Pics : હૈયુ કંપાવી દેનારી સુરત આગકાંડની ઘટના ગણેશ પંડાલમાં જીવંત કરાઈ, આગમાંથી કૂદતા વિદ્યાર્થીઓ બતાવાયા
સુરત :દેશભરમાં ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતના અનેક ગણેશ પંડાલમાં સોશિયલ અવેરનેસ ફેલાવતા મેસેજ આપતુ ડેકોરેશન કરવામાં આવ્યું છે. પરંતુ સુરતનું એક ગણેશ પંડાલ અનોખી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. સુરતના અડાજણમાં ગણેશ પંડાલમાં તક્ષશિલા આર્કેડ આગકાંડની પ્રતિકૃતિ તૈયાર કરી 22 માસૂમોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
ગણેશોત્સવ દરમિયાન દેશભરમાં અલગ-અલગ થીમ પર વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પણ ગણેશજીની વાજતે-ગાજતે સ્થાપના કરવામાં આવી છે. આ ગણેશ પંડાલ ખાસ એટલા માટે ચર્ચામાં છે, કેમ કે અહીં સુરતના તક્ષશિલા આર્કેડ આગકાંડની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. હૈયુ કંપાવી દેનારી આ ઘટનાની થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આગકાંડમાં જે 22 માસૂમોએ જીવ ગુમાવ્યા હતા તેમને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
ગણેશ પંડાલમાં ફાયર બ્રિગેડ, તક્ષશીલા બિલ્ડીંગ, બિલ્ડિંગમાંથી પડતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના મૃતદેહ સહિતની કૃતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે બાળકો તક્ષશિલા આર્કેડમાંથી પડી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો સેલ્ફી અને વીડિયો લેવામાં વ્યસ્ત હતા. આ કૃતિ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે, કે જો તેમણે કદાચ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હોત, તો એકાદ ઘરનો ચિરાગ હજુ જીવતો હોત.
હજુ પણ જ્યારે આગકાંડની વાત આવે ત્યારે નજર સમક્ષ તક્ષશિલા આર્કેડની બિલ્ડીંગ નજર સામે દેખાઈ આવે છે. આવી થીમને કારણે રોજેરોજ હજ્જારો લોકો પંડાલને નિહાળવા આવી રહ્યાં છે. વિઘ્નહર્તાના દર્શન કરવાની સાથે લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Trending Photos