પાકિસ્તાન: હિન્દુ વિદ્યાર્થીનીના મોત અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાન(Pakistan) ના સિંધ પ્રાંતના લરકાનામાં પોતાની હોસ્ટેલના રૂમમાં સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસમાં પોલીસની બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પાકિસ્તાન: હિન્દુ વિદ્યાર્થીનીના મોત અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

લરકાના: પાકિસ્તાન(Pakistan) ના સિંધ પ્રાંતના લરકાનામાં પોતાની હોસ્ટેલના રૂમમાં સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસમાં પોલીસની બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એ વાત સામે આવી છે કે ડીએનએ તપાસ માટે અત્યંત જરૂરી વસ્તુઓ ફોરેન્સિક લેબમાં મોકલવામાં જ નથી આવી. પાકિસ્તાની મીડિયાએ આ ચોંકાવનારો ખુલાસો કરતા પોલીસ પર જ સવાલો ઉઠાવી દીધા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આસિફા બીબી ડેન્ટલ કોલેજ લરકાનાની વિદ્યાર્થીની નમ્રતાના ગળા સાથે બંધાયેલા દુપટ્ટાનો ડીએનએ રિપોર્ટ લરકાના પોલીસને મળી ગયો છે. રિપોર્ટ લાહોર સ્થિત ફોરેન્સિક લેબના ડાઈરેક્ટર જનરલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. પોલીસે આ ન્યાયિક તપાસ અધિકારીને સોંપી દીધો છે. 

મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે ફોરેન્સિક વિશેષજ્ઞોને દુપટ્ટા સાથે ત્વચાના ટુકડાં કે લોહીના ધબ્બા નથી મળ્યા જેના કારણે તેનો ડીએનએ મેળવી શકાયો નહીં. કપડાં પર હાજર ત્વચાના ટુકડાંથી 72 કલાકની અંદર ડીએનએ મેળવી શકાય છે. જો તેમાં મોડું થઈ જાય તો ડીએનએ મળવા અશક્ય બની જાય છે. નમ્રતાના મોત સમયે તેના ગળમાં બંધાયેલો દુપટ્ટો મોતના એક અઠવાડિયા બાદ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે ડીએનએ મળી શક્યું નહીં. 

મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી (નાદરા)એ નમ્રતા મામલે મોકલવામાં આવેલા આંગળીના નિશાનને એમ કહીને લરકાના પોલીસને પાછા મોકલી દીધા કે તેમના ડેટાબેઝમાં હાજર ફિંગર પ્રિન્ટ્સ સાથે મેચ થતા નથી અને હવે આગળ તેમની તપાસ માટે જરૂર નથી. 

જુઓ LIVE TV

નાદરાએ લરકાના પોલીસને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે તેમના દ્વારા (પોલીસ) મોકલવામાં આવેલા ફિંગર પ્રિન્ટ્સની ગુણવત્તા  ખુબ ખરાબ હતી. પોલીસે મોતના એક મહિના બાદ આંગળીઓના આ નિશાનને મોકલ્યા હતાં. આ અંગે મીડિયાના સવાલોના જવાબમાં લરકાનાના એસએસપી મસૂદ બંગશે કહ્યું કે પોલીસને ઘટનાની જાણકારી ત્રણ કલાક બાદ મળી હતી. 

પોલીસ જ્યારે હોસ્ટલ પહોંચી ત્યાં સુધીમાં તો અનેક લોકો ક્રાઈમ સીન (નમ્રતાના રૂમ) જઈ ચૂક્યા હતાં. તેની ક્લાસમેટ્સે પોતે જણાવ્યું કે તેમણે હડબડાહટમાં નમ્રતાના ગળામાંથી દુપટ્ટો કાઢ્યો હતો અને તેના શરીરને બરાબર સૂવાડ્યું હતું. જેના કારણે પોલીસ તત્કાળ કોઈ ફિંગર પ્રિન્ટ તપાસ માટે મોકલી શકી નહીં. કોર્ટના આદેશ બાદ જે પુરાવા માટે જરૂરી આંગળીઓના નિશાન જરૂરી હતાં તેને તપાસ માટે મોકલ્યા હતાં. 

નમ્રતાનું મોત 16 સપ્ટેમ્બરના રોજ તેની હોસ્ટેલના રૂમમાં થયું હતું. પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસને શરૂઆતમાં તેને આત્મહત્યા ગણાવી હતી પરંતુ નમ્રતાના ઘરવાળાઓએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ મામલાની ન્યાયિક તપાસ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news