વિપક્ષના હંગામાના કારણે આજે RSમાં રજૂ ન થઇ શક્યું ટ્રિપલ તલાક બિલ, શિયાળુ સત્ર સુધી ટળ્યું

રાફેલ વિમાન સોદાની સંયુક્ત સંસદીય (જેપીસી)ની તપાસ કરાવવાની માંગ કરી રહેલા કોંગી સદસ્યોના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે વધુ એકવાર સ્થગિત કરવામાં આવી હતી.

Updated: Aug 10, 2018, 03:35 PM IST
વિપક્ષના હંગામાના કારણે આજે RSમાં રજૂ ન થઇ શક્યું ટ્રિપલ તલાક બિલ, શિયાળુ સત્ર સુધી ટળ્યું
ફાઈલ ફોટો

નવી દિલ્હી : રાફેલ વિમાન સોદાની સંયુક્ત સંસદીય (જેપીસી)ની તપાસ કરાવવાની માંગ કરી રહેલા કોંગી સદસ્યોના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે વધુ એકવાર સ્થગિત કરવામાં આવી હતી. સંસદની બેઠક શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યોએ આ મામલે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે આમ સહમતિ બની શકી નહીં અને ટ્રિપલ તલાક બિલ ચોમાસુ સત્રમાં રજુ થઈ શક્યું નહીં. હવે એવી આશા છે કે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે. 

સંસદના ચોમાસું સત્રનો આજે આખરી દિવસ હતો. સરકાર અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી હતી. સરકારનો પ્રયાસ હતો કે કોઇ પણ સંજોગોમાં ટ્રિપલ તલાક બિલને આજે સંસદનાં રજુ કરી દેવું. તો બીજી તરફ કોંગ્રેસ તપાસની માંગને લઇને હંગામો કરી રહી હતી.  કોંગ્રેસ અને વિપક્ષના જોરદાર હંગામાને પગલે સંસદની કાર્યવાહી અગાઉ બે વખત સ્થગિત કરવામાં આવી હતી. 

આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાના હેતુથી અને તેના ઉપર રણનીતિ બનાવવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્રિપલ તલાક પર વરિષ્ઠ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને વિજય ગોયલ સામેલ હતાં. આ અગાઉ આજે સવારે પણ અમિત શાહે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી હતી.

ઉપસભાપતિ હરિવંશે સવારે સત્રનું સંચાલન કર્યું અને તેઓ જેવા આસન પર બેઠા કે રાજ્યસભાના સાંસદોએ તેમનું સ્વાગત કર્યું. ઉપસભાપતિએ હંગામો કરી રહેલા સભ્યોને અપીલ કરી કે તેઓ સદનને શૂન્યકાળમાં ચાલવા દે. વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો કે રાફેલ ડીલ એક મોટું કૌભાંડ છે અને તેમણે તેની જેપીસી પાસે તપાસ કરાવવાની માગ કરી. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે તેમણે નિયમ 267 હેઠળ એક નોટિસ આપી છે. જેના પર ઉપસભાપતિએ કહ્યું કે સભાપતિએ તેમની નોટિસનો સ્વીકાર કર્યો નથી. 

શૂન્યકાળમાં જ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને વ્યવસ્થાનો પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે શુક્રવારે લન્ચ ટાઈમ બાદ બિનસરકારી કામકાજ થાય છે અને તે સમયગાળામાં વિધાયી કાર્ય થઈ શકતા નથી. જેના પર સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે કાર્ય મંત્રણા સમિતિ (બીએસી)ની બેઠકમાં એ સહમતિ બની હતી કે શુક્રવારે વિધાયી કાર્ય કરવામાં આવશે  કારણ કે દ્રમુક નેતા કરુણાનિધિના સન્માનમાં સદનની બેઠક દિવસભર સ્થગિત કરવામાં આવી હતી. જો કે ડેરેક અને આનંદ શર્માએ કહ્યું કે બીએસીમાં એવી કોઈ સહમતિ બની નહતી. ગોયલે આરોપ લગાવ્યો કે વિપક્ષ નથી ઈચ્છતો કે ટ્રિપલ તલાક બિલ પસાર થાય. 

ત્યારબાદ સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે બીએસી બેઠકમાં સૂચન અપાયું હતું કે શુક્રવારે વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. સદનમાં હંગામા વચ્ચે જ શૂન્યકાળ ચાલ્યો. એકવાર સપાના બે સભ્યો આસન સમક્ષ પણ આવી ગયાં. સભ્યોના શોરગુલ વચ્ચે જ લોકમહત્વના વિષય હેઠળ પોતપોતાના મુદ્દા ઉઠાવ્યાં. હંગામાને જોતા ઉપસભાપતિએ 11.55 વાગે બેઠક 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. 

એકવારના સ્થગન પછી બેઠક બપોરે 12 વાગે ફરી શરૂ થઈ અને સદનનો નજારો જોતા સભાપતિ નાયડુએ બેઠક બપોરે અઢી વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.