IPL 2020: કોહલીને સૌથી વધુ તો શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે મળે છે સૌથી ઓછો પગાર

આઈપીએલ 2020મા જે કેપ્ટનનો સૌથી ઓછો પગાર છે, તે રકમ 7 કરોડ રૂપિયા છે. તો જે કેપ્ટનને સૌથી વધુ પગાર મળે છે તે રકમ 17 કરોડ રૂપિયા છે. આઈપીએલમાં 6 ભારતીય કેપ્ટન તો બે વિદેશી કેપ્ટન ઉતરશે.

IPL 2020: કોહલીને સૌથી વધુ તો શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે મળે છે સૌથી ઓછો પગાર

નવી દિલ્હીઃ IPL 2020 All Captains List: સંયુક્ત અરબ અમીરાત  (UAE)મા શનિવાર 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થવાની છે. યૂએઈના દુબઈ, શારજાહ અને અબુધાબીમાં આઈપીએલ 2020ની મેચ રમાવાની છે, જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. આજે અમે તમને આઈપીએલની બધી ફ્રેન્ચાઇઝીઓના કેપ્ટન અને તેને મળતા પગાર વિશે માહિતી આપીશું. આ રકમ માત્ર તેની રિટેનરશિપ રકમ છે, જે કેપ્ટન અને બધા ખેલાડીઓને ત્રણથી ચાર હપ્તામાં આઈપીએલ પૂરી થયા સુધી મળી જાય છે. આ સિવાય તેને મેચ ફી અને અન્ય ભથ્થા મળે છે, પરંતુ હાલ અમે તેના પગારની માહિતી આપી રહ્યાં છીએ. આઈપીએલ 2020મા જે કેપ્ટનનો સૌથી ઓછો પગાર છે, તે રકમ 7 કરોડ રૂપિયા છે. તો જે કેપ્ટનને સૌથી વધુ પગાર મળે છે તે રકમ 17 કરોડ રૂપિયા છે. આઈપીએલમાં 6 ભારતીય કેપ્ટન તો બે વિદેશી કેપ્ટન ઉતરશે.

શ્રેય્યસ અય્યર (DC) પગાર- 7 કરોડ રૂપિયા
વર્ષ 2018મા જ્યારે ગૌતમ ગંભીરે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યું હતું તો યુવા ખેલાડી શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેણે IPL 2019 મા આગેવાની કરી અને ટીમ ક્વોલિફાયર્સમાં પહોંચી હતી. હવે અય્યર 2020મા કમાન સંભાળવા માટે તૈયાર છે. એક ખેલાડી અને કેપ્ટન તરીકે તેને આ આઈપીએલમાં 7 કરોડ રૂપિયા મળવાના છે. 

દિનેશ કાર્તિક (KKR) પગાર- 7.40 કરોડ રૂપિયા
આઈપીએલમાં બે વખત વિજેતા બનેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરના કેપ્ટન રહેલા દિનેશ કાર્તિકે 2018ની સીઝનમાં ટીમને ક્વોલિફાયર સુધી પહોંચાડી હતી, જ્યારે 2019ની સીઝનમાં ટીમ અંતિમ-4મા પહોંચવામાં નિષ્ફળ રહી હતી. તેમ છતાં કોલકત્તાએ આ વર્ષે પણ કાર્તિકને કેપ્ટન તરીકે રિટેઅન કર્યો છે. કેપ્ટન દિનેશ કાર્તિકને આ વર્ષે કોલકત્તા તરફથી 7.4 કરોડ રૂપિયા મળવાના છે.

કેએલ રાહુલ (KXIP) પગાર- 11 કરોડ રૂપિયા
લોકેશ રાહુલ પ્રથમવાર આઈપીએલમાં આગેવાની કરવાનો છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેને આર અશ્વિનના સ્થાને કેપ્ટન બનાવ્યો છે. કેએલ રાહુલ કોચ અનિલ કુંબલેના માર્ગદર્શનમાં ટીમને પ્રથમવાર આઈપીએલ ટાઇટલ અપાવવા માટે તૈયાર છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેને 11 કરોડ રૂપિયાની રકમમાં ખેલાડી અને કેપ્ટન તરીકે રિટેઇન કર્યો છે. 

ડેવિડ વોર્નર  (SRH)  પગાર- 12.50 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદના સફળ કેપ્ટન ડેવિડ વોર્નર ફરી એકવાર ટીમની કમાન સંભાળવાનો છે. ડેવિડ વોર્નરે હૈદરાબાદને એકવાર ચેમ્પિયન બનાવ્યું છે. તો સનરાઇઝર્સે વોર્નરને આઈપીએલ 2020 માટે મોટી રકમમાં રિટેઇન કર્યો છે. ખેલાડી અને કેપ્ટન તરીકે વોર્નરને હૈદરાબાદની ફ્રેન્ચાઇઝી સીઝન 13 માટે 12.50 કરોડ રૂપિયા આપશે. 

સ્ટીવ સ્મિથ (RR) પગાર- 12.50 કરોડ રૂપિયા
ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સની ટીમે પાછલા વર્ષે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. આઈપીએલ વચ્ચે રહાણેને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ સ્મિથને કમાન સોંપવામાં આવી હતી. તો સ્મિથ 2020ની સીઝનમાં રાજસ્થાનની કમાન સંભાળવા માટે તૈયાર છે. રાજસ્થાન રોયલ્સે તેને 12.50 કરોડ રૂપિયામાં રિટેઇન કર્યો છે. 

રોહિત શર્મા (MI) પગાર- 15 કરોડ રૂપિયા
આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સને ચાર વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને દેશના સૌથી અમીર પરિવાર (અંબાણી પરિવાર)ની માલિકી વાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડી અને કેપ્ટન તરીકે રિટેઇન કર્યો છે. આઈપીએલ 2020મા રોહિતને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી 15 કરોડની મોટી રકમ મળવાની છે. આ રકમનો તે હકદાર પણ છે, કારણ કે તેણે ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવી છે. 

એમએસ ધોની  (CSK)  પગાર- 15 કરોડ રૂપિયા
ચેન્નઈ સુપર કિંગ્સે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન એમએસ ધોનીને આઈપીએલ 2020 માટે 15 કરોડ રૂપિયામાં કેપ્ટન અને ખેલાડી તરીકે રિટેઇન કર્યો છે. એમએસ ધોની સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે. આઈપીએલમાં ત્રણવાર ચેમ્પિયન બનવાની સાથે ધોનીની આગેવાનીમાં સીએસકેની ટીમ દર વખતે ક્વોલિફાયરમાં પહોંચી છે. 

વિરાટ કોહલી  (RCB)  પગાર- 17 કરોડ રૂપિયા
આઈપીએલ 2020મા સૌથી મોંઘો કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ સીઝન માટે 17 કરોડ રૂપિયા આપ્યા છે. વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકે આરસીબીને ઘણી મેચમાં વિજય અપાવ્યો છે, પરંતુ તે અત્યાર સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી. તેવામાં આ રકમ તેને બેટ્સમેન તરીકે તો સૂટ કરે છે, પરંતુ કેપ્ટન તરીકે તે સફળ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news