વિપક્ષના મહામંથન પર ભાજપનો પ્રહાર, કહ્યું-'અમારી પાસે PM મોદી, તમારી પાસે કોણ?'

2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળો એકજૂથ થવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

વિપક્ષના મહામંથન પર ભાજપનો પ્રહાર, કહ્યું-'અમારી પાસે PM મોદી, તમારી પાસે કોણ?'

નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળો એકજૂથ થવાની તૈયારીઓ કરી રહ્યાં છે. વિપક્ષને એક તાંતણે પરોવવા માટે આજે દિલ્હીમાં એક બેઠક થઈ રહી છે. આ બેઠકનું આયોજન ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિન, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી, આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને એનસીપી સુપ્રીમો શરદ પવારના સામે થવાની સંભાવના છે. આ બેઠક દ્વારા કોંગ્રેસ સતત પ્રદેશના રાજકારણમાં મજબુત સ્થિતિ બનાવવાની તૈયારી કરી રહી છે. 

પહેલા વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરે-વિજયવર્ગીય
એકબાજુ વિપક્ષ મહામંથન કરવાની તૈયારી કરી રહ્યો છે, ત્યાં બીજી બાજુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે વિપક્ષી દળોની આ કવાયત પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નવા જૂથે સૌથી પહેલા તો પોતાના વડાપ્રધાન ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. વિજયવર્ગીયે કહ્યું કે એ ખુબ સારી વાત  છે કે અમારો મુકાબલો કરવા માટે વિપક્ષી દળો ગઠબંધન કરી રહ્યાં છે. પરંતુ સૌથી પહેલા તેમણે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા દો, ત્યારબાદ તેમણે અમારી સામે લડવાના અને અમને હટાવવાના સપના જોવા જોઈએ. 

અમારી પાસે પીએમ મોદી, તમારી પાસે  કોણ?
તેમણે કહ્યું કે અમારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, વડાપ્રધાન પદ માટે તમારા ઉમેદવાર કોણ છે?

શિયાળુ સત્ર પહેલા મહત્વની બેઠક
કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોની બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે સંસદના શિયાળુ સત્રને શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે. એવી અટકળો થઈ રહી છે કે આ બેઠકમાં વિપક્ષ સરકારને ઘેરવા માટે કોઈ ખાસ રણનીતિ પર ચર્ચા કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news