વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

વિજય હજારે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પાર્થિવ પટેલ (76)ની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાતે દિલ્હીને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. પાર્થિવની સાથે તેના ઓપનિંગ જોડીદાર પ્રિયાંક પંચાલે પણ 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

બેંગલુરૂઃ બોલરોના દમદાર પ્રદર્શન બાદ કેપ્ટન પાર્થિવ પટેલ (76) અને પ્રિયાંક પંચાલ (80) વચ્ચે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારીથી ગુજરાતે વિજય હજારે વનડે ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં રવિવારે અહીં દિલ્હીને વીજેડી પદ્ધતિથી 6 વિકેટે પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ દિલ્હીની ટીમ 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન ખરાબ હવામાનને કારણે રમત રોકવી પડી અને મેચને 49 ઓવરની કરી દેવામાં આવી હતી. 

ગુજરાતની વીજેડી મેથડથી 49 ઓવરમાં જીત માટે 225 રનનો લક્ષ્ય મળ્યો પરંતુ ટીમે 37.5 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 225 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના કેપ્ટન ધ્રુવ શોરે (91) સદી બનાવવાથી ચુકી ગયો હતો. તેણે 109 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

નિતીશ રાણા (33), હિમ્મત સિંહ (26) અને લલિત યાદવ (28) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. ગુજરાત માટે ચિંતન ગજા અને અરજાન નગવાસ્વલ્લાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે પીયૂષ ચાવલાએ બે બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. નાના લક્ષ્યનો ગુજરાતે આક્રમક અંદાજમાં પીછો કર્યો હતો. 

પાર્થિવ અને પંચાલે 23.1 ઓવરમાં 150 રનની ભાગીદારી કરી હતી. પાર્થિવ આ દરમિયાન આક્રમક રહ્યો, જેણે 60 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પંચાલે 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ ભાગીદારીને મનન શર્માએ તોડી હતી. 

ત્યારબાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલ ધ્રુવ રાવલ (અણનમ 34)એ એક છેડો સંભાળી રાખ્યો હતો. દિલ્હી માટે સિમરનજીત સિંગે 2 વિકેટ લીધી જ્યારે મનન અને પવનનેગીને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news