મુંબઈની 3-4 બેઠકોને બાદ કરતા સમગ્ર મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થશે: સંજય નિરૂપમ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને બળવો જોવા મળી રહ્યો છે.

મુંબઈની 3-4 બેઠકોને બાદ કરતા સમગ્ર મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થશે: સંજય નિરૂપમ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને બળવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમે પોતાની જ પાર્ટી પર નિશાન  સાધતા કહ્યું કે વર્સોવાની સીટ પરથી મેં મારી પસંદના ઉમેદવારની માગણી કરી હતી. પરંતુ નિરાશા સાંપડી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે સોનિયા ગાધી પાસે બેઠેલા લોકો ષડયંત્ર રચી રહ્યાં છે. પાર્ટીમાં જૂની પરંપરા ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસની સિસ્ટમમાં ગડબડી આવી ગઈ છે. જો સુધાર ન થયો તો આખી પાર્ટી તબાહ થઈ જશે. 

સંજય નિરૂપમે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેની પાસે હું ગયો પરંતુ તેઓ મને ન મળ્યાં. જો કોંગ્રેસની આ જ હાલત રહેશે તો હું વધુ દિવસ પાર્ટીમાં રહીશ નહીં. જે દિવસે દર્દ સહન કરવાની ક્ષમતા જવાબ આપશે તે દિવસે હું નિર્ણય લઈ લઈશ. તેમણે કહ્યું કે "હું પાર્ટી છોડવા માંગતો નથી પરંતુ જો પાર્ટીની અંદર બધુ આમ જ થતું રહેશે તો હું લાંબો સમય કોંગ્રેસમાં નહીં રહું. હું ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈશ નહીં."

સંજય નિરૂપમે એમ પણ કહ્યું કે અમુક બેઠકોને બાદ કરતા કોંગ્રેસ ઉમેદવારોની મહારાષ્ટ્રમાં ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં હવે ફિડબેક સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. આમ જ ચાલ્યું તો લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહી શકશે નહીં. તેમના કહેવા મુજબ કોંગ્રેસનું આખું મોડલ જ દોષયુક્ત છે. 

કોંગ્રેસના નેતાઓમાં અસંતોષ
અત્રે જણાવવાનું કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસમાં તણાવ ચરમસીમાંએ જોવા મળ્યો છે. હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે ઈલેક્શન કેમ્પેઈન સંબંધિત બધી સમિતિઓમાંથી રાજીનામા આપી દીધા છે. ટ્વીટર પર જાહેર કરેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ટિકિટ ફાળવણી અને તેમના મતની અવગણનાને ધ્યાનમાં રાખીને તેમણે આમ કર્યું છે. આ બાજુ મહારાષ્ટ્રમાં પણ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે તો પાર્ટી છોડવાની ધમકી આપી દીધી છે. 

જુઓ LIVE TV

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ટિકિટ ફાળવણીને લઈને પોતાની નારાજગી ખુલ્લેઆમ રજુ કરી છે. નિરૂપમે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને કહ્યું છે કે કદાચ પાર્ટીને હવે તેમની સેવાઓની જરૂર નથી. અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના નેતા વિપક્ષ રહી ચૂકેલા રાધાકૃષ્ણ વિખે પાટીલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને કેસરિયો ધારણ કરી ચૂક્યા છે. 

સંજય નિરૂપમે ટિકિટ વહેંચણીમાં પોતાની અવગણના થતા ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે એવું લાગે છે કે પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. મુંબઈમાં મેં વિધાનસભા ચૂંટણી માટે ફક્ત એક નામની ભલામણ કરી હતી. મને ખબર પડી છે કે તે પણ ફગાવી દેવાયું. મે નેતૃત્વને પહેલા જ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં હું ચૂંટણી પ્રચારમાં ભાગ લઈશ નહીં. આ મારો છેલ્લો નિર્ણય છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે મને આશા છે કે પાર્ટીને  ગુડ બાય કહેવાનો સમય નહીં આવે. પરંતુ લીડરશીપ જે રીતે મારી સાથે વર્તન કરી રહી છે કે તે જોતા મને એવું લાગે છે કે હવે તે દિવસ દૂર નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news