સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગે 'રેરેસ્ટ ઓફ ધ રેર' સર્જરી કરી બે બાળકોને બક્ષ્યું નવજીવન
અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગે દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ કિસ્સો એવા બે ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકની સફળ સર્જરી કરીને એક નવું સિમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, 18 મહિનાની બાળકીના આંતરડામાં ફસાઈ ગયેલા 'બટન સેલ' કાઢીને તેને નવજીવન આપ્યું છે.
Trending Photos
અમિત રાજપૂત/ અમદાવાદઃ અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગે દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ કિસ્સો એવા બે ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકની સફળ સર્જરી કરીને એક નવું સિમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, 18 મહિનાની બાળકીના આંતરડામાં ફસાઈ ગયેલા 'બટન સેલ' કાઢીને તેને નવજીવન આપ્યું છે. ઓપરેશન કરાયેલા બંને બાળકોની તબિયત હાલ સારી અને પ્રગતિ પર છે.
માતા ગર્ભ ધારણ કરે તેના 7-8 અઠવાડિયામાં કેટલીક વખત કોઇ કારણસર અંગ છુટા પડી જતા હોય છે. જેના કારણે બાળકોનાં જન્મ બાદ વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બાળરોગ નિષ્ણાતોની ટીમ આવા 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસમાં સર્જરી કરીને બાળકને નવજીવન આપવા માટે સજ્જ છે.
કિસ્સો-1: 18 માસની બાળકીના આંતરડાની સફળ સર્જરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના ડોક્ટરો સમક્ષ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક 18 માસની બાળકીને લઈને તેના માતા-પિતા આવ્યા હતા, જેને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. તબીબોએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ બાળકી રમત-રમતમાં 'બટન સેલ' ગળી ગઈ છે અને તે બાળકીના આંતરડામાં ફસાઈ ગયો છે.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. રાકેશ જોશીએ વિગતો આપતા જણાવ્યું કે, "માત્ર 18 માસની બાળકીના આંતરડામાંથી 'બટન સેલ' કાઢવા માટે અત્યંત જટિલ સર્જરીની જરૂર હતી અને તેમાં બાળકીના જીવને પણ જોખમ હતું. સૌ પ્રથમ તો બાળકીની સર્જરી માટે તેના માતા-પિતાને સમજાવવામાં આવ્યા અને ત્યાર બાદ અમારી ટીમે આ જોખમી સર્જરીની તૈયારી કરી. કલાકોની મહેનત પછી અમે બાળકીના આંતરડામાં ફસાયેલો 'બટન સેલ' કાઢવામાં સફળ રહ્યા અને સાથે જ બાળકીનો જીવ પણ બચી ગયો."
કિસ્સો-૨: જન્મથી જ બે ગુપ્તાંગ ધરાવતા બાળકની સફળ સર્જરી
બીજા કિસ્સામાં જન્મથી જ બે લિંગ ધરાવતા ત્રણ માસના બાળકને લઈને માતા-પિતા હોસ્પિટલમાં આવ્યા હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો દેશનો બીજો અને ગુજરાતનો સૌ પ્રથમ કેસ છે. તબીબો માટે માત્ર ત્રણ માસના માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે રહેલી ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો.
આ કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી રામજીએ જણાવ્યું કે, "બે લિંગમાંથી એક લિંગ દૂર કરવું એ કપરું કામ હતું. તેમાં બાળકના આંતરિક અવયવોને પણ સાચવવાના હતા. અમારી ટીમે સંપૂર્ણ ચોકસાઈ સાથે બાળક પર સફળ સર્જરી કરી અને બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં અમને સફળતા મળી. રિપોર્ટ મુજબ વિશ્વમાં આ પ્રકારના અત્યાર સુધી 30 કિસ્સા જ નોંધાયા છે. જેમાં ભારતનો એક કિસ્સો ચેન્નાઇનો નોંધાયેલો છે. જ્યારે બીજો કિસ્સો ગુજરાતનો આ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પહેલીવાર ઓપરેશન કરવામાં આવ્યું છે."
બન્ને ઓપરેશન માં ખુબ તકેદારી રાખી સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગ દ્વારા સફળ સર્જરીને પાર પાડીને બન્ને બાળકોને નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલનાં બાળરોગ વિભાગની સફળ સર્જરીનાં લીધે આ બન્ને જીવનમાં સામાન્ય સ્વસ્થ નાગરિક બનીને પોતાનું જીવન જીવી શકશે અને પોતાના પરિવારની આકાંશા - અપેક્ષાઓ પણ પૂરી કરશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે