West Bengal Election: PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન'

શ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી.

West Bengal Election: PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન'

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી. પુરુલિયામાં તેમણે મમતા બેનર્જી પર તેમના જ અંદાજમાં પલટવાર કર્યો. તેમણે કહ્યું દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, સોનાર બાંગ્લા હોબે. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની ઈજાને લઈને પણ કહ્યું કે તેમની ઈજાને અમને પણ ચિંતા છે અને ઈશ્વરને કામના કરીએ છીએ કે તેઓ જલદી સ્વસ્થ થાય. 

પુરુલિયામાં પાણીનું સંકટ મોટી સમસ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ રેલીનું સંબોધન બાંગ્લામાં શરૂ કર્યું અને પાણીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ટીએમસી પર નિશાન સાધતા કહ્યું કે પુરુલિયાને જળ સંકટથી ભર્યું જીવન અને પલાયન આપ્યું છે. ટીએમસી સરકારે પુરુલિયાને દેશના સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખ અપાવી છે. પુરુલિયાની ધરતી ભગવાન રામ અને માતા સીતાના વનવાસનું પણ સાક્ષી છે. અહીં અજુધ્યા પર્વત છે, સીતા કુંડ છે, અને અજુધ્યા નામથી ગ્રામ પંચાયત છે. કહે છે કે જ્યારે માતા સીતાને તરસ લાગી હતી ત્યારે રામજીએ જમીન પર બાણ છોડીને પાણીની ધારા કાઢી હતી. આજે પુરુલિયામાં પાણીનું સંકટ મોટી સમસ્યા છે. અહીંના ખેડૂતો, આદિવાસી-વનવાસી  ભાઈ બહેનોને એટલું પાણી પણ નથી મળતું કે તેઓ ખેતી કરી શકે. મહિલાઓ પાણી માટે ખુબ દૂર જવું પડે છે. 

ડબલ એન્જિનની સરકારથી થશે વિકાસ
પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીની સરકાર ફક્ત પોતાના ખેલમાં લાગી છે. આ લોકોએ પુરુલિયાને શું આપ્યું. જળ સંકટ. આ લોકોએ પુરુલિયાને પલાયન આપ્યું. આ લોકોએ પુરુલિયાના ગરીબોને આપ્યું ભેદભાવભર્યું શાસન. આ લોકોએ પુરુલિયાની ઓળખ બનાવી છે દેશના સૌથી પછાત વિસ્તાર તરીકેની. દીદી આટલા વર્ષોમાં તમે એક પુલ પણ બનાવી શક્યા નહીં અને હવે તમે ઉદ્યોગ અને વિકાસની વાત કરી રહ્યા છો? તેમણે કહ્યું કે બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ તમારી મુશ્કેલીઓને પ્રાથમિકતાના આધારે દૂર કરવામાં આવશે. જ્યારે બંગાળમાં ડબલ એન્જિનની સરકાર બનશે ત્યારે અહીં વિકાસ પણ થશે અને તમારું જીવન પણ સરળ બનશે. 

ભાજપની સરકાર બનશે તો દૂર થશે જળસંકટ
પીએમ મોદીએ કહ્યું કે પુરુલિયા સહિત સમગ્ર ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવના છે. તે માટે આ ક્ષેત્રની કનેક્ટિવિટીમાં સુધારો કરવો પડશે. અમારી પ્રાથમિકતા પશ્ચિમ બંગાળના દરેક ક્ષેત્રને રેલવેથી જોડવાનો છે. તેમણે કહ્યું કે અહીં જેવું જળ સંકટ દેશના અન્ય ભાગોમાં પણ રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપને સેવાની તક મળી ત્યાં સેકડો કિમી લાંબી પાઈપ લાઈન બિછાવવામાં આવી. તળાવ બનાવવામાં આવ્યા. ત્યાં હવે જળસંકટ દૂર થઈ રહ્યું છે. ત્યાં ખેડૂતો અલગ અલગ પાક લઈ રહ્યા છે. 

