કર્ણાટકમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો એકબીજા પર જબરદસ્ત શાબ્દિક હુમલો
કર્ણાટકમાં ચૂંટણી હોવાથી હાલમાં પ્રચાર ચાલી રહ્યો છે.
Trending Photos
બેંગ્લુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક હતા અને બંનેએ ભ્રષ્ટાચારથી માંડીને બીજા અનેક મુદ્દા પર એકબીજા પર આકરા કટાક્ષ કર્યા. ગુરુવારે નરેન્દ્ર મોદીએ ત્રણ જ્યારે રાહુલ ગાંધીએ ચાર ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને બેંગ્લુરુની જનસભામાં કહ્યું કે કર્ણાટક સરકાર ભ્રષ્ટાચારના મામલે ‘‘ગોલ્ડ મેડલિસ્ટ’’ છે અને કોંગ્રેસ નેતા ‘‘સત્તાના નશામાં ચુર’’ છે.
રાહુલ ગાંધીએ આ વિશે પલટવાર કરીને બીજેપી પર રાફેલ ફાઇટર પ્લેન સોદામાં ભ્રષ્ટાચાર આચરવાનો તેમજ ભાગેડુ હીરાને વેપારી નીરવ મોદીને બચાવવાનો આરોપ મુક્યો છે. તેણે આ મામલે વડાપ્રધાનની ચુપકીદી પર પણ સવાલ કર્યો છે. નરેન્દ્ર મોદીએ સિદ્ધરમૈયા સરકારને ‘‘સીધા રૂપૈયા સરકાર’’ ગણાવીને કહ્યું કે સામાન્ય વ્યક્તિ લાંચ આપ્યા વગર કોઈ કામ નથી કરી શકતી.
બેલ્લારીમાં નરેન્દ્ર મોદીએ આરોપ મૂકતા કહ્યું હતું કે ''બેલ્લારીથી જ્યારે સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમણે 3000 કરોડ રૂપિયાના પેકેજની વાત કરી હતી. સોનિયાજી ચૂંટણી જીત્યા બાદ પોતાનું વચન ભૂલી ગયા અને સમગ્ર વાત હવામાં ઉડી ગઇ.'' સામા પક્ષે રાહુલે જણાવ્યું હતું કે જ્યારે પણ મોદીજી ગભરાઇ જાય છે, ત્યારે તેઓ કોઈ ન કોઇ વ્યક્તિ વિશે ગમે તે બોલે છે. તેઓ મારા વિશે કંઇ પણ બોલે, મને કોઈ ફરક નથી પડતો. હું મારા પ્રધાનમંત્રી પર વ્યક્તિગત રીતે હુમલો નહીં કરૂં.
રાહુલ ગાંધીએ રેડ્ડી બંધુઓને ટિકિટ આુપવાના બીજેપીના નિર્ણય વિશે કમેન્ટ કરતા કહ્યું કે રેડ્ડી બ્રધર્સને ભાજપ વિધાનસભામાં મોકલવા માંગે છે. ગબ્બર સિંહ ટેક્સ (જીએસટી) બાદ હવે એક પૂર્ણ ગબ્બર સિંહ ગેંગ બની ગઇ છે. અહીં, ગબ્બરની સમગ્ર ગેંગ કાલિયા, સામ્બા ભેગા થઇ ગયા છે. વડાપ્રધાને પણ સર્જિકલ સ્ટ્રાઇક મામલે કોંગ્રેસના વલણની ટીકા કરતા કહ્યું કે અમારા સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇકથી આતંકીઓના હોશ ઉડાવી દીધા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ શરમજનક હરકત કરતા સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાની માગણી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે