લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, મૃત ચીની સૈનિકોની કબરની VIRAL તસવીરો સાથે કનેક્શન?
લદાખમાં ફરીથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સવાલ એ છે કે એક બાજુ જ્યાં વાતચીત ચાલુ છે ત્યાં આ પ્રકારે ઘર્ષણ કેમ? જેનો જવાબ હાલમાં જ લીક થયેલી ચીની સૈનિકોની કબરની તસવીરો પરથી કદાચ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: લદાખ (Ladakh) માં ફરીથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સવાલ એ છે કે એક બાજુ જ્યાં વાતચીત ચાલુ છે ત્યાં આ પ્રકારે ઘર્ષણ (Clash) કેમ? જેનો જવાબ હાલમાં જ લીક થયેલી ચીની સૈનિકોની કબર (Grave) ની તસવીરો પરથી કદાચ મળી શકે છે. લદાખની ગલવાન ખીણમાં 15-16 જૂનની રાતે ભારતીય સૈનિકોની સાથે થયેલા હિંસક ઘર્ષણમાં માર્યા ગયેલા ચીનના સૈનિકોની કબરની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. આ ઝડપમાં લગભગ 45 જેટલા સૈનિકો માર્યા ગયા હતાં. જો કે ચીને હજુ સુધી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા બતાવી નથી. આ કબરે ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. કબર પર લખેલું છે કે આ સૈનિકો ચીન અને ભારત વચ્ચે થયેલા સરહદ સુરક્ષાના સંઘર્ષમાં જૂન 2020માં માર્યા ગયા હતાં.
15-16 જૂન 2020ની રાતે ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ દગાથી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. પરંતુ દગાથી કરાયેલા આ હુમલો ચીની સૈનિકોને ભારે પડ્યો હતો. આ ખૂની સંઘર્ષમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. જ્યારે 45થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા હોવાની જાણકારી મળી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
માર્યા ગયેલા ચીની સૈનિકોની તસવીરમાં સૈનિકની પૂરેપૂરી ડિટેલ પણ અપાઈ છે. ચીનની માઈક્રો બ્લોગિંગ સાઈટ જેને ચીની ટ્વિટર કહેવાય છે તેના પર ચીની સૈનિકની આ તસવીર વાયરલ થઈ છે. આ તસવીર સાથે અપાયેલી ચીની સૈનિકની પૂરી જાણકારીએ ચીનની સરકારની પોલ ખોલી નાખી છે. ચીની મામલાના એક્સપર્ટે આ તસવીરની સમીક્ષા કરતા કહ્યું કે આ તસવીર અને તેનું વિવરણ સાચું છે.
ચીને છૂપાવી જાણકારી
ચીને દગાથી કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને ભારતે પૂરતું સન્માન આપ્યું પરંતુ આ બાજુ ચીને પોતાના માર્યા ગયેલા સૈનિકોના સન્માનની વાત તો દૂર પણ તેમની સંખ્યાની પણ જાહેરાત કરી નથી. પરંતુ હવે એક ચીની સૈનિકની કબરની તસવીર વાયરલ થતા રાજકીય વિવાદ પેદા થઈ રહ્યો છે અને સેનામાં પણ વિદ્રોહની આશંકા જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં પાડોશી દેશોની જમીન પર નજર જમાવીને બેઠેલી ચીની સેનામાં હવે તેને લઈને અસંતોષની ભાવના વધવા લાગી છે. સંભવ છે કે ચીની સૈનિકોએ હતાશામાં આવીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર મૂવમેન્ટ વધારી હોય. આખરે તેમના સાથી તો ભારતીય સૈનિકોના હાથે માર્યા ગયા હતાં. હવે જ્યારે સરકાર તેમના સૈનિકોની શહાદતનું સન્માન કરવાની જગ્યાએ તેમના મૃતદેહોનો ચોરી છૂપે અંતિમ સંસ્કાર કરે તો ચીની સૈનિકોમાં અસંતોષ અને ઉદાસીનતાની ભાવના વધે તે સ્વાભાવિક છે.
બીજી બાજુ પોતાના સૈનિકોની શહાદતનું આ પ્રકારે અપમાન કરવાના ખબરથી ચીની સરકાર અને ત્યાંની સેનાની આંતરરાષ્ટ્રીય જગતમાં પણ ખુબ ટીકા થઈ છે. આવામાં એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે સૈનિકોનો જુસ્સો વધારવા માટે ચીની કોમ્યુનિસ્ટ સરકાર અને પીએલએ વચ્ચે એલએસી પર ગતિવિધિઓ વધારવા માટે સહમતિ બની હોય. અત્રે જણાવવાનું કે ચીન ગલવાન ખીણમાં જૂન મહિનામાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં પોતાના સૈનિકોના માર્યા જવાની વાત છૂપાવતું રહ્યું છે. જો કે તેણે એટલું તો કબૂલ્યું જ હતું કે તેને પણ નુકસાન થયું છે. પરંતુ કેટલા સૈનિકો માર્યા ગયા તેના પર અધિકૃત રીતે કશું કહ્યું નથી.
ફરીથી થયું ઘર્ષણ
ભારત અને ચીન (India and China) વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ફરીથી ઘર્ષણ (Clash) થયું હોવાના અહેવાલ છે. લદાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘર્ષણ 29-30 ઓગસ્ટની રાતે થયું હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય સૈનિકોએ પણ ચીની સૈનિકોની આ ઘૂસણખોરી સામે જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ચીનની ચાલાકી જોઈને ભારતીય સેના સંપૂર્ણ અલર્ટ છે. ચીન એક બાજુ વાતચીતનું નાટક કરે છે અને બીજી બાજુ ઘૂસણખોરીની કોશિશ કરે છે.
આ ઝડપ એવા સમયે થઈ છે કે જ્યારે બંને દેશો વચ્ચે સરહદે તણાવ ઓછો કરવા માટે વાતચીતનો દોર ચાલુ છે. રક્ષા મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવાયું છે કે ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉક્સાવ્યાં. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો.
સરકારના નિવેદન મુજબ "29/30 ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ પૂર્વમાં બનેલી સહમતિનો ભંગ કર્યો." ચીની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની ફરીથી એકવાર કોશિશ કરી. પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે ચીની સેના હથિયારો સાથે આગળ વધી તો ભારતીય સેનાએ તેમને રોક્યા અને પાછળ ખદેડી મૂક્યા.
પીઆઈબીના જણાવ્યાં મુજબ ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે