ગુજરાતમાં હવે બેંકના ATM પણ સુરક્ષિત નથી! હરિયાણાની મેવાતી ગેંગનો શખ્સ સકંજામાં

રાજકોટમાં નાગરીક બેન્ક ચોક પાસે કેનેરા બેન્કની બ્રાન્ચના ATM મશીન સાથે ચેડાં કરી રૂપિયા કાઉન્ટ થાય ત્યારે સ્વીચ પાડી નાણાં મેળવી લીધા બાદમાં બેન્કમાં ફરિયાદ કરી રૂપિયા પરત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

 ગુજરાતમાં હવે બેંકના ATM પણ સુરક્ષિત નથી! હરિયાણાની મેવાતી ગેંગનો શખ્સ સકંજામાં

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કરનાર મેવાતી ગેંગના શખ્સને પોલીસે દબોચી લીધી છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકના 30 એટીએમ કાર્ડ કબ્જે કરી પુછતાછ શરૂ કરી છે.. આરોપીએ જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં એટીએમ સાથે ચેડચાડ કર્યાનું કબુલાત આપતા રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતા. જૂઓ કોણ છે આ શખ્સ અને કેવી રીતે આચરતો હતો બેન્ક સાથે ફ્રોડ?

  • રાજકોટમાં બેંકના ATM પણ નથી રહ્યા સુરક્ષિત..
  • કેનેરા બેંકમાંથી ત્રણ વખત પૈસા ઉપાડી છેતરપીંડીનો પ્રયાસ..
  • ભકિતનગર પોલીસે ગણત્રીની કલાકોમાં જ મેવાતી ગેંગના સાગરીતને દબોચી લીધો..

અનિશ મૂળ હરિયાણાના મેવાતી ગેંગની સાગરીત છે. જેના પર આરોપ છે રાજકોટમાં બેંક ATMમાં ચેડચાડ કરી ફ્રોડ કરવાનો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, ભક્તિનગર વિસ્તારમાં આવેલી નાગરિક બેંક પાસે શ્યામ બિલ્ડીંગમાં આવેલ કેનેરા બેંકની બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરતા અક્ષય અવધેશકુમાર આનંદએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બેંક સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈ તા.13ના બેંકમાં નોકરી પર આવેલા હતા ત્યારે સફાઈ કરનાર સફાઈ કર્મીએ જણાવ્યું હતું કે બેંકની બહાર એટીએમ મશીન કામ નથી કરતું અને તે ખુલેલ છે જેથી તેઓ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયેલ અને સીસીટીવી કેમેરા ચેક કરતા સવારના સમયે એક શખ્સ એટીએમમાં પ્રવેશ કરી તેના ખીસ્સામાંથી એટીએમ કાઢી પૈસા ઉપાડવાની કોશીષ કરતો દેખાયો હતો. 

આ શખ્સ બાદમાં એક ચાવી જેવું કાઢી મોનીટર ઉપર ચાવી લગાવી મોનીટર ખોલી તેની સ્વીચ બંધ કરી મોનીટર સ્ક્રીન ખોલી એમાં કઈ કરતો અને થોડાવારમાં નીકળી જતો જોવામાં આવેલ હતો. એટલું જ નહીં તારીખ 15ના પણ તે જ શખ્સે એટીએમમાં પ્રવેશ કરી મશીનરીનું મોનીટરમાં કઈક કરતો અને બાદમાં નીકળી જતો હોવાનું જોવા મળેલ બન્ને દિવસે એક જ શખ્સ એટીએમમાં આવી તેમાં છેડછાડ કરતો અને ટ્રાન્જેકશન કરેલ કાર્ડની માહિતી જોતા બન્ને વખતે અલગ અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કરેલ હતો. તેમજ ગઈ તારીખ 11ના પણ સીસીટીવી ચેક કરતા તે જ શખ્સ એટીએમમાં જોવામાં આવેલ હતો. 

સીસીટીવીમાં દેખાતા અજાણ્યા શખ્સે અલગ અલગ ત્રણ વખત આવી રૂપિયા ઉપાડેલ અને રૂપિયા ઉપાડતી વખતે મશીનની ડીસ્પ્લે ખોલી તેમાં મશીન રીસેટ કરવાની સ્વીચ ટ્રાન્જેકશનમાં એરર ઉભી કરવા બંધ કરી બાદ તારીખ 11ના રૂા.9000 ઉપાડી લીધેલ અને મળી ગયેલ હોવા છતા તે પૈસા ખાતામાંથી કપાઈ ગયેલ છે પરંતુ તેઓને મળેલ નથી તેઓને બેંકમાં ફરીયાદ કરી બેંક સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ મથકની ટીમે ગુનો નોંધી ભક્તિનગર પોલીસે ગણત્રીની કલાકોમાં મવાતી ગેંગના સાગ્રીત અનીશ શફીન મહમદ મવને દબોચી લીધો હતો. તેની પાસેથી અલગ અલગ બેંકના 30 એટીએમ કાર્ડ કબ્જે કરી સઘન પુછપરછ હાથ ધરી હતી. 

પોલીસ પુછપરછમાં મુળ હરીયાણાનો શખ્સ બે વર્ષ અગાઉ સાણંદ નોકરીએ આવેલ હતો જેથી તે ગુજરાતના પ્રવાહથી પરીચીત હતો અને છેલ્લા થોડાક મહિનાઓથી તે જામનગર નજીક રહેતો હતો અને રાજકોટમાં પ્રથમ વખત જ આવી એટીએમ સાથે ચેડા કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા જ ઝડપાઈ ગયો હતો. મૂળ હરિયાણાનો આ શખ્સ અનીશ શફીન મહમદ મવ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. બેકાર બની જતા યુ-ટ્યુબમાં વિડીયો જોઈ ATM ફ્રોડના રવાડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે. વધુ પુછતાછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા

મેવાતી ગેંગ એટીએમ તોડવા અને છેડછાડ કરવામાં પંકાયેલ
રાજકોટમાંથી પકડાયેલા મેવાતી ગેંગના શખ્સ પાસેથી ચોંકાવનારી વિગતો સાથે અલગ અલગ બેંકના 30 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હરીયાણાની મેવાતી ગેંગ એટીએમ મશીન તોડી ચોરી કરી નાસી છુટવાના અને એટીએમ મશીનમાં છેડછાડ કરી બેંક સાથે છેતરપીંડી કરવા માટે પંકાયેલ છે. અગાઉ પણ અનેક વખત મેવાતી ગેંગે તરખાટ મચાવી ચૂકેલ છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી અનિશ એટીએમમાંથી નવ કે સાડા નવ હજાર ઉપાડી ટ્રાન્જેકશન ડીકલાઈન કરાવી તેટલી રકમ પરત મેળવવા માટે બેન્કોના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરતો હતો. તે હંમેશા નવ કે સાડા નવ હજારની રકમ એટલે કઢાવતો કારણ કે જો રકમ ૧૦ હજારથી વધુ હોય તો બેન્કો તત્કાળ તે રકમની એપ્રુવલ આપતી નથી અને ઉંડાણપૂર્વકની તપાસ કરે છે. જેને કારણે જ આરોપી અનિશ રૂા. ૧૦ કરતાં ઓછી રકમ કઢાવી તે પરત મેળવવા માટે કલેઈમ કરતો હતો. 

આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે કલેઈમ કરેલા કેસોમાં રેશીયો ૬૦:૪૦નો હતો. ૬૦ ટકા કિસ્સાઓમાં તેને રકમ મળી જતી હતી. જયારે ૪૦ ટકા કિસ્સામાં બેન્કો જયારે એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતી ત્યારે તેમાં તે રકમ ઉપાડતો હોવાના દ્રશ્યો કેદ થઈ ગયા હોવાથી તેને રકમ આપતી ન હતી એટલે કે તેના ખાતામાં તે રકમ રીવર્સ કરતી ન હતી. આરોપીએ અત્યાર સુધીમાં 20 લાખ કરતા વધુનું બેંકો સાથે ફ્રોડ કર્યું હોવાનું કબુલ્યું છે. પોલીસ તપાસમાં આરોપી કેટલી કબૂલાત આપે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news