કલામ બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માગતા હતા, કોંગ્રેસનું સમર્થન ન મળ્યું: પુસ્તકમાં દાવો

આ પુસ્તકમાં લખ્યું છે કે, 'ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ 2012માં કલામ સમક્ષ રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેઓ તૈયાર પણ હતા...'

કલામ બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માગતા હતા, કોંગ્રેસનું સમર્થન ન મળ્યું: પુસ્તકમાં દાવો

નવી દિલ્હીઃ એક પુસ્તકમાં દાવો કરાયો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ 2012માં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના સમર્થનની સાથે રાષ્ટ્રપતિ પદની રેસમાં બીજી વખત સામેલ થવા માગતા હતા, પરંતુ તેમણે જોયું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું સમર્થન નથી તો પછી તેઓ તેમાંથી પાછા ખસી ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીને ભારતના 13 રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પ્રણવે પ્રતિભા પાટિલનું સ્થાન લીધું હતું. પ્રતિભા પાટીલ 2007થી 2012 સુધી રાષ્ટ્રપતિ પદે હતા. પ્રતિભા પાટીલ પહેલાં એટલે કે, 2002થી 2007 દરમિયાન એ.પી.જે. અબ્દુલ કલામ દેશના રાષ્ટ્રપતિ હતા. તેઓ દેશના 11મા રાષ્ટ્રપતિ હતા. 

ઈતિહાસકાર રાજમોહન ગાંધીના નવા પુસ્તક 'મોડર્ન સાઉથ ઈન્ડિયાઃ એ હિસ્ટ્રી ફ્રોમ ધ સેવન્ટિન્થ સેન્ચુરી ટી અવર ટાઈમ્સ'માં લખ્યું છે કે, '2007માં રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ ભારતની પ્રાચિન સંસ્કૃતિ પ્રત્યે કલામનો ઉત્સાહ, કેટલાક હન્દુ ધાર્મિક સંગઠન નેતાઓની ખુલ્લા દિલથી પ્રશંસા અને ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવેલા તેમના પ્રથણ કામે તેમને 'હિન્દુ ભારત'ના મનપસંદ મુસ્લિમ બનાવી દીધા હતા.'

સંખ્યાબળના અભાવે ચૂંટણી ન લડી 
રાજમોહને લખ્યું છે કે, "ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ 2012માં કલામ સમક્ષ રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેઓ તૈયાર પણ હતા. જોકે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આ વિચાર ગમ્યો ન હતો. સંખ્યાબળના અભાવના જાણકાર કલામે આ કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહ્યા ન હતા."

રાજમોહન ગાંધીએ વધુમાં લખ્યું છે કે, સમાજવાદી પાર્ટીના તત્કાલિન સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે 2002માં કે.આર. નારાયણનનું સ્થાન લેવા માટે કલામના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા અને ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા મુલાયમ તેમના હાથ નીચે ડીઆરડીઓના પ્રમુખ તરીકે કામ કરી ચૂકેલા કલામને સારી રીતે ઓળખતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news