close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Nobel Prize 2019 : બે અમેરિકન અને એક બ્રિટિશરને મળ્યો મેડિસિનનો નોબેલ

ચિકિત્સાનો નોબેલ પારિતોષિક જાહેર કરતા જ્યુરીએ ટાંક્યું છે કે, "તેમણે પોતાના સંશોધન દ્વારા એ સાબિત કર્યું છે કે ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે આપણી કોશિકાઓ અને શારીરિક ક્રિયાઓને પ્રભાવિત કરે છે. સાથે જ એનિમિયા, કેન્સર અને અન્ય રોગોના ઈલાજની નવી પદ્ધતિ માટે નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે."

Yunus Saiyed - | Updated: Oct 7, 2019, 05:17 PM IST
Nobel Prize 2019 : બે અમેરિકન અને એક બ્રિટિશરને મળ્યો મેડિસિનનો નોબેલ
ફોટો સાભાર: Twitter@NobelPrize

નવી દિલ્હીઃ ફિઝિયોલોજી અથવા મેડિસિન(ચિકિત્સા)ના ક્ષેત્રનો વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર બે અમેરિકન અને એક બ્રિટિશરને સંયુક્ત રીતે એનાયત કરાયો છે. અમેરિકાના બે સંશોધક વિલિયમ જે કેલિન જુનિયર અને સર પીટર જે. રેટક્લીફ તથા બ્રિટિશર સંશોધક ગ્રેગ એલ. સેમેન્ઝાને સોમવારે 'કોશિકાઓની કામ કરવાની પદ્ધતિ અને ઓક્સિજનને ગ્રહણ કરવાની પદ્ધતિ'ની શોધ કરવા બદલ નોબેલ એવોર્ડ માટે પસંદ કરાયા છે. 

નોબેલ પુરસ્કાર મેળવ્યા પછી સર પીટર જે. રેટક્લિફે આનંદ વ્યક્ત કર્યો હતો. જે સમયે નોબેલ પુરસ્કાર માટે રેટક્લિફના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ ઈયુ સિનર્જી ગ્રેન્ટ એપ્લિકેશન પર પોતાની ડેસ્ક પર કામ કરી રહ્યા હતા. 

એવોર્ડ જાહેર કરતા જ્યુરીનું નિવેદનઃ 
ચિકિત્સાનો નોબેલ પારિતોષિક જાહેર કરતા જ્યુરીએ ટાંક્યું છે કે, "તેમણે પોતાના સંશોધન દ્વારા એ સાબિત કર્યું છે કે ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે આપણી કોશિકાઓ અને શારીરિક ક્રિયાઓને પ્રભાવિત કરે છે. સાથે જ એનિમિયા, કેન્સર અને અન્ય રોગોના ઈલાજની નવી પદ્ધતિ માટે નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે."

ગાર્ડિયને આ સંશોધકોના સંશોધન અંગે જણાવ્યું કે, "સંશોધકોએ એ શોધી કાઢ્યું છે કે જ્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ત્યારે પ્રોટીનનું જટીલ લેવલ HIF વધવા લાગે છે. ઓક્સિજનની સામાન્ય સ્થિતિમાં HIFનું લેવલ અત્યંત ઝડપથી નીચું જતું રહે છે, પરંતુ ઓક્સિજનનું ઓછું પ્રમાણ હોય ત્યારે તે પ્રમાણ વધે છે. આ જટીલતા માનવ શરીરના ડીએનએની સાંકળને બાંધી રાખવામાં મદદ કરે છે."

કોણ છે આ સંશોધનકર્તાઃ 
અમેરિકન સંશોધનકર્તા વિલિયમ જી. કેલિન જુનિયરનો જન્મ 1957માં થયો હતો. તેમણે ડરહમની ડ્યુક યુનિવર્સિટીમાંથી એમડીની ડિગ્રી મેળવી છે. તેમણે બાલ્ટીમોરની જોન હોપકિન્સ યુનિવર્સિટી અને બોસ્ટનની દાના-ફાર્બર કેન્સર ઈન્સ્ટીટ્યુટમાંથી ઈન્ટરનલ મેડિસિન અને ઓન્કોલોજીમાં મેડીની ડિગ્રી મેળવી હતી. 

ગ્રેગ એલ સેમેન્જા ન્યૂયોર્કના છે અને તેમનો જન્મ 1956માં થયો છે. તેમણે બોસ્ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં બીએની ડિગ્રી મેળવી છે. સેમેન્ઝાએ પેન્સિવેનિયા યુનિવર્સિટીમાંથી એમડી/પીએચડીની ડિગ્રી મેળવી છે. 

સર પીટર જે. રેટક્લીફનો જન્મ ઈંગ્લેન્ડની લંકાશાયરમાં 1954માં થયો હતો. તેમણે કેન્બ્રિજ યુનિવર્સિટીના ગોન્વિલે અને સાઈઅસ કોલેજમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તેમણે ઓક્સફોર્ડમાંથી નેફ્રોલોજીમાં ટ્રેનિંગ પણ પ્રાપ્ત કરી છે. 

ગયા વર્ષે કોને મળ્યો હતો
ગયા વર્ષે અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકો હોન્જોને કેન્સરના ઈલાજમાં રોગપ્રતિકાર શક્તિને કેવી રીતે જાળવી રાખવી તેની શોધ કરવા માટે ચિકિત્સાનો નોબેલ એનાયત કરાયો હતો. 

નોબેલ પ્રાઈઝ 
દર વર્ષે નોબેલ પારિતોષિક વિજેતાઓના નામની જાહેરાત ઓક્ટોબરના બીજા સપ્તાહમાં કરવામાં આવતી હોય છે. ચિકિત્સા ઉપરાંત રસાયણ, ભૌતિક, અર્થશાસ્ત્રી, સાહિત્ય અને વિશ્વ શાંતિ માટે દર વર્ષે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. ત્યાર બાદ દર વર્ષે સ્કોટહોમ(સ્વીડન)માં 10 ડિસેમ્બરના રોજ એક ભવ્ય સમારોહમાં નોબેલ વિજેતાઓનું સન્માન કરવામાં આવે છે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો એક ક્લિક...