“પપ્પા હું તો 10માં ધોરણમાં આવી. મને કેન્સર છે તો મારા ભવિષ્યનું શું થશે....”
Trending Photos
જયેશ દોશી/નર્મદા :રાજપીપળાની કિશોરી મક્કમ મનોબળે કેન્સરને મ્હાત આપી ધોરણ-10ની પરીક્ષા આપી રહી છે. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ ઘેર બેઠા અભ્યાસ કરી અન્યો માટે પ્રેરણાદાયી બની છે આ વિદ્યાર્થીની, જેને તેના માતા પિતા સરકારની કોઈપણ સહાય વગર પણ દીકરીને બચાવવા અને ભણાવવા મથી રહ્યા છે. તેઓને એક જ આશા છે કે સરકાર તેઓને સહાય કરશે.
હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી
“પપ્પા હું તો 10માં ધોરણમાં આવી. મને કેન્સર છે તો મારા ભવિષ્યનું શું થશે. મારે સારું ભણી ગણીને આગળ વધવું છે...” આ શબ્દો છે રાજપીપળાની 15 વર્ષીય કિશોરી સુજાન હારુન મન્સૂરીના. આજથી એક વર્ષ અગાઉ ડોક્ટરોએ એને હાડકાનું કેન્સર હોવાનું નિદાન કર્યું હતું. કેન્સરગ્રસ્ત આ કિશોરીએ એક વર્ષ સુધી કેન્સરની અલગ અલગ જટીલ સારવાર પણ લીધી અને સાથે સાથે 10માં ધોરણની પરીક્ષાની પણ તૈયારી કરી. દ્રઢ મનોબળ ધરાવતી એ કિશોરીએ કેન્સરને મ્હાત આપી. આજે રાજપીપળાની મહારાજા રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયમાં પરીક્ષા આપી રહી છે. રાજપીપળાની સુજાન હારુન મન્સૂરી સતત 70 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી હતી અને કેન્સરની જટીલ સારવાર લઈ રહી હતી. આવી કપરી પરિસ્થિતિમાં મોટી ઉંમરનો વ્યક્તિ પણ પોતાનું મનોબળ ગુમાવી બેસે છે. પણ 15 વર્ષીય સુજાને મક્કમ મનોબળ રાખી પગના ઘૂંટણની સર્જરી બાદ ઘરે બેઠા બેઠા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને સ્વસ્થ રીતે હાલ 10માં ધોરણની પરીક્ષા આપી રહી છે.
સુરતી કાકાના પિટારામાંથી ખૂલ્યો શાહજહાનો ભૂતકાળ
અન્યો માટે પ્રેરણાદાયી આ કિસ્સો કંઈક અનોખો છે. આ તરુણી કેન્સર ગ્રસ્ત છે, છતાં કોઈની પણ સહાય વગર પરીક્ષા કેન્દ્ર પર જઈ નીડર બની પરીક્ષા આપે છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સંચાલક તથા અન્ય શિક્ષકો પણ આ વિદ્યાર્થીનીની ખાસ કાળજી રાખી રહ્યા છે. આ દીકરીની હિંમતને બિરદાવી રહ્યા છે. બીજી તરફ રૂપિયા 20 લાખ જેવી માતબર રકમ ખર્ચીને પોતાનું મકાન પણ વેચીને આ દીકરીનો ઈલાજ કરાવનાર પિતાને હજી પણ આ દીકરીને આગળ ભણાવવી છે. પરંતુ સરકારની બેટી બચાવો બેટી પઢાવોની વાત આ પિતાને વ્યર્થ લાગે છે. કેમકે તેમને સરકારમાં કેટલીયે રજૂઆત કરી છતાં આ દીકરીના ઈલાજ માટે હજી એક રૂપિયો પણ પિતાને મળ્યો નથી. હવે આ પિતા ઈચ્છી રહ્યા છે કે આ દીકરીના ઈલાજ અને ઉચ્ચ ભણતર માટે સરકાર મદદ કરે.
એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય વિષયક વાતો કરી સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતની સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે. અને બીજી તરફ કેન્સર ગ્રસ્ત વિદ્યાર્થીની દીકરીના સારવાર માટે પિતાએ ઘર વેચીને પણ સારવાર કરવી પડી રહી છે. ત્યારે આવા સાચા અને જરૂરિયાતવાળાને સરકાર સહાય કરે તો જ સરકારની યોજના જન જન સુધી પહોંચી કહેવાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે