલાત કાબૂમાં છે અને વિસ્તારમાં શાંતિ પૂર્વવત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે પોલીસફોર્સને પણ તૈનાત કરાઈ છે. આસામના વનમંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય પરિમલ શુક્લા વૈદ્યે કહ્યું કે વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ લગભગ દરેક વર્ષે થાય છે. કારણ કે બંને તરફથી લોકો ગેરકાયદેસર રીતે ઝાડ કાપે છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના વિર્દેશ પર વૈદ્યે રવિવારે લૈલાપુરની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી.
ઉપદ્રવીઓની કરતૂત
આસામ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે આ ઘટના સમુદાયોમાં અશાંતિ પેદા કરવા માટે ઉપદ્રવીઓ માટે કરવામાં આવેલી કરતૂત હતી. આ બાજુ કછારના ડેપ્યુટી કમિશનર કિર્તી જલ્લીએ પણ આંતરરાજ્ય સરહદી વિસ્તારોની મુલાકાતો લીધી અને આશ્વાસન આપ્યું કે બંને રાજ્યોના લોકો વચ્ચે અશાંતિ પેદા કરવાની કોશિશ કરનારા અસામાજિક તત્વોથી પ્રશાસન તેમને સંપૂર્ણ રીતે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સોનોવાલે પીએમઓને આપી સૂચના
આ બાજુ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે હાલની સ્થિતિ અંગે પ્રધાનમંત્રા કાર્યાલય (પીએમઓ) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતગાર કર્યા છે. આસામ સરકારના એક નિવેદન મુજબ સોનોવાલે મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગાને પણ ટેલિફોન કર્યો અને સરહદ પર ઘટેલી ઘટના અંગે તેમની સાથે વાત કરી. મિઝોરમના મુખ્યમંત્રીની સાથે પોતાની વાતચીત દરમિયાન સોનોવાલે સરહદી મુદ્દાના ઉકેલ માટે સાર્થક ઉપાય અને સંયુક્ત કોશિશો કરવા પર ભાર મૂક્યો. તેમણે સરહદી વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા અને આંતરરાજ્ય સરહદ પર શાંતિ, કાયદો વ્યવસ્થા જાળવવા માટે સહયોગની સાથે કામ કરવાની પણ વકાલત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે