અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો
Trending Photos
- અસંતોષના કોરોનાથી સંક્રમિત થયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા?
- મેયર સહિત કોર્પોરેશનની રાજકીય બોડી સાથે ઘર્ષણના અનેક સમાચારો આવ્યા હતા
- મેયર અને કમિશ્નર વચ્ચેના અણબનાવની વાતો છેક મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડીયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જેના પગલે સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.
I came into contact with two persons during my field visits who tested positive subsequently
As per existing guidelines, I have been advised self isolation at home for 14 days.
Looking forward to rejoining the #FightAgainstCOVID19 very soon
— Vijay Nehra (@vnehra) May 5, 2020
અત્રે ઉલ્લેખનીય છેકે, વિજય નેહરાએ આજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે તેમણે હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જો કે લાંબા સમયથી નેહરા અને તેમની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશનનાં મેયર સહિતનાં રાજકીય બોડી સાથે પણ તેઓ તાલમેલ બેસાડી શકતા ન હોવાની અનેક અટકળો હતો. જે અંગે મેયર બિજલ પટેલ દ્વારા પણ અનેક વાર મુખ્યમંત્રી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો કે વિજય નેહરા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુડ બુકમાં આવતા હોવાને કારણે પોતાના પદ પર યથાવત્ત રહ્યા હતા. પરંતુ કોરોનાને કારણે અમદાવાદ શહેરની જે સ્થિતી થઇ છે જે પ્રકારે રોજિંદિ રીતે કોરોનાનાં કેસ કુદકે અને ભુસકે વધી રહ્યા છે તેના કારણે તેમની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. જુનો અસંતોષ અને કોરોનાની સ્થિતી બંન્નેને ધ્યાનમાં રાખીને તેમને સરકાર દ્વારા તેમને ચેતવણી આપવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીલીપ રાણા અને જેએચ પ્રજાપતી જેવા અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી હતી. જે વિજય નેહરા માટે પહેલી લાલબત્તી હતી.
જો કે આજે વિજય નેહરા દ્વારા હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા તુરંત જ મુકેશ કુમારને હવાલો સોંપવામાં આવ્યો હતો. આ જોતા તેમને માનભેર પદ પરથી ઉતારવામાં આવ્યા છે તેવી અટકળો વહેતી થઇ છે. જો કે વિજય નેહરા કયા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા તે અંગે કોઇ ખુલાસો થયો નથી. હાલ તો આ બાબતે અનેક પ્રકારની અટકળો જ લાગી રહી છે. પરંતુ વિજય નેહરા હાલ મ્યુનિસિપલ કમિશ્નર નથી રહ્યા તે એટલું જ સત્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે