INDvsAUS T20:મેક્સવેલની સદી, ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી સિરીઝ કરી કબજે
ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે પરાજય આપીને બે મેચોની સિરીઝ 2-0થી કબજે કરી છે.
Trending Photos
બેંગલુરૂઃ ગ્લેન મેક્સવેલની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી ટી20 મેચમાં ભારતને સાત વિકેટે પરાજય આપીને બે મેચોની ટી20 સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બે બોલ બાકી રાખીને 7 વિકેટે વિજય મેળવી લીધો હતો. ગ્લેન મેક્સવેલે 55 બોલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. આ સિવાય ડી આર્સી શોર્ટે 40 અને પીટર હૈંડ્સકોમ્બ 20 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સાથે ભારતે 2015 બાદ ઘરઆંગણે કોઈ નિર્ધારિત ઓવરની સિરીઝ ગુમાવી છે. અણનમ સદી ફટકારનાર ગ્લેન મેક્સવેલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સ્ટોઇનિસ અને ફિન્ચ ફરી ફેલ
191 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓસિની ઈનિંગની ત્રીજી ઓવરમાં પોતાની પ્રથમ ઓવર કરી રહેલા સિદ્ધાર્થ કૌલે માર્કસ સ્ટોઇનિસને 7 રને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન એરોન ફિન્ચ પણ ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 8 રન બનાવી વિજય શંકરનો શિકાર બન્યો હતો.
મેક્સવેલ અને ડાર્સી શોર્ટને સંભાળી ઓસિની ઈનિંગ
22 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન મેક્સવેલ અને ડાર્સી શોર્ટે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન મેક્સવેલે સિરીઝમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. જ્યારે ડાર્સી શોર્ટ 28 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. તેણે 6 બાઉન્ડ્રી ફટકારી હતી.
મેક્સવેલની સદી
ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
ભારતે બનાવ્યા 190 રન
ભારતે 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 190 રન કર્યા છે. ભારત માટે વિરાટ કોહલીએ સર્વાધિક 38 બોલમાં 72 રન કર્યા હતા. તેના સિવાય લોકેશ રાહુલે 47 રન અને એમએસ ધોનીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. કોહલીની ટીમે મેચમાં ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ 10 ઓવરમાં માત્ર 73 રન કર્યા બાદ ટીમે અંતિમ 10 ઓવરમાં 117 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે જેસન બેહરેનડોર્ફ, નેથન કુલ્ટર નાઇલ, ડાર્સી શોર્ટ અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી હતી.
કોહલી-ધોનીની શાનદાર બેટિંગ
ભારતીય ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહીએ 2 ફોર અને 6 સિક્સની મદદથી 38 બોલમાં 72 અને દિનેશ કાર્તિક 3 બોલમાં 8 રન બનાવી અણનમ રહ્યાં હતા. કોહલીએ ટી20 કરિયરની 20મી અડધી સદી ફટકારી હતી. તેણે મહેન્દ્ર સિંહ ધોની સાથે ચોથી વિકેટ માટે 50 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી. ધોનીએ 23 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.
રાહુલે ભારતને અપાવી આક્રમક શરૂઆત
ભારતીય ટીમને ઓપનર કેએલ રાહુલે શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે શિખર ધવન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. તે ણે 26 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી અને 4 સિક્સ ફટકારી હતી. તે 47 રન બનાવી આઉટ થયો હતો.
પંતનો ફ્લોપ શો
યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે પણ ફ્લોપ રહ્યો હતો. તે 6 બોલમાં માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. ડાર્સી શોર્ટની બોલિંગમાં બેહરેનડોર્ફે પંતનો શાનદાર કેચ ઝડપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે