રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન, 'પાકિસ્તાન સાથે હવે ફક્ત PoK પર વાતચીત થશે'

રક્ષા મંત્રી રાજનાથ  સિંહે પાકિસ્તાન અને કાશ્મીરને લઈને ખુબ મહત્વનું નિવેદન આપ્યું છે. સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે ત્યાં સુધી કોઈ જ વાતચીત થશે નહીં જ્યાં સુધી તે આતંકવાદ પર રોક ન લગાવે. જો વાતચીત થઈ તો પણ ફક્ત પીઓકે પર થશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન, 'પાકિસ્તાન સાથે હવે ફક્ત PoK પર વાતચીત થશે'

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ  સિંહે પાકિસ્તાન અને કાશ્મીરને લઈને ખુબ મહત્વનું નિવેદન આપ્યું છે. સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે ત્યાં સુધી કોઈ જ વાતચીત થશે નહીં જ્યાં સુધી તે આતંકવાદ પર રોક ન લગાવે. જો વાતચીત થઈ તો પણ ફક્ત પીઓકે પર થશે. અત્રે જણાવવાનું કે રક્ષા મંત્રીએ આજે હરિયાણાના કાલકામાં એક જનસભામાં આ વાત કરી. હાલમાં જ એવા અનેક અહેવાલો આવ્યાં હતાં કે ઈમરાન ખાન સરકારને ડર સતાવી રહ્યો છે કે કલમ 370ની મોટીભાગની જોગવાઈઓ હટાવાયા બાદ ભારત હવે પીઓકેમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે. 

બાલાકોટને પાકિસ્તાનના પીએમએ પણ સ્વીકાર્યું
રાજનાથે કહ્યું કે પુલવામામાં અમારા બહાદુર જવાનો સાથે જે થયું ત્યારબાદ 56 ઈંચની છાતીવાળા અમારા વડાપ્રધાને નિર્ણય લીધો કે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. તમે જોયું કે એરફોર્સના આપણા જવાન બાલાકોટમાં જઈને આતંકીઓનો સફાયો કરવામાં સફળ રહ્યાં. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પીએમ પહેલા કહેતા હતાં કે કશું થયું નથી. એક માણસ પણ મર્યો નથી, હવે પીઓકેમાં જઈને કહી રહ્યાં હતાં કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઈકથી પણ મોટી સ્ટ્રાઈક કરવાનું વિચારી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનના પીએમએ પણ સ્વીકારી લીધુ છે કે બાલાકોટમાં ભારતે મોટી તબાહી મચાવી હતી. 

370 પર અમારો પડોશી દુબળો થઈ રહ્યો છે
પાકિસ્તાન પર પ્રહાર કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે કલમ 370 સમાપ્ત થયા બાદ અમારો એક પડોશી છે, જે દુબળો થઈ રહ્યો છે. તેનું પાચન ખરાબ થઈ ગયું છે. તે હવે દુનિયાના દેશોનો દરવાજો ખખડાવી રહ્યો છે કે અમને બચાવી લો. રાજનાથે કહ્યું કે અમે શું ગુનો કર્યો? તે અટકી અટકીને ધમકી આપ્યાં કરે છે પરંતુ જેને દુનિયા સૌથી શક્તિશાળી દેશ ગણે છે તે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ કહી દીધુ છે કે જાઓ, ભારત સાથે બેસીને વાત કરો, અહીં આવવાની જરૂર નથી. 

જુઓ LIVE TV

હવે જો આગળ વાત થશે તો પીઓકે પર થશે
રક્ષા મંત્રીએ કહ્યું કે હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે સરકાર રહે કે ન રહે, ભારત માતાનું મસ્તક ઝૂકવા દઈશું નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશો વચ્ચે વાત થવી જોઈએ. કઈ વાત પર વાત થવી જોઈએ? કયો મુદ્દો છે, કેમ વાત થવી જોઈએ? તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે વાત ત્યાર થશે જ્યારે તેઓ પોતાની ધરતીથી સંચાલિત થઈ રહેલો આતંકવાદ ખતમ કરશે. જો આમ ન થાય તો પછી પાકિસ્તાન સાથે વાત કરવાનું કોઈ કારણ નથી. રાજનાથ સિંહે કહ્યું કે આગળ પણ જે વાત થશે તે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર વાત થશે બીજા કોઈ મુદ્દા પર વાત થશે નહીં. 

રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રીય સ્વાભિમાનના મુદ્દાઓ સાથે અમારી સરકારે સમાધાન કર્યું નથી કે જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ. તેમણે કહ્યું કે અમે જે કઈ અમારા ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું તેનો અક્ષરે અક્ષર પાલન કરી રહ્યાં છીએ. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હતી, ભારત આઝાદ થઈ ગયું છતાં દેશમાં 2 બંધારણ અને બે નિશાન હતાં. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે નહીં ચાલે. ચપટી વગાડતા અમે તેને સમાપ્ત કરી દીધા. લોકો કહેતા હતાં કે કલમ 370ને જો કોઈ સ્પર્શ કરવાની કોશિશ કરશે તો દેશ વહેંચાઈ જશે. લોકો કહેતા હતાં કે જો આમ થયું તો ભાજપ ક્યારેય સત્તામાં નહીં આવી શકે. હું કહેવા માંગુ છું કે ભાજપ ફક્ત સરકાર બનાવવા માટે રાજકારણ નથી રમતો પરંતુ તે દેશ બનાવવા માટે રાજકારણ રમે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news