2જી મે બાદ ભાજપની સરકાર બનશે
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2જી મે બાદ જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, ત્યારે અમે એવી સુવિધાઓનું નિર્માણ કરીશું જે તકોની શોધમાં લોકોનું પલાયન રોકી શકશે. તેમણે વધુમાં કહ્યું કે દલિતો, આદિવાસી, પછાત વિસ્તારોના આપણા યુવા પણ રોજગારની તકો સાથે જોડાઈ શકે, તે માટે કૌશલ વિકાસ પર વધુ ફોકસ કરવામાં આવશે. અહીંના છાઉ કલાકારો, અહીંના હસ્તશિલ્પિઓને કમાણી અને માન સન્માન સાથે જોડાયેલી સુવિધાઓ મળે, એ સુનિશ્ચિત કરવામાં આવશે. 

દીદીને દલિતો, પછાતો, આદિવાસીઓ પ્રત્યે મમતા નથી
પીએમ મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરતા દીદીને જો દલિતો, પછાતો, આદિવાસીઓ, વનવાસીઓ પ્રત્યે મમતા હોત તો તેઓ આવું કરત નહીં. અહીં તો દીદીની નિર્મમ સરકારે માઓવાદીઓની એક નવી નસ્લ બનાવી દીધી છે જે ટીએમસીના માધ્યમથી ગરીબોના પૈસા લૂંટે છે. 

બંગાળની જનતા માતા દુર્ગાના આશીર્વાદથી દીદીને હરાવશે
પીએમ મોદીએ કહ્યું કે તમારો ઉત્સાહ દેખાડી રહ્યો છે કે ટીએમસીનો પરાજય નિશ્ચિત છે. આ વખતે બંગાળની ચૂંટણીમાં સિંડિકેટવાળાની હાર થશે. આ વખતે બંગાળમાં કટમનીવાળાની હાર થશે. આ વખતે ચૂંટણીમાં ટોળાબાજોની હાર થશે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળના લોકો કહી રહ્યા છે કે તમે  ખુબ યાતનાઓ આપી છે, ડર તમારું હથિયાર રહ્યું છે. બંગાળની જનતા હવે ઉઠશે અને માતા દુર્ગાના આશીર્વાદથી તમને હરાવશે. 

ટીએમસીના દિવસો હવે ગણતરીના રહ્યા
પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના દિવસો હવે ગણતરીના રહ્યા છે. આ વાત મમતા દીદી પણ સારી પેઠે જાણે છે. આથી તેઓ કહી રહ્યા છે કે ખેલા હોબે. જ્યારે જનતાની સેવાની પ્રતિબદ્ધતા હોય, જ્યારે બંગાળના વિકાસ માટે દિવસ રાત એક કરવાનો સંકલ્પ હોય તો ખેલા ન રમાય દીદી. 

10 વર્ષ તૃષ્ટિકરણ કર્યા બાદ હવે બદલાયેલા દેખાય છે દીદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દીદી બોલે  ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. સોનાર બાંગ્લા હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે ચાકરી હોબે, વિકાસ હોબે, શિક્ષા હોબે, હોસ્પિટલ હોબે, સ્કૂલ હોબે, સોનાર બાંગ્લા હોબે. તેમણે વધુમાં કહ્યું કે 10 વર્ષના તૃષ્ટિકરણ બાદ લોકો પર લાકડી ડંડા ચલાવ્યા બાદ હવે મમતાદીદી અચાનક બદલાયેલા દેખાઈ રહ્યા છે. આ હ્રદય પરિવર્તન નથી પણ હારવાનો ડર છે. તે બંગાળની જનતાની નારાજગી છે જે દીદી પાસે આ બધુ  કરાવી રહી છે. 

બંગાળના લોકોની યાદશક્તિ ખુબ તેજ
પીએમ મોદીએ કહ્યું કે દીદી એ ના ભૂલતા કે બંગાળના લોકોની યાદશક્તિ ખુબ તેજ છે. બંગાળની જનતાને યાદ છે કે ગાડીથી ઉતરીને તમે કેટલા લોકોને ખખડાવ્યા અને પોલીસને તેમને પકડવાનું કહ્યું. તૃષ્ટિકરણ કરવા માટેની તમારી દરેક કાર્યવાહી જનતાને યાદ છે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળના લોકો પહેલેથી મન બનાવી ચૂક્યા છે. બંગાળના લોકો કહે છે કે લોકસભામાં ટીએમસી હાફ અને આ વખતે પૂરી સાફ. બંગાળના લોકોનો ઈરાદો જોઈને દીદી પોતાની ખીજ મારા પર કાઢી રહ્યા છે. તેઓ ભાજપના કાર્યકરો પર ભડકેલા છે. પરંતુ અમારા માટે તો દેશની કરોડો દીકરીઓની જેમ દીદી પણ ભારતની એક દીકરી છે. જેમનું સન્માન અમારા સંસ્કારોમાં વસેલું છે. 

મારી ભગવાનને પ્રાર્થના દીદી જલદી સાજા થાય
પીએમ મોદીએ મમતા બેનર્જીની ઈજાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે દીદીને ઈજા થઈ તો અમને ચિંતા થઈ. મારી ભગવાનને પ્રાર્થના છે કે તેમના પગની ઈજા જલદી ઠીક થઈ જાય. પશ્ચિમ બંગાળ ત્યારે જ વિક્સિત થઈ શકે જ્યારે તમામ ક્ષેત્ર એકસાથે આવે. મમતાદીદી જોકે દલિતો, આદિવાસીઓ, એસસી/એસટી અને આ પ્રકારના અન્ય વર્ગો સાથે ક્યારેય ન આવી. 10 વર્ષના ભ્રષ્ટાચારે આ લોકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 

DBT અને TMC નો અર્થ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકારની નીતિ છે, DBT એટલે કે ડાઈરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર. પશ્ચિમ બંગાળમાં દીદી સરકારની દુર્નિતિ છે TMC એટલે કે ટ્રાન્સફર માય કમિશન. તેમણે વધુમાં કહ્યું કે તમારો આ જોશ, દરેક સિન્ડિકેટ, દરેક ટોળાબાજના હોશ ઉડાવી રહ્યા છે. દીદીને તમારા જનધન ખાતાથી ડર લાગે છે. બંગાળમાં કરોડો જનધન ખાતા ખુલ્યા, તમારો હક તમને મળે તેની ગેરંટી છે. સાથીઓ તમારી આ ગર્જના જણાવે છે કે દીદી સરકાર જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 

બંગાળની શું હાલત કરી દીદીએ?
તેમણે કહ્યું કે દીદીએ બંગાળની શું હાલત કરી. ક્રાઈમ છે, ક્રિમિનલ છે પરંતુ જેલમાં નથી. માફિયા છે, ઘૂસણખોરો છે પરંતુ ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે. સિન્ડિકેટ છે, સ્કેમ છે, પરંતુ કાર્યવાહી થતી નથી. તેમણે કહ્યું કે હજુ ગઈ કાલે રાતે જ 24 ઉત્તર પરગણામાં ડઝનથી વધુ જગ્યાઓ પર બોમ્બબાજી થઈ. ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા. આ સ્થિતિ ઠીક નથી. આ બદલાની હિંસા, અત્યાચાર, માફિયારાજ હવે વધુ નહીં ચાલે. 

સોનાર બાંગ્લાનું ફરીથી નિર્માણ થશે
પીએમ મોદીએ કહ્યું કે હું બંગાળના લોકોને વિશ્વાસ અપાવું છું, દરેક ભાજપ  કાર્યકરને વિશ્વાસ અપાવું છું કે 2 મેના રોજ ભાજપની સરકાર બન્યા બાદ દરેક અત્યાચારી પર કાયદા મુજબ કાર્યવાહી થશે. ભાજપની સરકારમાં કાયદાનું રાજ ફરીથી સ્થાપિત થશે. તેમણે કહ્યું કે આપણે બધાએ મળીને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિત્વોના સપનાના સોનાર બાંગ્લાનું ફરીથી નિર્માણ કરવાનું છે. એ સોનાર બાંગ્લા જ્યાં બંગાળના સ્વર્ણિમ ગૌરવનો સમાવેશ થશે અને આત્મનિર્ભરનું સામર્થ્ય હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news