4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી

બનાસકાંઠાની બનાસ ડેરી (banas dairy) એ ટોપ 10 સફળ મહિલા પશુપાલકો (Milk producers) ની યાદી જાહેર કરી, જેમાં 64.5 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને પાલનપુરના ગંગાબહેને ચોથા ક્રમે સ્થાન મેળવ્યું છે

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાની બનાસ ડેરી (banas dairy) એ ટોપ 10 સફળ મહિલા પશુપાલકો (Milk producers) ની યાદી જાહેર કરી છે. જેમાં સૌથી પહેલા ક્રમે આવેલાં નવલબેન ચૌધરીએ 87 લાખ 95 હજાર રૂપિયાનું દૂધ ભરાવીને અવ્વલ સ્થાન મેળવ્યું છે. નવલબેન વડગામ તાલુકાના નગાણા ગામનાં છે. ધાનેરા તાલુકાના વિજાપુર-ચરાડાનાં કનુબેન માળવીએ 73 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને બીજું સ્થાન મેળવ્યું છે. વડગામ તાલુકાના જોઈતા ગામનાં હંસાબેન ચાવડાએ 72 લાખ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ચોથા ક્રમે છે પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામનાં ગંગાબેન ગણેશભાઈ લોહ રહ્યાં છે. 64.5 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને ગંગાબહેને ચોથા ક્રમે સ્થાન મેળવ્યું છે. પાંચમા ક્રમે છે થરાદના બેવટા ગામનાં મહિલા પશુપાલક દેવિકાબેન રબારી. તેમણે 62 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને રેકોર્ડ સર્જ્યો છે. 

1998 બાદ ક્યારેય પાછુ વળીને નહિ જોયું

1/3
image

વ્હાઈટ કોલર જોબની આશા રાખતા યુવાનો માટે આ સફળ મહિલા પશુપાલકો એ સંદેશો આપે છે કે કોઈ પણ જો ખંતથી કરવામાં આવે તો સફળતા સામે ચાલીને મળે છે. આ યાદીમાં 10 ક્રમે જે સફળ મહિલા આવ્યાં છે તેમની આવક પણ અડધા કરોડથી વધારે છે. સફળ મહિલા પશુપાલકોમાંથી એક એવાં ગંગાબેનના ઘરે ZEE 24 કલાકની ટીમ પહોંચી છે. વર્ષ 1998માં ગંગાબહેને એક પશુથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે તેમના તબેલામાં 110 દૂધાળાં પશુ છે અને આઠ લોકો તેમની સાથે કામ કરે છે. એટલું જ નહિ, આખો પરિવાર હવે પશુપાલનમાં જોડાઈ ગયો છે અને દૂધ ભરાવવા માટે ટ્રેક્ટર અને ગાડી વસાવી છે. પશુઓ માટે શેડની સુવિધા અને દૂધ દોહવા માટે મિલ્ક મશીન પણ તેમણે વસાવ્યું છે. ગંગાબહેન બનાસડેરીમાંથી 4 વખત સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ જીત્યાં છે. 

માત્ર 1 પશુથી શરૂઆત કરી હતી

2/3
image

બનાસકાંઠાના સાગ્રોસણ ગામની અભણ મહિલા ગંગાબેન 4 કલેક્ટરના પગાર જેટલી આવક મેળવી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગંગાબેન લોહનું નામ મોખરે આવે છે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ગંગાબેન વર્ષે દહાડે 70 લાખ રૂપિયાનું દૂધ ભરાવી સમાજમાં સ્વમાનભેર જીવી રહ્યા છે. ગરીબ કુટુંબમાંથી આવતા ગંગાબેને 1998માં માત્ર 1 પશુથી પશુપાલનની શરૂઆત કરી હતી. આજે ગંગાબેન પાસે 110 દુધાળા પશુ છે. અદ્યતન ટેકનોલોજીથી પશુપાલનનો વ્યવસાય કરી આજે દૂધ ભરાવવામાં બનાસકાંઠામાં ચોથા નંબરે આવે છે. શરૂઆતમાં કષ્ઠ વેઠી પશુપાલનનો વ્યવસાય શરૂ કરનાર ગંગાબેનના હાથ નીચે આજે 8 લોકો કામ કરે છે. ટ્રેકટર ગાડી ઉપરાંત દૂધ લાવવા લઈ જવા રીક્ષા પણ વસાવી છે. સાથે સાથે પશુઓ માટે શેડ ઘાસચારાની વ્યવસ્થા થકી ગંગાબેન અગ્રેસર છે. પોતે અભણ હોવા છતાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી અને પોતાની દીર્ઘ દ્રષ્ટિનો પરિચય આ સ્વમાની મહિલાએ આપ્યો છે.

નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મેળવી ચૂક્યા છે ગંગાબેન

3/3
image

બનાસડેરી દ્વારા 4 એવોર્ડ પણ ગંગાબેન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમનો આખો પરિવાર આ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે 4 કલેક્ટરના પગારની બરાબરી કરતી આ અભણ મહિલા ગંગાબેન નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. બનાસ ડેરીમાં 65 લાખની આસપાસનું દૂધ ભરાવનાર ગંગાબહેન કહે છે કે, પહેલા મારી પાસે ઓછા પશુ હતા. હવે વધારે છે. હું 65 લાખનું વર્ષે દૂધ ભરાવું છું. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, ત્યારે તેઓએ પણ મને એવોર્ડ આપ્યો હતો. તો પત્નીના વખાણ કરતા ગણેશભાઈ લોહ કહે છે કે, મારી પત્નીએ ખૂબ જ મહેનત કરીને પશુપાલનનો ધંધાને વિકસાવીને અમને આગળ લાવ્યા છે.