લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સવારે 8 વાગે મત ગણતરી શરૂ થશે, અડધા કલાકમાં મળશે પહેલો ટ્રેન્ડ
ભારતીય સંસદના નીચલા ગૃહની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટે લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધી યોજાઈ. આજે ચૂંટણીના પરિણામોનો દિવસ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય સંસદના નીચલા ગૃહની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટે લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધી યોજાઈ. આજે ચૂંટણીના પરિણામોનો દિવસ છે. સવારે 8 કલાકથી મત ગણતરી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 542 બેઠકો માટે 8,000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. તામિલનાડુની વેલ્લોર બેઠક પર ગડબડીની ફરિયાદો બાદ પંચે મતદાન સ્થગિત કર્યું હતું. પહેલીવાર ઈવીએમ મત ગણતરીની સાથે VVPATને મેચ કરવાના કારણે પરિણામ આવવામાં વાર લાગે તેવી શક્યતા છે.
મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થશે, સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે દરમિયાન યોજાઈ. જેના આજે પરિણામ જાહેર થનાર છે. મત ગણતરી સવારે 8 કલાકથી શરૂ થઈ જશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. સાડા આઠ વાગે પહેલો ટ્રેન્ડ મળશે. કાઉન્ટિંગ બાદ દરેક વિધાનસભા મત વિસ્તારમાં 5 ઈવીએમના મતો અને વીવીપેટથી નીકળેલી ચીઠ્ઠીઓને મેચ કરાશે. ત્યારબાદ જીતેલા ઉમેદવારને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના કારણે ઔપચારિક રીતે પ્રમાણપત્ર આપવામાં કેટલાક કલાકો વધુ લાગશે. વિરોધ પક્ષોની તો માગણી હતી કે કાઉન્ટિંગ પહેલા મતો અને વીવીપેટની ચીઠ્ઠીઓને મેચ કરવામાં આવે પરંતુ ચૂંટણી પંચે તે ફગાવી દીધી હતી.
ડ્યૂટી પર તહેનાત રહેલા 18 લાખ મતદારોના મતની ગણતરી
ડ્યૂટી પર તહેનાત મતદારો (સર્વિસ વોટર્સ)ની સંખ્યા લગભગ 18 લાખ છે. જેમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ ફોર્સના જવાનો સામેલ છે જે પોતાના સંસદીય મતવિસ્તારથી બહાર તહેનાત છે. વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પદસ્થ રાજનયિક અને કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આ 18 લાખ રજિસ્ટર્ડ મતદારોમાંથી 16.49 લાખ મતદારોએ 17મી મેના રોજ પોતાના રિટર્નિંગ અધિકારીઓને પોસ્ટ દ્વારા મતપત્ર મોકલી દીધો હતો.
જુઓ LIVE TV
અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન
લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલથી 19મી મે સુધીમાં સાત તબક્કામાં થયેલા મતદાનમાં 90.99 કરોડ મતદારોમાંથી લગભગ 67.11 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભારતીય સંસદીય ચૂંટણીમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. ચૂંટણી પંચે જો કે હજુ સુધી ગુરુવારે થનારી મતગણતરીના કેન્દ્રોની સંખ્યા ઉપલબ્ધ કરાવી નથી. પ્રક્રિયા મુજબ પહેલા પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થશે.
542 બેઠકો માટે 8000થી વધુ ઉમેદવારો
સાત તબક્કામાં થયેલા મતદાન બાદ 542 બેઠકો પર 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો 23મીની મતગણતરી બાદ ફેસલો થશે. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના મોટાભાગના તારણોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ફરીથી સત્તામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના પરિણામોને ફગાવતા કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની હાજરીવાળા ગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
આ નેતાઓના ભાવિનો આજે ફેસલો
ચૂંટણીના મેદાનમાં નસીબ અજમાવી રહેલા પ્રમુખ નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિભિન્ન કેન્દ્રીય મંત્રીઓ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિભિન્ન પક્ષોના પ્રમુખ નેતાઓ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે