INDvsSA: વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટ, રોહિત પ્રથમવાર કરશે ઓપનિંગ

યજમાન હોવાને નાતે ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તેવામાં ભારતીય ટીમમાં રોહિત શર્મા પર વધુ નજર રહેશે.   

Updated By: Oct 1, 2019, 08:33 PM IST
INDvsSA: વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટ, રોહિત પ્રથમવાર કરશે ઓપનિંગ

વિશાખાપટ્ટનમઃ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતીય ટીમ પોતાના ઘરમાં પ્રથમ ટેસ્ટ મેચ બુધવારથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમશે. ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં બંન્ને ટીમોની નજર લીડ હાસિલ કરવા પર હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ 1-1થી બરોબર રહી હતી. ભારતીય સમયા મુજબ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. 

યજમાન હોવાને નાતે ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તેવામાં ભારતીય ટીમમાં સૌથી નજર રોહિત શર્મા પર વધુ હશે. સીમિત ઓવરોમાં મોટી-મોટી ઈનિંગ રમવા માટે જાણીતો રોહિત ટેસ્ટમાં તે માટે પણ ચર્ચામાં છે, કારણ કે તેને આ સિરીઝમાં પ્રથમવાર ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિતે અત્યાર સુધી ટેસ્ટમાં મધ્યમક્રમમાં બેટિગં કરી છે પરંતુ રાહુલના ખરાબ ફોર્મને કારણે તેને ટેસ્ટમાં ઈનિંગની શરૂઆત કરવાની તક મળી રહી છે. 

આફ્રિકા સામે પ્રેક્ટિસ મેચમાં રોહિત શૂન્ય પર આઉટ થયો હતો. તે મેચમાં માત્ર બે બોલ રમી શકવાને કારણે રોહિત પર પોતાને સાબિત કરવાનો દબાવ વધી ગયો છે. 

ભારતની ટેસ્ટમાં બેટિંગ મજબૂત છે. મયંક અગ્રવાલે વેસ્ટ ઈન્ડિઝ સામે એક અડધી સદી ફટકારી હતી. કેપ્ટન કોહલી અને રહાણે પણ ફોર્મમાં છે. પરંતુ રહાણે સામે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાનો પડકાર છે. પૂજારા પણ મોટી ઈનિંગ રમવા આતૂર છે. નિચલા ક્રમમાં હનુમા વિહારીએ ટીમનો ભાર ઉઠાવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. 

કોહલીએ આ મેચ માટે યુવા વિકેટકીપર રિષભ પંતને બહાર કરીને અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાને તક આપી છે. ઈજામાથી વાપસી કર્યા બાદ આ સાહાની પ્રથમ સિરીઝ હશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેને અંતિમ-11મા તક મળી નહતી. ઈજાને કારણે બહાર થતાં પહેલા તે બેટથી પણ સારા ફોર્મમાં હતો અને વિકેટકીપિંગ પણ શાનદાર કરી રહ્યો હતો. સાહાની સામે પોતાના ફોર્મને જાળવી રાખવાનો પડકાર હશે. 

બોલિંગમાં ભારતને બુમરાહની ખોટ પડી શકે છે. તે ઈજાને કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે. 

કોહલીએ રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડીને એકવાર ફરી અંતિમ-11મા તક આપી છે. આ બંન્ને સિવાય વિહારી પણ ઓફ સ્પિનર છે. 

સ્પિન આક્રમણનો સામનો કરવો આફ્રિકા માટે હંમેશા મુશ્કેલ રહ્યો છે. તેવામાં ત્રણ સ્પિનરોનો સામનો અનુભવહિન આફ્રિકા કઈ રીતે કરે છે તે જોવાનું રહેશે. 

મહેમાન ટીમની બેટિંગ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ડી કોક પર વધુ નિર્ભર રહેશે. ડીન એલ્ગર, અને એડન માર્કરામ તથા નવા વાઇસ કેપ્ટન ટેમ્બા બાવુમાનું યોગદાન પણ મહત્વનું રહેશે.

બોલિંગમાં તેના માટે કગિસો રબાડા મહત્વનો છે. રબાડાને ભારતમાં રમવાનો સારો અનુભવ છે. વાર્નોન ફિલાન્ડર અને લુંગી એનગિડી માટે ભારતની પરિસ્થિતિઓમાં બોલિંગ કરવી સરળ રહેશે નહીં. સ્પિનર કેશવ મહારાજ પાસે ટીમને મોટી આશા છે. 

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણા (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી. 

દક્ષિણ આફ્રિકાઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઇસ કેપ્ટન), થેયુનિસ ડે બ્રયૂન, ક્વિન્ટન ડી કોક, ડીન એલ્ગર, ઝુબાયર હમ્જા, કેશવ મહારાજ, એડિન માર્કરામ, સેનુરાન મુતુસામી, લુંગી એન્ગિડી, એનરિક નોર્ત્જે, વાર્નોન ફિલાન્ડર, ડેન પિએડ્ટ, કગિસો રબાડા, રૂડી સેકેન્ડ.